વાંકાનેરમાં માર્ગો પર ગેરકાયદે દબાણો હટાવાયા
SHARE
વાંકાનેરમાં માર્ગો પર ગેરકાયદે દબાણો હટાવાયા
નગરપાલિકા દ્વારા ચાર દિવસથી ઝુંબેશ: કેટલાક ધંધાર્થીઓ દ્વારા સ્વૈચ્છાએ લારી-કેબીનો હટાવી લીધી: દબાણકારોમાં ફફડાટ
વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર પાલિકાની ટીમ દ્વારા જેસીબી તથા ટ્રેકટરને સાથે રાખી ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચોથા દિવસે ખુદ ચીફ ઓફીસર પાલિકા ટીમ સાથે જોડાઈ શહેરના અડચણરૂપ દબાણો જેસીબી દ્વારા હટાવવામાં આવ્યા હતા આ કામગીરી દિવાનપરા, માર્કેટ ચોક, હરીદાસ રોડ, ચાવડી ચોક, મેઈન બજાર, ભમરીયા કુવા વિસ્તાર, જુની દાણાપીઠ, ગ્રીન ચોક, સીટી સ્ટેશન રોડ, સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હતી. ત્યારે અમુક લારી, કેબીનો થાળા ધંધાર્થીઓએ સ્વૈચ્છાએ દબાણો હટાવી પાલીકાને સહકાર આપ્યો હતો.
આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવશે આ સાથે તેમણે વધુમાં શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે શહેરભરના તમામ વેપારીઓ નાગરીકો આ ઝુંબેશમાં સંપૂણ સાથ સહકાર આપી સ્વૈચ્છાએ દબાણો દુર કરે જેથી ટ્રાફીકની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય અને આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા ખુલ્લી જગ્યાઓ પર પાર્કિંગ વ્યવસ્થા બનાવવાની તૈયારીઓ પણ દર્શાવી હતી.
આ દબાણ હટાવવાની કામગીરીમાં ચીફ ગિરીશભાઈ સરૈયા, હેડ કલાર્ક હાર્દિકભાઈ સરૈયા, મહેશભાઈ મકવાણા (એન્જીનીયર), પાર્થભાઈ સંચાણીયા, અશોકભાઈ રાવલ, આદીત્યભાઈ રબારી સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
શહેરના સીટી સ્ટેશન રોડ, મીલ પ્લોટ, નવાપરા વિસ્તાર તથા પંચાસર રોડ પર ગેરકાયદેસર પાકા મકાન દુકાન ગોડાઉન નડતરરૂપ છાપરા કેબીનો ઓટલા સહિત દબાણકર્તાઓ ઉપર ધોંસ બોલાવી હજારો ફુટ જગ્યા ખાલી કરવામાં આવી હતી. ઝુંબેશમાં પાલીકા સાથે પોલીસ સ્ટાફ પણ સાથે જોડાતા દબાણકતાઓમાં ફફળાટ ફેલાઈ ગયો છે.