મોરબી જીલ્લામાં ખનીજ માફિયા સામેની અરજી ધ્યાને લઈને કાર્યવાહી કરવાના બદલે તંત્રએ માહિતી કરી લીક!: અરજદારને જીવનું જોખમ
SHARE









મોરબી જીલ્લામાં ખનીજ માફિયા સામેની અરજી ધ્યાને લઈને કાર્યવાહી કરવાના બદલે તંત્રએ માહિતી કરી લીક!: અરજદારને જીવનું જોખમ
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને જીલ્લામાં કરવામાં આવી રહેલ ખનીજ ચોરી બાબતે ઈમેલથી કલેક્ટરને રજૂઆત કરી હતી જો કે, કલેકટર, ભૂસ્તર શાસ્ત્રી, વાકાનેર પ્રાંત સહિતનાઓએ દ્વારા ખનીજ માફિયાની સામે કાર્યવાહી કરવાને બદલે જે યુવાને અરજી કરી હતી. તેની માહિતી મોરબી જીલ્લામાં 16 કલાકમા ભૂમાફીયાઓ સુધી અરજદાર સુધી માહિતી પહોચાડી દીધી હતી જેથી કરીને સરકારની વિરુદ્ધ કામગીરી કરીને ગુપ્તતા નિયમ ભંગ કરનાર સામે પગલાં લેવામાં આવે તે જરૂરી છે અને હાલમાં અરજદાર અને તેના પરિવાર ઉપર જીવનું જોખમ ઊભું થયેલ છે જેથી કરીને હાલમાં અરજદારે કલેકટર, વાકાનરે પ્રાંત અને જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના અગ્રસચિવને રજૂઆત કરેલ છે.
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભારતીય થલ સેનાના હેડ ક્લાર્ક પ્રવીણસિંહ બહાદુરસિંહ ઝાલાએ હાલમાં રાજ્યના અગ્રસચિવને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા ખનીજ માફિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અને ગત બુધવારે મોડી રાત્રે મોરબી જિલ્લાના મોટા ખનીજ માફિયાની માહિતી મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ઈમેલ મારફતે આપેલ હતી. આ માહિતીને ધ્યાને લઈને કાર્યવાહી કરવાને બદલે બેજવાબદાર અધિકારીઓએ દ્વારા અરજદારે કરેલ અરજીની માહિતી કલેકટર કચેરીમાંથી લીક કરીને નાખવામાં આવી હતી અને મોટા ખનીજ માફિયા વિરૂદ્ધ અરજી કરી હતી જેથી ગુપ્ત માહિતી આપેલ હતી જો કે, સરકારી વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓએ આ માહિતી ખનીજ માફિયા સુધી પહોચાડી દીધી હતી જેથી કરીને હાલમાં અરજદાર અને તેના પરિવાર ઉપર જીવનું જોખમ ઉભું થયેલ છે.
જેથી માહિતીની ગુપ્તતા નિયમનો ભંગ કરનારા ત્રણેય અધિકારીની બદલીની માંગ કરી છે અને આ અંગેની તટસ્થ તપાસ કરીને સ્ટેટ વિજિલન્સના કર્મ નિષ્ટ અધિકારી નિર્લિપ્ત રાયને તપાસ સોપવામાં આવે તેવી માંગ કરી છે. આટલું જ નહીં સરકારી કચેરીમાંથી માહિતી લીક કરવામાં આવેલ છે જેથી કરીને તમામ અધિકારીઓનાં મોબાઇલને જપ્ત કરવામાં આવે અને ટેકનિકલ મધ્યમથી પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને મોરબી જિલ્લામાં રાજકોટના સાગઠીયા જેવા જ ભ્રષ્ટ અધિકારીઓની તપાસ જો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ હાઈકોર્ટમા જવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ જે ભૂમાફીયાની માહિતી આપવામાં આવી હતી તેની સામે પણ ભવિષ્યમાં એસીબી તેમજ ઇન્કમટેક્સમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે. અને હાલના અરજદાર જ તેમાં ફરિયાદી બનશે. તેમ છતાં પણ જો ન્યાય નહીં મળે તો ડિફેસ મિનિસ્ટર, સેનાની ત્રણેય પાંખના વડા અને રાષ્ટ્રપતિ પાસે ન્યાયની માંગણી કરીશ અને ત્યાં પણ ન્યાય નહિ મળે તો અરજદારને સેનાની સેવામાં મળેલા મેડલ અને એવોર્ડ રાષ્ટ્રપતિના શરણે મૂકીને ભારતીય થલ સેનામાંથી રાજીનામુ આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
