કોલસા કૌભાંડ: નવલખી બંદરેથી ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવી આપનારા બે કર્મચારી સહિત ત્રણની ધરપકડ
SHARE









કોલસા કૌભાંડ: નવલખી બંદરેથી ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવી આપનારા બે કર્મચારી સહિત ત્રણની ધરપકડ
નવલખી બંદર ઉપર આવતા કોલસાના જથ્થામાંથી અંદાજે ૪ લાખની કિંમતના કોલસાને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ટ્રકમાં ભરીને લઈ જવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો જેનીશ્રીજી શિપિંગ કંપનીના સ્ટાફને જાણ થતાની સાથે જ સાઇટ ઉપર સ્ટાફ આવ્યો હતો. ત્યારે જુદા જુદા બે ટ્રકમાં ભરેલ કોલસો ત્યાં જ છોડીને તેના ડ્રાઈવરો ભાગી ગયા હતા. જેથી ટ્રકના ડ્રાઈવરો, ટ્રકોના માલિકો અને શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવી આપનાર સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે પોલીસે પહેલા બે આરોપીને પકડ્યા હતા અને હાલમાં ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવી આપનાર સહિત કુલ મળીને ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે.
નવલખી પોર્ટ ઉપર શ્રીજી શિપિંગ કંપનીની બનાવટી લોડીંગ સ્લીપના આધારે એન્ટ્રી પાસ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને બે ટ્રકમાં કુલ મળીને ૮૦ મેટ્રિક ટન કોલસો જેની કિંમત ૪ લાખ થાય છે તે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. જો કે, તેની જાણ સ્ટાફને થઈ જતાં સ્ટાફ સાઇટ ઉપર આવે ત્યાં ટ્રકના ચાલકો તેના વાહન છોડીને નાશી ગયા હતા. જે બનાવમાં મૂળ જામખંભાળિયાના રહેવાસી અને હાલમાં મોરબીના નવા બસ સ્ટેશન પાસે અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા ઉદયભાઇ દામોદરભાઈ લાલ(૫૦) એ ટ્રક નં જીજે ૩૬ વી ૩૮૩૮૮ ના ડ્રાઈવર તેમજ માલિક તથા ટ્રક નંબર જીજે ૩૬ ટી ૬૭૦૦ ના ડ્રાઈવર તથા માલિક તેમજ શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવનાર અને તપાસમાં ખુલે તે તમામ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી
જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં પોલીસે પહેલા ટ્રકના ડ્રાઈવર કેતન ગુણવંતભાઈ વ્યાસ અને સુરેશભાઇ રામજીભાઇ સરવૈયાની ધરપકડ કરી હતી જે આરોપી રિમાન્ડ ઉપર છે તેવામાં હાલમાં પોલીસે મેહુલગીરી હરેશગીરી ગોસ્વામી (22) રહે. મોટા દહીસરા માળીયા, સોહેબ ઉર્ફે દિલાવર અબ્બાસ સોઢા (20) રહે. રણછોડનગર મોરબી અને શિવમ શશિભૂષણ મિશ્રા (20) રહે. પીપળીયા ચોકડી પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં તપાસનીસ અધિકારી કે.આર. કેસરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મેહુલગીરી ગોસ્વામી અને સોહેબ ઉર્ફે દિલાવર સોઢા બંને શ્રીજી કંપનીના જ માણસો છે અને તેને જ ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ અને ગેઇટ પાસ બનાવીને આપેલ હતા જેથી તેની ધરપકડ કરી છે અને આ આરોપીના રિમાન્ડ લેવા ચક્રોગતિમાન કરેલ છે.
