વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન
SHARE
વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન
નાગરિકોને હરવા-ફરવા, મનોરંજન અને સ્વસ્થ જીવનશૈલી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર રહેલું ભવ્ય ‘નેહરુ ગાર્ડન’ પૂર્ણ થવાના આરે છે. સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનથી આકાર પામી રહેલો આ પ્રોજેક્ટ વાંકાનેરની વિકાસયાત્રામાં એક નવું માઈલસ્ટોન સાબિત થવા જઈ રહ્યો છે.
મોરબી જિલ્લાનો સૌથી મોટો અને અત્યાધુનિક ગાર્ડન વાંકાનેર શહેરમાં અંદાજે ૧.૮૩ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં નિર્માણ પામી રહેલો આ મોરબી જિલ્લાનો સૌથી મોટું ગાર્ડન છે. નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટનું અંદાજે ૮૫ ટકા જેટલું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. ટૂંકા સમયગાળામાં આ નજરાણું
વાંકાનેર શહેર અને જિલ્લાની સુખાકારીમાં લોકાર્પિત કરવામાં આવશે.
તમામ વયજૂથ માટે આકર્ષણનું કેન્દ્ર
આ નેહરુ ગાર્ડનની વિશેષતા એ છે કે અહીં તમામ વયૂજૂથના નાગરિકો માટે વિશેષ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો માટે આધુનિક પ્લે એરિયા, મનમોહક મ્યુઝિકલ ફાઉન્ટેન, હરિયાળીથી સભર સુંદર ગાર્ડન, વડીલો અને યુવાનો માટે યોગા એરિયા, ફિટનેસ પ્રેમીઓ માટે જોગિંગ ટ્રેક તેમજ નાસ્તા-પાણી માટે કેન્ટીન જેવી આધુનિક સુવિધાઓ અહીં ઉપલબ્ધ થવાની છે.
સુવિધા સાથે શોભામાં અભિવૃદ્ધિ
વાંકાનેર શહેર અને સમગ્ર જિલ્લાના નાગરિકોને હવે પોતાના પરિવાર સાથે શાંતિ અને આનંદદાયક સમય વિતાવવા માટે, બાળકોને મુક્તપણે રમવા માટે, વડીલોને હળવી કસરત કરવા માટે અને યુવાનોને પોતાની ફિટનેસ જાળવવા માટે એક સુંદર અને હર્યોભર્યો જાહેર બગીચો ઉપલબ્ધ થશે. શહેરી સૌંદર્યીકરણ અને પ્રકૃતિના સંગમ સમાન આ નેહરુ ગાર્ડન વાંકાનેરની શોભામાં વધારો કરશે.