હળવદ નજીકથી નિમકોટેડ યુરિયા ખાતરની 400 બેગ ભરેલ આઇસરનો મામલો: 15 લાખનો મુદામાલ કબ્જે કરીને પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
SHARE
હળવદ નજીકથી નિમકોટેડ યુરિયા ખાતરની 400 બેગ ભરેલ આઇસરનો મામલો: 15 લાખનો મુદામાલ કબ્જે કરીને પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
હળવદના કોયબા ગામ પાસેથી નિમકોટેડ યુરિયા ખાતર ભરેલ આઇસર પસાર થવાનું છે તેવી હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વોચ રાખી હતી અને ત્યારે મળેલ બાતમી મુજબનું આઇસર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી નિમકોટેડ યુરિયા ખાતરની 400 બેગ મળી આવી હતી જેથી 8,00,465 ની કિંમતનો યુરિયા ખાતરનો જથ્થો તેમજ આઇસર અને તેનું પાયલેટિંગ કરી રહેલી કાર આમ કુલ મળીને 15 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં આઇસરનો ચાલક, સ્વીફ્ટ ગાડીનો ચાલક સહિત કૂલ 4 શખ્સો સામે રાસાયણિક ખાતર અને આવશ્યક ચીજ વસ્તુ ધારાની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે અને હળવદ પોલીસે હાલમાં ચારેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
નિમકોટેડ યુરિયા ખાતરનો ઉપયોગ ખેતી માટે કરવાનો હોય છે પરંતુ સરકારી કોટામાં મળતો નિમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો યેનકેન પ્રકારે ઔદ્યોગિક હેતુ માટે વપરાતો હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં હળવદની તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસને મળેલ બાતમી આધારે ગત તા.12/12 ના રોજ કોયબા ગામના પાટિયા પાસે સ્થાનિક પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનું આઇસર ત્યાંથી પસાર થઈ રહ્યું હોય પોલીસ દ્વારા તે આઈસર ટ્રક નંબર જીજે 36 વી 5716 ને રોકવામાં આવ્યું હતું અને આઇસરને ચેક કરવામાં આવતા તેમાંથી નિમકોટેડ યુરિયા ખાતરની 400 બેગ મળી આવી હતી જેથી 8,00,465 ની કિંમતનો નિમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો શંકાસ્પદ હાલતમાં કબ્જે કર્યો હતો. તે ઉપરાંત 5 લાખ રૂપિયાની કિંમતનું આઇસર અને તેનું પાઇલોટિંગ કરી રહેલ સ્વિફ્ટ ગાડી નંબર જીજે 12 એકે 0435 જેની કિંમત 2 લાખ રૂપિયા આમ કુલ મળીને 15 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને ત્યારે આઇસરના ચાલક નાગજીભાઈ રાજાભાઈ ભરવાડ રહે. નવા મકનસર વાળા અને આઇસરના માલિક અને સ્વિફ્ટ ગાડીનો ચાલક કરસનભાઈ સેલાભાઈ ભરવાડ રહે. રાણેકપર વાળાને પકડવામાં આવેલ હતા.
વધુમાં જે તે સમયે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આઇસર ગાડીમાંથી જે યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો છે તે ધાંગધ્રા તાલુકા વિસ્તારામાંથી ભરવામાં આવેલ હતો અને મોરબીના પીપળી રોડ ઉપર આપવા માટે આવી રહ્યા હતા. જેથી પોલીસે ગેરકાયદે યુરિયા ખાતરની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી બીજી બાજુ ખેતીવાડી અધિકારી દ્વારા ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ હાલમાં આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રવિરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા (35) રહે. ભેચડા તાલુકો ધાંગધ્રા, કરસનભાઈ છેલાભાઈ દોરેલા (27) રહે. રાણેકપર તાલુકો હળવદ, જયદીપભાઇ છગનભાઈ ઘાટોડીયા (27) રહે. બેલા તાલુકો મોરબી અને જયસુખભાઈ ગોપાલદાસ અગ્રાવત (45) રહે ભડીયાદ તાલુકો મોરબી વાળા ની સામે ગુનો નોંધીને પોલીસે ચારેય આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે રવિરાજસિંહ ઝાલાએ યુરિયા ખાતરનો જથ્થો વેચાણ કર્યો હતો અને કરસનભાઈ દોરાલાએ ખાતરના જથ્થાની ખરીદી કરી હતી અને ત્યારબાદ જયદીપભાઇ ઘાટોડીયા અને જયસુખભાઈ અગ્રાવતે આ ખાતરનો જથ્થો મંગાવ્યો હતો જેથી આપવા જતા હતા ત્યારે પોલીસે આઇસરને પકડી પડેલ છે.