અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું
SHARE
અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું
ગૌ સેવા માટે લોકો અનેકવિધ કાર્યક્રમ કરે છે જો કે, મોરબી જિલ્લાના લજાઈ ગામે છેલ્લા ઘણા વર્ષથી ગૌ સેવા માટે ગામના યુવાનો દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે જેમાં ગાયોના લાભાર્થે ગામના યુવાનો દ્વારા નવરાત્રીમાં નાટક રજૂ કરવામાં આવે છે આ નાટકમાં ગામના શિક્ષિત યુવાનોથી લઈને ઉદ્યોગપતિ સુધીના પુરુષોને જો સ્ત્રી પાત્ર આપવામાં આવે તો તેઓ ઘાઘરી પહેરીને સ્ટેજ ઉપર આવતા જરાપણ શરમ કે સંકોચ અનુભવતા નથી. અને ગૌ સેવાના કામમાં યુવાનો તન, મન અને ધનથી જોડાતા હોય છે જેથી ગામના ઉદ્યોગકારોથી લઈને આમ નાગરિક સુધીના દાતાઓ ગઇકાલે વરસી પડતાં એક જ રાતમાં ગાયો માટે 13 લાખનું ભંડોળ એકત્રિત કરવામાં આવેલ છે.
આધુનિક યુગમાં યુવાનો સહિતનાઓએ ટીવી સીરીયલ, મોબાઈલ વિગેરેની ઘેલું લાગ્યું છે ત્યારે મોરબી નજીકના લજાઈ ગામના યુવાનો દ્વારા ગાયોની સેવા માટે એક ઐતિહાસિક અને એક કોમેડી નાટકનું આયોજન કરતાં હોય છે જે જોવા માટે માત્ર ગામના લોકો જ નહિ પરંતુ આસપાસના ગામોમાંથી અને મોરબીથી પણ લોકો લજાઈ ગામે આવે છે અને ગામમાં આવેલ કામધેનુ વિસામો ગૌશાળામાં રહેતી અંધ, અપંગ, માંદી અને અશક્ત 200 જેટલી ગાયોના લાભાર્થે યોજાતા નાટકમાં ગામના જ યુવાનો દ્વારા જે અદભુત અભિનય રજુ કરવામાં આવે છે જે જોઇને દાતાઓ સહિતના ગ્રામજનો દાનની સરવણી વહાવી દેતા હોય છે તેવી જ રીતે આ વર્ષે સહુ કોઈ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપતા એક જ રાતમાં ગૌ સેવા માટે લાખો રુપિયાનું ભંડોળ એકત્રિત થઈ ગયું હતું.
દરવર્ષે લજાઈ ગામે નવરાત્રીમાં નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે ઐતિહાસિક નાટક ભક્ત પ્રહલાદ તેમજ એક કોમેડી નાટક રાખવામા આવ્યું હતું આ બંન્ને નાટકમાં ગામના શિક્ષિત યુવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિ કે અન્ય કોઈપણ પુરુષને જે પાત્ર આપવામાં આવે તે પાત્ર કોઈપણ પ્રકારના શરમ સંકોચ વગર ગામના લોકોની સમક્ષ તે ભજવે છે. ઉલેખનીય છે કે, લગભગ 60 વર્ષ પહેલાં લજાઈ ગામમાં કામધેનુ વિસામો ગૌશાળાની સ્થાપના સોહમદત બાપુ દ્વારા કરવામાં આવી હતી જેના પાછળનો મુખ્ય ઉદેશએ હતો કે, અમારી ગાયો કદી કતલખાને નહિ જાય જેને સાર્થક કરવા માટે ગ્રામજનો દ્વારા પણ પૂરો સહયોગ આપવામાં આવી રહયો છે
લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં સ્ત્રી પાત્ર એટલે કે રાણી તેમજ દાસીના પાત્ર ભજવનારા યુવાનો કહે છે કે, ગામો ગામ ગાયોની અવદશા જોવા મળે છે પરંતુ અમારા ગામમાં કોઈપણ શેરી ગલ્લીમાં ગાય રખડતી જોવા મળતી નથી કેમ કે ગામના યુવાનો સહિતના ગાયોના લાભાર્થે કરવામાં આવતા દરેક કાર્યમાં સહકાર આપે છે અને ગાય માતાના સેવા કર્યા માટે ઘાઘરી પેહારીને પાત્ર ભજવવામાં શિક્ષિત યુવાનો સહિતના કોઈ સંકોચ અનુભવતા નથી અને ભવાય નાટકની આપણી સંસ્કૃતિ જોડવાઈ રહે તે માટેના પ્રયાસોમાં પણ સિધ્ધી કે આડકતરી રીતે આ યુવાનો સહયોગ આપી રહ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, લજાઈ ગામે યોજાતું નાટક એટલુ લોકપ્રિય બન્યુ છે કે અહીં નાટક જોવા માટે આજુબાજુના ગામોમાંથી પણ લોકો આવે છે આટલું જ નહિ આ ગામની દીકરી સાસરે હોય ત્યાંથી ખાસ કરીને નવરાત્રી ઉપર યોજતા નાટકને જોવા માટે તેને ઘણા પરિવારો દ્વારા બોલાવવામાં આવતી હોય છે આમ નવરાત્રીમાં યોજાતા આ નાટકને કારણે ગામમાં મોટા તહેવાર જેવો માહોલ હોય છે
મોરબી જિલ્લામાં આજના આધુનિક યુગમાં પણ નાટ્યકલા અખંડ રહે તે માટે લજાઈ ગામના યુવાનો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાંથી જો બીજા ગામના લોકો પણ પ્રેરણા લઈને ગાયોના હિતાર્થે કામ કરે તો રઝળતી ગાય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ અને ગૌ સેવાના કામ માટે જે રીતે લજાઈ ગામે નાટકનું આયોજન કરવામાં આવે છે આવું કોઈ આયોજન કોઈપણ ગામમાં કરવામાં આવે તો દાતાઓ ત્યાં પણ ગાયોની સેવા માટે આર્થિક યોગદાન આપે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.