હળવદના ચરાડવા નજીક કારના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપ પાસે થાંભલા સાથે અથડાઇ
વાંકાનેરના વઘાસીયા પાસે મજૂરીના બાકી રૂપિયા લેવા માટે કોન્ટ્રાકટર અને તેના માણસોએ સિરામિક કારખાનામાં કરી તોડફોડ: મશીનરીમાં 75 લાખનું નુકશાન
SHARE
વાંકાનેરના વઘાસીયા પાસે મજૂરીના બાકી રૂપિયા લેવા માટે કોન્ટ્રાકટર અને તેના માણસોએ સિરામિક કારખાનામાં કરી તોડફોડ: મશીનરીમાં 75 લાખનું નુકશાન
વાંકાનેર નજીક વઘાસીયા ગામની સીમ આવેલ કૃશો ગ્રેનેટો પ્રા. લિ. નામના સિરામિક કારખાનામાં મજૂરનો કોન્ટ્રાક્ટ રાખીને અગાઉ કામ કરતા કોન્ટ્રાકટરને રૂપિયા લેવાના બાકી હતા જેથી મજૂરી કામના રૂપિયા માટે ફોન કરતા આનંદભાઈ કૈલા નામના વ્યક્તિએ રૂપિયાના બદલામાં કારખાનેથી સામાન ભરી લેજો તેવું કહ્યું હતું જેથી પૂર્વ કોન્ટ્રાક્ટર સહિતના 10 થી વધુ શખ્સો બળજબરીપૂર્વક કારખાનામાં આવ્યા હતા અને કારખાનાની મશીનરીમાં તોડફોડ કરીને કેટલોક સામાન આઇસરમાં ભરવામાં આવ્યો હતો જો કે, ત્યારબાદ પોલીસને સ્થળ ઉપર બોલાવવામાં આવતા આઇસરમાં ભરેલ માલ સામાન ત્યાં ઉતારી દેવામાં આવ્યો હતો પરંતુ સિરામિક કારખાનામાં મશીનરીમાં તોડફોડ કરવામાં આવી હોવાથી કારખાનેદારને 75 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની હાલમાં કારખાનેદાર દ્વારા પૂર્વ કોન્ટ્રાક્ટર સહિત કુલ 12 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ સોસાયટીમાં મેઘધનુષ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 601 માં રહેતા આનંદભાઈ રમેશભાઈ વાઘડિયા (35)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, શશિ પ્રકાશભાઈ અને આનંદભાઈ કૈલા તથા 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેનું કૃશો ગ્રેનેટો પ્રા. લિ. નામના કારખાનું વઘાસિયા ગામ પાસે આવેલ છે અને તે કારખાનું તેઓના વર્કિંગ પાર્ટનર આનંદભાઈ કૈલા ચલાવતા હતા અને ત્યાં આરોપી ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, શશિ પ્રકાશભાઈ કોન્ટ્રાકટર તરીકે મજૂરોને રાખીને કામ કરતાં હતા અને તેઓને આનંદભાઈ કૈલા પાસેથી રૂપિયા લેવા ન હતા જો કે, તેને રૂપિયા આપેલ ન હતા અને કારખાનેથી માલ સમાન ભરી જાઓ તેવો જવાબ આપેલ હતો.
દરમ્યાન ફરિયાદી કામ સબબ હિંમતનગર ગયા હતા ત્યારે તેના મિત્ર કુલદીપભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે, કૃશો ગ્રેનેટો પ્રા.લિ. કારખાનામાં અગાઉ મજૂરનો કોન્ટ્રાક્ટ રાખીને કામ કરતા ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, શશિ પ્રકાશભાઈ અને તેના માણસો બાકીના રૂપિયા લેવા માટે થઈને કારખાને આવેલ છે જેથી સિક્યુરિટી ગાર્ડને પોલીસની મદદ માગવા માટે કહ્યું હતું અને કુલદીપભાઈને કારખાને આવવા માટે કહ્યું હતું ત્યારે કુલદીપભાઈ કારખાને ગયા હતા અને સ્થળ ઉપર કારખાનાના ગેટ પાસે ભીષ્મ પાંડે, પ્રકાશભાઈ ભરવાડ અને શશીભાઈ તથા તેના માણસો હાજર હતા અને આઇસર ગાડી નંબર જીજે 23 વાય 7412 માં કારખાના નો મશીનરીનો સામાન ભરેલો હતો.
જે બાબતે સિક્યુરિટી ગાર્ડને કુલદીપભાઈએ પૂછતા તેણે જણાવ્યું હતું કે, ભીષ્મ પાંડે, પ્રકાશભાઈ ભરવાડ અને શશીભાઈ સહિતના તેના માણસોએ કારખાનામાં આવીને તેઓને માર મારવાની ધમકી આપી હતી અને અમે અમારા મજૂરીના બાકી રૂપિયા આનંદભાઈ કૈલાએ આપેલ નથી જેથી અમોએ તેની સાથે ફોન ઉપર વાત કરતા તેમણે કહ્યું હતું કે કારખાનામાંથી જઈને સામાન ભરી જાઓ જેથી અમારા રૂપિયાના બદલામાં સામાન ભરવા ગાડી અને માણસો લઈને આવ્યા છીએ તમારા લાગતા વળગતાને કહી દેજો થાય તે કરી લેજો. તેવું સિક્યુરિટી ગાર્ડને કહ્યું હતું ત્યારબાદ સ્થળ ઉપરથી 112 ઉપર ફોન કરતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને કારખાનાની મશીનરીમાં તોડફોડ કરી નુકસાન કરીને સામાન ગાડીમાં ભરેલ હતો જે પાછો કારખાનામાં ઉતારી દેવામાં આવ્યો હતો.
જોકે, ફરિયાદીએ બે દિવસ પછી બહારગામથી પાછા આવીને પોતાના કારખાને જઈને જોયું ત્યારે કારખાનાના પ્રેસ વિભાગની પેનલમાં તોડફોડ, કિલનમાં કોપર વાયર અને કંટ્રોલના વાયર કાપી નાખીને નુકસાન, ગ્લેઝ ચડાવવાના ત્રણ યુનિટમાં તોડફોડ કરીને નુકશાન, સાઇઝિંગના મશીનમાં અને ગ્લેઝ લાઈનમાં પણ નુકસાની કરવામાં આવી હતી આમ કુલ મળીને 75 લાખનું નુકસાન કારખાનાના જુદા જુદા વિભાગમાં કરવામાં આવ્યું હતું આટલું નહીં પરંતુ કારખાનાના સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એજાજભાઈ અને દિવ્યેશભાઈને પણ કારખાનામાં બળજબરીપૂર્વક ઘૂસેલા શખ્સો દ્વારા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને કારખાનામાં બનેલ બનાવો કારખાનામાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેથી આ બનાવ સંદર્ભે કારખાનેદાર દ્વારા નોંધવવામાં આવેલ ફરિયાદ આધારે તેના વર્કિંગ પાર્ટનર, પૂર્વક કોન્ટ્રાક્ટર સહિતના માણસોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.