પુઠાના બોક્સની આડમાં દારૂની હેરફેરી: વાંકાનેર નજીકથી ૪૯૪૪ બોટલો દારૂ ભરેલ આઇસર સાથે બે આરોપી ઝડપાયા
SHARE
પુઠાના બોક્સની આડમાં દારૂની હેરફેરી: વાંકાનેર નજીકથી ૪૯૪૪ બોટલો દારૂ ભરેલ આઇસર સાથે બે આરોપી ઝડપાયા
વાંકાનેર તાલુકાનાં જડેશ્વર રોડ ઉપર રાતીદેવળી ગામ નજીક આવેલ સંગમ વોટરપાર્ક એન્ડ રેસ્ટોરન્ટ પાસે રોડ ઉપરથી આઇસર પસાર થઈ રહ્યું હતું અને તેને રોકીને ચેક કર્યું હતું ત્યારે તેમાં પુઠાના બોક્સની આડમાં ચોરખાનુ બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ૪૯૪૪ બોટલો દારૂ જેની કિંમત ૮,૧૦,૪૮૦ તથા વાહન સહિત કુલ મળીને ૨૨,૨૮,૦૭૮ ના મુદામાલ સાથે હાલમાં બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને વાંકનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને સ્કોડના માણસોને ખાનગી બાતમી મળી હતી કે, આઇસર નંબર જીજે 3 બીવાય 1451 માં વાંકાનેરથી જડેશ્વર રોડ પર થઈને ટંકારા તરફ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે અને આ વાહનમાં ડ્રાઈવરની કેબીનની પાછળ આઇસરની બોડીમાં એક ચોરખાનુ બનાવેલ છે જેમાં દારૂનો જથ્થો રાખવામા આવેલ છે જેથી કરીને એલસીબીની ટીમે વાંકાનેર નજીક આવેલ રતિદેવળી પાસે આવેલ સંગમ વોટરપાર્ક એન્ડ રેસ્ટોરન્ટ પાસે રોડ ઉપર વોચ રાખી હતી તેવામાં મળેલ બાતમી મુજબનું આઇસર ત્યાંથી પસાર થયું હતું જેને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની ૪૯૪૪ બોટલ મળી આવી હતી જેથી ૮,૧૦,૪૮૦ ની કિંમતનો દારૂ તેમજ ૧૨ લાખ રૂપિયાની કિંમતનું આઇસર અને ૧૦ હજાર રૂપિયાનો એક મોબાઈલ ફોન અને અન્ય મુદામાલ મળીને કુલ ૨૨,૨૮,૦૭૮ નો મુદામાલ કબજે કરેલ છે. અને આરોપી સબ્બીર ઉર્ફે સબ્બો કાસમભાઇ જામ (૩૯) અને સોયબ ઉમરભાઇ જામ (૪૦) રહે. બંને ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં મેહુલભાઇ ગોવીંદભાઇ સાબરીયા રહે. થાનગઢ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધાયેલ છે અને હાલમાં ત્રીજા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. ઉલેખનીય છેકે, આરોપીઓ દ્વારા આઇસરમાં પાછળના ભાગે પુઠાના બોક્સનો સામાન ભરવામાં આવેલ હતો અને આઇસરની બોડીમાં ચોરખાનુ બનાવી તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મધ્યપ્રદેશ રાજયની બોર્ડર ઉપર પુઠાના બોક્સની બિલ્ટી બતાવી ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને જે.પી.કણસાગરા તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.