મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૯૭૨ ઉમેદવારો મેગા જોબ ફેરમાં હજાર રહ્યા; ૭૮૮ ઉમેદવારોએ મેળવી સ્થળ પરથી જ રોજગારી
SHARE
મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૯૭૨ ઉમેદવારો મેગા જોબ ફેરમાં હજાર રહ્યા; ૭૮૮ ઉમેદવારોએ મેળવી સ્થળ પરથી જ રોજગારી
મોરબીમાં જિલ્લા રોજગાર કચેરી મોરબી તથા સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે મોરબી આઈ.ટી.આઈ ખાતે ક્લસ્ટર કક્ષાનો મેગા જોબફેર યોજાયો હતો. આ જોબ ફેરનો જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ શુભારંભ કરાવ્યો હતો. આ વેળાએ ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આ મેગા જોબ ફેરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ અને મોરબી જિલ્લાના ૨૫ મળી કુલ ૩૮ નોકરી દાતાઓ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૨૭૬ તથા મોરબી જિલ્લાના ૬૯૬ ઉમેદવારો મળી ૯૭૨ ઉમેદવારો રોજગારી મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના ૨૧૧ અને મોરબી જિલ્લાના ૫૭૭ મળી ૭૮૮ ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપી નામાંકિત કંપનીઓમાં સ્થળ પરથી જ રોજગારી મેળવી હતી.
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ નિયામક, રોજગાર અને તાલીમની કચેરી-ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી- મોરબી તથા સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક્લસ્ટર કક્ષાના મેગા જોબ ફેરનો જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો.
નોકરી દાતાઓએ સ્થળ પર જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી હતી. મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષાબેન સાવનિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી મોરબી તથા સુરેન્દ્રનગરની ટીમએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.