મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું
SHARE
મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબની આજે મોરબીમાં આવેલ ન્યુ પેલેસ ખાતેથી અંતિમયાત્રા નીકળી હતી અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને વીસીપરામાં આવેલ ધોળેશ્વર સ્મશાનની બાજુમાં આવેલ રાજવી પરિવારના સ્મશાન ખાતે પહોંચી હતી જેમાં અનેક રાજવી પરિવારના અગ્રણીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને તેઓની અંતિમક્રિયા કરવામાં આવી ત્યારે મુખાગ્નિ તેઓના ભાણેજ વિશાલબાબા દ્વારા આપવામાં આવી હતી. ઉલેખનીય છે કે, તેઓએ મોરબી ઉપર જ્યારે પણ કુદરતી કે કૃત્રિમ આપતી આવી ત્યારે પોતાના ધનકુબેરના ભંડાર ખોલીને લોકોની મદદ કરી હતી જે મોરબીવાસીઓ કયારે પણ ભૂલી શકશે નહીં.
સમગ્ર દેશ અને દુનિયામાં સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જાણીતા મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને તેઓની બોમ્બે ખાતે તેઓના નિવાસસ્થાને સારવાર ચાલી રહી હતી દરમિયાન તા.16 ના રોજ મોડી રાતે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા અને તેમનું નિધન થયું હતું ત્યારબાદ બીજા દિવસે સાંજે મોરબીના ન્યુ પેલેસ ખાતે તેઓના પાર્થિવ દેહને લઈ આવવામાં આવ્યો હતો અને રવિવારે તા.18 ના રોજ સવારે 8થી 10 વાગ્યા સુધી તેઓના અંતિમ દર્શન માટે થઈને ન્યુ પેલેસ ખાતે તેમના પાર્થિવદેહને રાખવામાં આવ્યો હતો
ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, માજી પ્રમુખ દશરથસિંહ ઝાલા લાખાભાઈ જારીયા દિલુભા જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા આ ઉપરાંત રાજકોટના મહારાજા માંધાતાસિંહ જાડેજા, લાકડીયાથી અજીતસિંહજી ભૂપેન્દ્રસિંહજી, વાઢિયાથી કૃષ્ણસિંહ જાડેજા, વિરપુરથી દેવેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતના બાજી પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ જામનગર રાજવી પરિવારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા
મોરબીના ન્યુ પેલેસ ખાતેથી સવારે 10 વાગ્યે બેન્ડવાજા સાથે રાજમાતા વિજય કુંવરબા સાહેબની અંતિમયાત્રા નીકળી હતી અને એલ.ઇ.કોલેજ, મયુર પુલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબારગઢ, ગ્રીનચોક, નગર દરવાજા, પરા બજાર થઈને વીસીપરામાં ધોળેશ્વર સ્મશાનની બાજુમાં જ્યાં રાજવી પરિવારનું સ્મશાન આવેલું છે ત્યાં તેઓની અંતિમવિધિ કરવામાં આવી હતી ત્યારે રાજમાતા વિજય કુંવરબા સાહેબના ભાણેજ વિશાલબાબા દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી ત્યાર બાદ રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાભૂતમાં વિલીન થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોરબીમાં વર્ષો પહેલા યોજાયેલ કાર્યક્રમમાં રાજમાતા વિજય કુંવરબા સાહેબ તેઓની સાથે હતા તે તસ્વીરને પોતાના એક્સ સોશ્યલ મીડિયા હેન્ડલ ઉપર અપલોડ કરીને શોકની લાગણી વ્યકત કરી હતી. અંતમાં રાજવી પરિવારે જણાવ્યું હતું કે, આગામી ગુરૂવાર ને તારીખ 22 ના રોજ સવારે 8:00 થી 10 મોરબીના ન્યુ પેલેસ ખાતે તેઓનું રાજવી પરિવાર દ્વારા બેસણું રાખવામાં આવ્યું છે.









