હળવદમાં ફોરીજ કયા છે ? કહીને ઓરડીના દરવાજા ઉપર બંદૂકમાંથી કર્યું ફાયરિંગ: બે અજાણ્યા બુકાનીધારી શખ્સની શોધખોળ
SHARE
હળવદમાં ફોરીજ કયા છે ? કહીને ઓરડીના દરવાજા ઉપર બંદૂકમાંથી કર્યું ફાયરિંગ: બે અજાણ્યા બુકાનીધારી શખ્સની શોધખોળ
હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં શુક્રવારે રાતે ઓરડી પાસે બે શખ્સો ફિરોજ કયા છે તેવું કહીને આવ્યા હતા અને ત્યાર બાદ ઓરડીના દરવાજા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બંને બુકાની ધારી શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા જે બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પ્રશ્નો ઊભા થાય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે દરમિયાન મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં શુક્રવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ઓરડીના દરવાજા ઉપર ફાયરિંગની ઘટના બની હતી જે બનાવ સંદર્ભે હાલમાં હળવદમાં આવેલ ધાંગધ્રા દરવાજા પાસે રાવલફળીમાં રહેતા માજીદભાઈ યુનુસભાઇ સંધિ (35)એ અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે. અને અગાઉ કરવામાં આવેલ ફરિયાદનો ખાર રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરેલ છે.
હાલમાં મોરબીના ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જણાવ્યુ હતું કે, હળવદના ભવાની નગર ઢોરા વિસ્તારમાં ફરિયાદીની તબેલા જેવી જગ્યા આવેલ છે અને ત્યાં બાજુમાં એક ઓરડી આવેલ છે ત્યાં પલ્સર બાઈકમાં બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેના મોઢા ઉપર બુકાની બાંધીને રાખી હતી અને ત્યાં હાજર રહેલા વ્યક્તિને કહ્યું હતું કે, ફિરોજ કયા છે ત્યારે હાજર રહેલા વ્યક્તિએ તમે જોઈ લો મને ખબર નથી તેવો જવાબ આપેલ હતો જેથી કરીને ઓરડીનો દરવાજો અને બારી ખોલીને જોયું હતું ત્યારબાદ ઓરડીમાં કોઈ હાજર ન હોવાથી ઓરડીના દરવાજા ઉપર બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું અને કહ્યું હતું કે, માજીદ અને ફિરોજને કહી દેજે કે અમારા ઉપર ફરિયાદ કરેલ છે તે પાછી ખેંચી લે નહીંતર ફાયરિંગ કરી પતાવી દેશું. ત્યાર બાદ બંને શખ્સો બાઈક લઈને ત્યાંથી જતા રહ્યા હતા.
ઉલ્લેખની છે કે આશરે 15 દિવસ પહેલા ધાંગધ્રા ગામના હાજી સંધિ અને અનશ સંધીએ ફોન કરીને પૈસાની માંગણી કરી ધમકી આપેલ હતી જેથી તે અંગેની ગત તા 30/12/25 ના રોજ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરેલ હતી જેથી હાલના ફરિયાદી તથા તેના ભાઈ ફિરોજ ને મારી નાખવા માટે તેઓની ઓરડીના દરવાજા ઉપર બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની શંકા ફરિયાદીએ વ્યક્ત કરી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.