મોરબી PGVCL સ્ટાફ માટે આયુષ હોસ્પિટલ દ્વારા CPR તાલીમનું આયોજન કરાયું
પેટકોક ચોરી માટે જીપીએસ સિસ્ટમ બંધ કરવા અને સીલ ખોલવા મોરબીમાં લેવાતી ટેકનિકલ માણસોની મદદ !: ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
પેટકોક ચોરી માટે જીપીએસ સિસ્ટમ બંધ કરવા અને સીલ ખોલવા મોરબીમાં લેવાતી ટેકનિકલ માણસોની મદદ !: ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબી જીલ્લા એલસીબીની ટીમે જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ રુદ્ર એન્ટરપ્રાઇસના પ્લોટમાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈમ્પોર્ટ કોલસો એટલે કે પેટકોકની ચોરી કરવામાં આવતી હતી અને તેમાં ભેળસેળ કરતાં હતા જે કૌભાંડમાં ચાલી રહ્યું હતું જેમાં પોલીસે 1.09 કરોડથી વધુનો મુદામાલ સાથે ચાર આરોપીની ધરપકડ કરેલ હતી તે ગુનાની તપાસમાં એવી માહિતી સામે આવેલ છે કે આરોપીઓ વાહનમાં લગાવવામાં આવેલ જીપીએસ સિસ્ટમ બંધ કરવા અને તલપત્રીના સીલ ખોલવા માટે ટેકનિકલ માણસોની મદદ લેતા હતા.
મોરબીના જુના સાદુળકા ગામની સીમમાં એબીસી મિનરલની બાજુમાં આવેલા રુદ્ર એન્ટરપ્રાઇસ નામનો નવઘણભાઈ બાલાસરા તથા નિકુંજભાઈ રાજપરાના કબજા ભોગવટા વાળો પ્લોટ આવેલ છે ત્યારે એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે કંડલા બંદરેથી ટ્રકમાં ભરીને કોડીનાર તરફ લઈ જતાં વાહનના ડ્રાઇવર સાથે સંપર્ક કરીને ટ્રકમાં ભરવામાં આવેલ પેટકોકની ચોરી કરવામાં આવતી હતી અને ત્યાર બાદ પેટકોકની જગ્યાએ હલકી ગુણવત્તાનો કોલસો તેમાં મિક્સ કરતા હતા જો કે, આરોપીઓ દ્વારા ટ્રકમાં પેટકોક ભરીને તેના ઉપર જે તલપત્રી લગાવવામાં આવતી હતી તેના ઉપરના સીલ મરવામાં આવી રહ્યા હતા તેને ખોલવા માટે અને ટ્રકમાં લગાવેલ જીપીએસ ને બંધ કરવા માટે ટેકનિકલ માણસોની મદદ લેવામાં આવતી હતી તેવી માહિતી ડીવાયએસપી વી.બી.દલવાડીએ પત્રકાર પરિષદમાં આપી હતી.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડવામાં આવેલ ટ્રક ટેલરનો ડ્રાઇવર તોફિકખાન અશરફખાન મલેક, હિટાચીનો ડ્રાઇવર અખિલેશકુમાર શ્રીધીરેન્દ્રભાઈ ગોડ, મીઠાભાઈ વિઠ્ઠલભાઈ મીઠાપરા અને ઋત્વિક અમુભાઈ ખીમાણીયા તેમજ નવઘણભાઈ જસાભાઈ બાલાસરા, નિકુંજભાઈ રાજપરા, લોડરના બે ડ્રાઇવર રમેશ અનસીભાઈ વસુલિયા અને રાકેશ, તેમજ ટ્રકનો માલિક જગજીતસિંહ રાણા અને હરિભાઈને પકડવાના બાકી છે તે સહિત 10 શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે. અને હાલમાં જે ચાર આરોપીને પકડવામાં આવેલ છે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ચારેય આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે તેવી માહિતી તપાસ કરી રહેલા અધિકારી પીએસઆઈ બી.ડી. ભટ્ટ પાસેથી જાણવા મળેલ છે.
આ ગુનામાં પોલીસે સ્થળ ઉપરથી 188 ટન ઈમ્પોર્ટેડ કોલસો, મિક્સ કરેલો 100 ટન કોલસો, હલકી ગુણવત્તાનો 70 ટન કોલસો, એક ટ્રક, બે ટ્રેક્ટર લોડર, એક હિટાચી મશીન, એક બાઈક અને પાંચ મોબાઇલ ફોન આમ કુલ મળીને 1,09,55,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલ કર્યો છે અને આ શખ્સોની સામે ચોરી, વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ એસએમસીની ટીમે પેટકોકની ચોરીનો પર્દાફાશ કર્યો હતો ત્યાર બાદ હવે એલસીબીની ટીમે પેટકોકની ચોરી કરનારા શખ્સોને રેડ કરીને પકડ્યા છે જેથી કરીને ખરેખર ચોરી કરવામાં આવેલ પેટકોકનું વેચાણ કયા કરવામાં આવતું હતું ?, કેટલા સમયથી ચોરી કરવામાં આવતી હતી ?, કોણ કોણ આ ગોરખધંધામાં સંડોવાયેલ છે ? તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શ્ક્યતા છે.