મોરબી નગરપાલિકાને શહેરી વિકાસ વિભાગના અલ્ટીમેટમ પછી આજે તાબડતોબ બોર્ડ: સરકારને સરેન્ડર થશે !
SHARE
મોરબી નગરપાલિકાને શહેરી વિકાસ વિભાગના અલ્ટીમેટમ પછી આજે તાબડતોબ બોર્ડ: સરકારને સરેન્ડર થશે !
મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો ત્યારબાદ મોરબી નગરપાલિકા સામે ઘણા બધા સવાલો ઊભા થયા છે અને હાલમાં સુઓમોટો જે હાઇકોર્ટની અંદર ચાલુ છે તેમાં મોરબી નગરપાલિકાને શા માટે સુપર સીડ ન કરવી તેવો પણ પ્રશ્ન ઉભો થયો હતો ત્યારબાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને જનરલ બોર્ડનો જવાબ માંગવામાં આવ્યો હતો પરંતુ જનરલ બોર્ડમાં લૂલો બચાવ કરતા હોય તેવો જવાબ રજુ કરીને શહેરી વિકાસ વિભાગમાં આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાલિકાના સભ્યો દ્વારા તેમના વકીલ મારફતે શહેરી વિકાસ વિભાગમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો જો કે, જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે ફાઈનલ જવાબ આપવા માટે ૧૬ મી તારીખ સુધીની મુદત પાલિકાને આપવામાં આવી હતી જેથી આજે પાલિકામાં તાબડતોબ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે જેમાં ગત જનરલ બોર્ડની બેઠકમાં જે મુદ્દાને સર્વાનુમતે પહેલા જાહેરમાં નામંજૂર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ખાનગીમાં પેન્ડિંગ રાખવામાં આવ્યો છે ! તે મુદ્દાને ફરી પાછો આ જનરલ બોર્ડની અંદર લેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જેથી કરીને નવાજૂની થાય તેવી શક્યતા છે
મોરબી નગરપાલિકા હસ્તકનો જુલતો પુલ ઓરેવા ગ્રુપને સંચાલન કરવા માટે આપ્યો હતો અને તે જુલતો પુલ તૂટી પડવાના કારણે ૧૩૫ લોકોના મોત નિપજયા હતા જે બાબતે હાલમાં હાઇકોર્ટમાં સુઓમોટો અને જાહેરહિતની અરજીની સુનવણીઓ ચાલી રહી છે અને આ ગુનામાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના ૧૦ આરોપીઓને પકડીને મોરબીની સબ જેલમાં ધકેલવામાં આવ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકાને સુપર સીડ શા માટે ન કરવી તે બાબતની કારણદર્શક નોટિસ અગાઉ શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી અને જનરલ બોર્ડના ઠરાવ સાથેનો જવાબ માંગવામાં આવ્યો હતો. જો કે અગાઉ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું ત્યારે પાલિકા પાસે જરૂરી દસ્તાવેજી પુરાવા નથી જેથી કરીને તે મળશે ત્યાર પછી જવાબ આપવામાં આવશે તેઓ લુલો બચાવ થાય તે પ્રકારનો જવાબ સરકારમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ સરકારમાંથી એફએસએલના રિપોર્ટ સહિતના જરૂરી દસ્તાવેજી પુરાવાની કોપી મોરબી નગરપાલિકાને આપવામાં આવી હતી તેમ છતાં પણ નગરપાલિકા તરફથી જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે ફાઈનલ જવાબ આપવામાં આવ્યો નથી
દરમિયાન પાલિકાના કેટલાક સભ્યો દ્વારા તેના વકીલ મારફતે શહેરી વિકાસ વિભાગમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ તે જવાબને માન્ય રાખવામાં આવ્યો નથી અને શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાને ૧૬ મી તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો આગામી ૧૬ મી તારીખ સુધીમાં જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે નગરપાલિકાનો ફાઇનલ જવાબ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાને કશો જવાબ આપવો નથી તેવું માનીને પાલિકાને સુપર સીડ કરવા માટેની ગમે ત્યારે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે તેવામાં પાલિકાએ લોકોના કામ માટે નહીં પરંતુ પગ નીચે રેલો આવ્યા બાદ તાબડતોબ પાલિકામાં જનરલ બોર્ડની આજે સાડા દસ વાગ્યે બેઠેક બોલાવી છે જેમાં છેલ્લે મળેલ જનરલ બોર્ડની બેઠકમાં પહેલા સર્વાનુમતે જાહેરમાં નામંજૂર કરવામાં આવેલ અને ત્યાર પછી પેઇન્ડીંગ રાખવામાં આવેલ એજન્ડા સહિતના એજન્ડાને લેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખની છે કે છેલ્લે જ્યારે પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી ત્યારે શહેરી વિકાસ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે તે એજન્ડાને પ્રાધાન્ય આપવાની વાત કરવામાં આવી હતી તો પછી આ બોર્ડમાં કેમ બીજા એજન્ડા લેવામાં આવેલ છે ? સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલિકામાં જે બોર્ડની બેઠક મળવાની છે તેમાં જુદાજુદા બે જવાબ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને આજે મળનારી બેઠક ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે અને રાજકીય પંડિતોના કહેવા પ્રમાણે પાલિકાને સરેન્ડર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે બોર્ડમાં શું થશે તે જોવું રહ્યું.