વાંકાનેરના સતપર ગામે કચરો નાખવા બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામી ફરિયાદ
SHARE
વાંકાનેરના સતપર ગામે કચરો નાખવા બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામી ફરિયાદ
વાંકાનેર તાલુકાના સતપર ગામમાં કચરો નાખવા બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલા બંને પક્ષના વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે વાકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા શારદાબેન રમેશભાઈ સારેસા (45)એ હાલમાં વિજયભાઈ સોમાભાઈ સારેસા, રમેશભાઈ અરજણભાઈ સારેસા અને માલુબેન સોમાભાઈ સારેસા રહે. બધા સતાપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના ઘર સામે આરોપીને કચરો નાખવાની ના પાડતા તેઓને સારું લાગ્યું ન હતું ત્યારે વિજયભાઈએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટૂનો મારમાર્યો હતો તથા ઈંટનો ઘા વાસમાં અને પથ્થર માથામાં મારીને ઇજા કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓએ ફરિયાદીની દીકરી લતાબેન અને ઉર્મિલાબેનને જેમ ફાવે તેમ બોલી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ વિજયભાઈએ ઉર્મિલાબેનને જમણા હાથની આંગળીમાં મરડી નાખીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જ્યારે સામેપક્ષેથી આ બનાવમાં વિજયભાઈ સોમાભાઈ સારેસા (32)એ શારદાબેન રમેશભાઈ સારેસા, રમેશભાઈ ગોવાભાઇ સારેસા, લતાબેન રમેશભાઈ સારેસા અને ઉર્મિલાબેન રમેશભાઈ સારેસા રહે. બધા સતાપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે આવેલ હનુમાનજીના ઓટે રોટલી મૂકી જતા હતા જે શારદાબેનને તે સારું નહીં લાગતા તેણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી તથા સાહેદ રમેશભાઈ અરજણભાઈ અને માલુબેનને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ ઉર્મિલાબેનએ પ્લાસ્ટિકના પાઇપ વડે ફરિયાદીને મારમાર્યો હતો તો રમેશભાઈએ ફરિયાદીને પગે ચાલવાની ઘોડી વડે મારમારીને ડાબા હાથની ટચલી આંગળીમાં ઇજા કરી હતી જેથી ઇજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે