મોરબીમાં દુકાનમાંથી 1.80 લાખના કોપર વાયરની ચોરીના ગુનામાં બે આરોપીની 80 હજારના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ
SHARE
મોરબીમાં દુકાનમાંથી 1.80 લાખના કોપર વાયરની ચોરીના ગુનામાં બે આરોપીની 80 હજારના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ
મોરબી નજીક આવેલ ડાયમંડ રેફ્રિજરેસન નામની દુકાન બંધ હતી ત્યારે દુકાનની પાછળના ભાગમાં આવેલ બારીના સળિયા તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તસ્કરે દુકાનની અંદર પ્રવેશ કરીને ત્યાંથી 100 કિલો શુદ્ધ કોપર વાયર તથા અન્ય નાના-મોટા કેબલ વાયરના ટુકડા આમ કુલ મળીને 1.80 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી કરી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીની 62 હજાર રૂપિયા રોકડા તેમજ 18000 ના કોપર વાયર સાથે ધરપકડ કરેલ છે અને આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર સામે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ એક આરોપીને હજુ આ ગુનામાં પકડવાનો બાકી હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
હળવદ તાલુકાના સમલી ગામે રહેતા અને એસી રીપેરીંગ તથા વેચાણનું કામ કરતા કૌશિકભાઈ ત્રિભુવનભાઈ પટેલ (42)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીથી ઘૂટું રોડ ઉપર આઈટીઆઈ કોલેજની પાછળના ભાગમાં પીપળી ગામ તરફ જવાના રસ્તા ઉપર ડાયમંડ રેફ્રિજરેશન નામની તેઓની દુકાન આવેલી છે અને તે દુકાનમાં મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા દુકાન બંધ હતી ત્યારે પાછળના ભાગે આવેલ લોખંડની બારીના સળિયા તોડી નાખીને દુકાનની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દુકાનમાં રહેલ નવા શુદ્ધ કોપરના વાયરોના ફીંડલા તથા નાના મોટા કોપર વાયર ના ટુકડા મળીને 100 કિલો જેટલા કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેની કુલ કિંમત 1.80 લાખ રૂપિયા થાય છે જેથી યુવાન દ્વારા કરવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસની ટિમ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં હકકીત મળી હતી કે આરોપીઓએ ચોરી કરેલ વાયર ત્યાં જ જાળીમાં છુપાવેલ છે જેથી તાલુકા પોલીસની ટિમ ત્યાં પહોચી હતી અને ત્યારે સ્થળ ઉપરથી રકેશભાઈ ભુપતભાઈ શકેરા (20) રહે. કુળદેવી પાન પાસે, મફતીયાપરા, મોરબી, રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા (24) રહે. આઈ.ટી.આઈ પાછળ, ઘૂટું અને એક સગીર મળી આવ્યા હતા અને તેઓની પાસેની 10 કિલો જેટલો કોપર વાયર પ્લાસ્ટીકના બાચકામાંથી મળી આવેલ હતો જેથી 18 હજારનો વાયર તેમજ વાયરનું વેચાણ કરીને મેળવેલા 62 હજાર રૂપિયા આમ કુલ મળીને 80 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ શખ્સોની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, રેફ્રીજરેશનની દુકાનમાંથી વાયરની ચોરીમાં તેઓની સાથે જય ઉર્ફે જયેશભાઈ ઉર્ફે ભાણો ચમનભાઈ કુંઢીયા રહે. આઈ.ટી.આઈ પાછળ, ઘૂટું વાળો પણ સામે હતો અને તે ચોરી કરેલ શુધ્ધ કોપર વાયરને તેની ઓટો રીક્ષામાં રાજકોટ લઈ ગયો હતો અને ત્યાં ભંગારના ડેલામાં તેનું વેચાણ કર્યું છે જેથી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી જય ઉર્ફે જયેશભાઈને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.









