વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં વૃદ્ધાનું મોત
SHARE
વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં વૃદ્ધાનું મોત
વાંકાનેરમાં આવેલ મંત્રી સોસાયટી ધર્મનગરમાં રહેતા વૃદ્ધા નેશનલ હાઇવે રોડ ઉપર આસ્થાગ્રીન સોસાયટી સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ મંત્રી સોસાયટી ધર્મનગરમાં રહેતા કાનાભાઈ ઠાકરશીભાઈ સોળમીયા (45)એ કાર નંબર જીજે 27 કે 5232 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના માતા મધુબેન ઠાકરશીભાઈ સોળમીયા (60) ફરિયાદીના થાનમાં રહેતા મામાના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ આસ્થાગ્રીન સોસાયટી સામેથી તેઓ પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના માતાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તથા જમણા પગે પણ ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેમનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









