મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના રોકડા 20 હજારની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ
SHARE









મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના રોકડા 20 હજારની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ
મોરબીની પરાબજારમાં આવેલ પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા ઉપાડીને વૃદ્ધ રિક્ષામાં બેસીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાં બેઠેલા વૃદ્ધના 20 હજાર રૂપિયાની ચોરી કરી લેવામાં આવી હતી જેની વૃદ્ધ દ્વારા રિક્ષા ચાલક અને તેમાં બેઠેલા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બે શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદમાં આવેલ વસંત પાર્કમાં રહેતા અને સેવાપૂજા કરતા મહિપતરામ ભવાનીશંકર રાવલ (79) નામના વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષાના ચાલક અને તે રિક્ષામાં બેઠેલા એક શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે, તે મોરબીની પરાબજાર પોસ્ટ ઓફિસમાં રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા અને ત્યાંથી રૂપિયા લઈને તેઓ ઘર જવા માટે ઊભા હતા તેવામાં આવેલ સીએનજી રીક્ષામાં તે બેઠા હતા અને મોરબીની પોસ્ટ ઓફિસથી મણીમંદિર સુધી રિક્ષા પહોચી ત્યાં ઉલટીનું બહાનું કરીને ફરિયાદીની નજર ચૂકવીને તેના લેંઘાના ખિસ્સામાંથી 20 હજાર રૂપિયાની ચોરી કરી લેવામાં આવી હતી
જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી સાગર ઉર્ફે બાડો મનસુખ અબાસણીયા (23) રહે. હુડકો ચોકડી રાજકોટ અને અનિલ પ્રવીણભાઈ રાઠોડ (25) રહે. ભગવતીપરા રાજકોટ વાળાને ઝડપી લીધા હતા અને તેની પૂછપરછ કરવામાં આવતા આ બંને આરોપીઓએ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
જેથી કરીને પોલીસે ચોરીમાં ગયેલા 20 હજાર તેમજ 50 હજારની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 70 હજારના મુદામાલ સાથે આરોપીઓની ધરપકડ કરેલ છે અને આરોપી સાગર અગાઉ જૂનાગઢ, રાજકોટ, ઉપલેટા અને શાપરમાં અનેક ગુન્હામા પકડાયો હોવાનું પોલીસ જણાવ્યુ છે. અને આરોપી અનિલ પણ રાજકોટના ગુનામાં પકડાયેલ છે. આ કામગીરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી.
