પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા
SHARE
પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા
મોરબી જિલ્લા કક્ષાના ૭૭મો વન મહોત્સવની ટંકારામાં ઉજવણી કરાઇ: જિલ્લાના ૬૦ હેક્ટર વિસ્તારમાં ૧ લાખ ૫૦ હજાર જેટલા વૃક્ષોનું વાવેતરઃ મિયાવાકી પદ્ધતિ હેઠળ ૫.૫ હેક્ટરમાં ૫૦,૦૦૦ વૃક્ષો અને ‘અર્બન વનકવચ’ અંતર્ગત ૩ હેક્ટરમાં ૩૦,૦૦૦ વૃક્ષો વાવેતર કરાશે
૧૭ ઓગસ્ટ ,વન વિભાગ દ્વારા મોરબી જિલ્લાકક્ષાના ૭૭માં વન મહોત્સવની ઉજવણી ટંકારાની આર્ય વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો મંત્રીશ્રી કાંતિભાઇ અમૃતિયાએ ગૌરવભેર જણાવ્યુ હતુ કે, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મોરબી જિલ્લામાં પાંજરાપોળની જમીન ઉપર નમો વન બનાવ્યુ છે. જેમાં બે મહિનામાં દસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ હતું. આ વૃક્ષો આજ દસ ફુટ સુધીના થઇ ગયા છે. આ જગ્યાને પર્યટન સ્થળ તરીકે પણ વિકસાવાશે. જિલ્લાના દરેક ગામ, નગર, શહેરમાં જયા પણ જગ્યા હોઇ ત્યાં પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા વધુને વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર લોકભાગીદારીથી થવુ જોઇએ. આ જિલ્લામાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં રસ્તાની બંને બાજુ પણ વૃક્ષોનો ઉછેર કરી પર્યાવરણની જાળવણી થવી જોઇએ.
આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમા વન મહોત્સવ રાજયકક્ષાએ થતા હતા. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદી આવ્યા બાદ જિલ્લા કક્ષાએ પણ વન મહોત્સવ શરૂ થયા. જેનો હેતુ લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે. પર્યાવરણને થતું નુકશાન અટકાવવા વધુને વધુ વૃક્ષોનુ વાવેતર થાય તે રહેલો હતો. વન મહોત્સવમાં કલેકટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ હતુ કે, શહેરમાં આવેલા સરદારબાગમાં ૨૦૦ જેટલા વૃક્ષોનું તેઓ કમિશનર હતા ત્યારે વાવેતર કરાયુ હતું. એ સિવાય મોરબીના સાતેક બગીચાઓ જેવા કે સુરજબાગ, રાણીબાગ, કેશરબાગ, શંકરઆશ્રમના બગીચાની કામગીરી ચાલી રહી છે. તેમજ શહેરમાં વિવિધ સ્થળોએ વીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર થયુ હતું.
નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલે જણાવ્યુ હતુ કે, મોરબી જિલ્લાની પડતર ૬૦ હેક્ટર વિસ્તારમાં અંદાજે ૧ લાખ ૫૦ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ઓછા સમયમાં વધુ ઘનતા ધરાવતા જંગલો ઊભા કરવા માટે જાણીતી મિયાવાકી પદ્ધતિ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ૫.૫ હેક્ટરમાં ૫૦,૦૦૦ વૃક્ષો અને શહેરી વિસ્તારમાં ‘અર્બન વનકવચ’ અંતર્ગત ૩ હેક્ટરમાં ૩૦,૦૦૦ વૃક્ષો વાવવાનું ભગીરથ આયોજન કરાયું છે. જિલ્લામાં કાર્યરત ૭ સરકારી નર્સરીઓ મારફતે આ વર્ષે ૯.૫૪ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. કોઈપણ નાગરિક કે સંસ્થા ખૂબ જ સરળતાથી વૃક્ષારોપણ માટે અહીંથી રોપા મેળવી શકે છે. વિકેન્દ્રિત પ્રજા નર્સરી, મહિલા નર્સરી અને એસ.એચ.જી./એસ.સી. ગ્રૂપ નર્સરી યોજના અંતર્ગત વધુ ૩ લાખ ૧૫ હજાર જેટલા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.
એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત જિલ્લાના ૨૩૦ હેક્ટર વિસ્તારમાં વૃક્ષ ખેતી કરતા ખેડૂતોને સહાય ચૂકવાશે. ઇન્સેન્ટિવ ફોર હેરિટેજ ટ્રી યોજના અન્વયે વર્ષો જૂના, વૃક્ષોનું જતન થાય તે માટે મોરબી જિલ્લામાંથી ૬૫ જેટલા હેરિટેજ વૃક્ષોના સંરક્ષણ માટે ખેડૂતો/માલિકોને સહાય અપાશે. રાહદારીઓને વિસામા માટે ૩ વનકુટીર બનાવાઇ હતી અને વધુ બે બનશે. છ ગામોમાં પંચરત્ન વાટિકાનું નિર્માણ થશે. મોટી સંખ્યામાં વૃક્ષોના વાવેતર અને ઉછેર કરનારા દસ જેટલા પ્રકૃતિ પ્રેમીઓનું સન્માન મહાનુભાવોએ કર્યુ હતું. જેમા રામજીભાઈ બાવરવા, મણિલાલ ગડારા, આંબલાલભાઈ, માવજી દલસાણીયા, જીવરાજ લિખિયા, હરેશભાઇ, કુંવરજીભાઇ કાલરીયા, વેલજીભાઇ ઉઘરેજા વગેરેનો સમાવેશ થાય છે.
આ તકે વિધાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યુ હતું. છાત્રાએ પર્યાવરણ - પ્રકૃતિ વિશે બોધ વચનો રજૂ કર્યા હતા. મહાનુભાવોએદિપ પ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. નવરંગ નેચર કલબ દ્વારા ૨૦૦ જેટલા આંબાની કલમનું વિતરણ કરાયુ હતું. કાર્યક્રમની આભારવિધિ મદદનીશ વન સંરક્ષકશ્રી રાજબહાદુર મીનાએ કરી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ગીતાબેન દુબરીયા, નેચર કલબના વી.ડી. બાલા, કૌશિક મહેતા, વન સંરક્ષક સેંથીલ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, મદદનીશ વન સંરક્ષક પ્રતીક નારોલિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી સહિતના વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હળવદમાં ૨૦ ઓગસ્ટે ભરતી મેળો યોજાશે
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૦-૦૮-૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએસસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. અને રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યુ છે.