હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લીધો, પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત
SHARE
હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લીધો, પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત
હડાળા પાસે કારે 10 વર્ષના બાળકને હડફેટે લેતા પિતાની નજર સામે રોડ ક્રોસ કરતાં પુત્રનું મોત નીપજ્યું હતું. મૃતક દિવ્યેશને પિતા ભરતભાઈ પારીયા ભાગ લેવા દુકાને લઈ ગયા હતા. વસ્તુ લઈ તે પરત ઘરે જઈ રહ્યા હતો ત્યારે બનાવ બન્યો હતો. બાળકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.
મૃતકના પિતા ભરતભાઈ પ્રેમજીભાઈ પારીયા (ઉં.વ.45, રહે. પિતૃકૃપા સોસાયટી શેરી નં.2 હડાળા ગામ, તા.જી.રાજકોટ, મૂળ રહે. રોહિશાળા ગામ, તા. ટંકારા)એ જણાવ્યું કે, હું રાજકોટની ઝનાના હોસ્પિટલ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરું છું. મારી પત્નીનું નામ મનિષાબેન છે. અમારે સંતાનમાં બે દીકરા હતા. જેમાં મોટો દીકરો દિવ્યેશ (ઉ.વ.10) હતો તથા નાનો દીકરો જાવીન 7 વર્ષનો છે. અમે ત્રણેય ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહીએ છીએ.
ગઈકાલે તા.14/01 ના રોજ સાંજના પાંચેક વાગ્યેની આસપાસ હું તથા મારો દીકરો દિવ્યેશ બંને પિતૃકૃપા સોસાયટીના સામે રોડની સામેની સાઈડ આવેલ દુકાને મારા દીકરા માટે ભાગ લેવા માટે ગયેલ હતા. બાદમાં દુકાનેથી ભાગ લઈને હું દુકાન પાસે ઉભો હતો અને મારો દીકરો દિવ્યેશ રોડ ક્રોસ કરતો હતો ત્યારે રાજકોટ મોરબી હાઇવે પર રાજકોટ તરફથી આવતી એક ફોર વ્હીલ ગાડીએ મારા દીકરા દિવ્યેશને હડફેટે લીધેલ હતો.
જેથી મારો દીકરો ફંગોળાઇને રોડની વચ્ચે પડેલ હતો. ગંભીર ઇજાઓ થયેલ હતી. બેભાન થઈ જતા કોઈ 108ને ફોન કરતા મારા દીકરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. અકસ્માતનો બનાવ બન્યા બાદ ફોર વ્હિલ ગાડીનો ચાલક પોતાની કાર સ્થળ પર જ મૂકીને ભાગી ગયો હતો. કારના નંબર જીજે -10-ડીએન - 0473 હતા. કુવાડવા રોડ પોલીસે ગુનો દાખલ કરી કારચાલકની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.