વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ પકડાયો, બેની શોધખોળ: 3.20 લાખનો મુદામાલ કબજે
SHARE
વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ પકડાયો, બેની શોધખોળ: 3.20 લાખનો મુદામાલ કબજે
વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસેથી આઈ-20 કાર પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 100 લિટર દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કાર અને દારૂ મળીને 3.20 લાખની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરેલ છે જોકે દારૂ મોકલાવનાર તથા મંગાવનારના નામ સામે આવ્યા હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સો સામે ગુનો નોંધી બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઢુવા ચોકડી પાસેથી આઈ-20 કાર નંબર જીજે 6 કેપી 3230 પસાર થયેલ હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી 100 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3.20 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને કાર ચાલક જયદીપ ચંદુભાઈ ચાવડા (19) રહે. હાલ સીરામીક સીટી ઈ-3 ફલેટ નંબર 602 શક્તિ ચેમ્બર પાછળ લાલપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો સમીર હનીફભાઈ મોવર રહે. જુના અંજિયાસર તાલુકો માળિયા વાળાએ મોકલાવ્યો હતો અને તોફીક આદમભાઈ લધાણી રહે. ઢુવા દ્વારકાધીશ હોટલ પાછળ વાંકાનેર વાળાએ મંગાવ્યો હતો તેવું પકડાયેલા આરોપીએ જણાવ્યું છે જેથી હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સની સામે ગુનો નોંધી બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં સનપાર્ક સિરામિક પાછળ વોકળાના કાંઠે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક શખ્સ પોતાનું એકટીવા છોડીને નાસી ગયેલ હોય પોલીસ વાહનને ચેક કર્યું હતું ત્યારે 50 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 10 હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા 40,000 ની કિંમતનું એકટીવા નંબર જીજે 36 એકે 4320 આમ કુલ મળીને 50,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એકટીવાના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં સીસમ ગ્રેનેટો એલએલપી કારખાના પાસેથી પસાર થતા એક્ટિવા નંબર જીજે 36 એકે 0164 ને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તે વાહન ઉપર જઈ રહેલા બે વ્યક્તિઓ પાસેથી 27 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 5400 ની કિંમતનો દારૂ તથા 45000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 50,400 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને આરોપી સાગર જગદીશભાઈ પંડ્યા (21) રહે. રણછોડનગર મોરબી તથા સચિન ભરતભાઈ અદગામા (19) રહે. કાલિકા પ્લોટ શેરી નં-3 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પૂછપરછ દરમ્યાન આરીફશા આલમશા અને તોફિક ગુલામભાઈ સુમરા રહે. બંને વીસીપરા મોરબી વાળાના નામ સામે આવ્યા છે જેથી આ ચારેય શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
એક બોટલ દારૂ
મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 673 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી દિલીપ બચુજી સોલંકી (28) રહે. ભીમસર વડવાળા હોટલ પાસે ભીમસર તાલુકો માળીયા મીયાણા મૂળ રહે. બનાસકાંઠા જિલ્લા વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.