હમીરસર તળાવ અને દાદા-દાદી પાર્ક ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા મારૂ યોગદાન કાર્યક્રમ યોજાયો
હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
SHARE
હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
હળવદના ચરાડવા ગામ માટે ગૌરવ સમાન એક ઐતિહાસિક પ્રસંગ આગામી ૫ ઓક્ટોબરને સોમવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે ચરાડવામાં યોજાનાર છે. જેમાં ચરાડવા ગામના પનોતા પુત્ર તથા કિડની ક્ષેત્રે પોતાની અમૂલ્ય સેવાઓથી દેશ-વિદેશમાં નામના મેળવનાર પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદીની સ્મૃતિને ચિરંજીવ રાખવાના હેતુથી “પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલય” બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવશે.
આ પુસ્તકાલયનું નિર્માણ પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. અને ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા નિર્મિત આ ૧૧મું પુસ્તકાલય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વાંચનની ટેવ વિકસે તથા નવી પેઢીને જ્ઞાન અને સંસ્કાર સાથે જોડવામાં આવે તેવા ઉમદા હેતુથી આ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ સમારોહ ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવશે. ઉલેખનીય છે કે, ચરાડવા ગામે જન્મેલા પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદી કિડની રોગથી પીડિત દર્દીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. વિદેશની સુખ-સુવિધા અને ધીકતી કમાણીનો ત્યાગ કરી ભારત પરત ફરી અમદાવાદમાં કિડની હોસ્પિટલની સ્થાપના કરી તેમણે તબીબી ક્ષેત્રે તેમજ માનવસેવામાં અનોખું યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ તરીકે શ્રીમતી સુનિતાબેન એચ. ત્રિવેદી, પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી, ડૉ. પ્રાંજલ મોદી (ડાયરેક્ટર, IKD કિડની હોસ્પિટલ, અમદાવાદ), દિલીપભાઈ દેશમુખ (અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ) તથા પ્રો.ચેતન ત્રિવેદી (પૂર્વ કુલપતિ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ) ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાસંદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના હાજર રહેશે વધુમાં આયોજકે જણાવ્યુ હતું કે, “પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદી પુસ્તકાલય”નું નિયમિત સંચાલન જય શ્રી રામ ગૌશાળા ચરાડવા દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમના સંકલનમાં મહેશભાઈ કાનાણી તથા તપનભાઈ દવેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અને આ પ્રેરણાદાયી પ્રસંગે સમસ્ત ત્રિવેદી પરિવાર તથા ચરાડવા ગામ સમસ્ત દ્વારા સૌને હાજર રહેવા માટે અને જ્ઞાનયજ્ઞના સાક્ષી બનવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.