ભારે વરસાદ-મચ્છુના પાણીથી માળિયા (મિ)ના મીઠા ઉદ્યોગોને કરોડોનું નુકશાન: વળતર ચુકવવા કોંગ્રેસની સીએમને રજૂઆત
SHARE









ભારે વરસાદ-મચ્છુના પાણીથી માળિયા (મિ)ના મીઠા ઉદ્યોગોને કરોડોનું નુકશાન: વળતર ચુકવવા કોંગ્રેસની સીએમને રજૂઆત
મોરબી જીલ્લામાં ભારે વરસાદ અને મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવાથી પુર આવવાના કારણે માળીયા (મિ) ના મીઠા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે. આ ઉદ્યોગ ઉપર નભતા હજારો પરીવારો બેઘર અને બેકાર બની ગયા છે. અને વરસાદ તેમજ મચ્છુના પાણીના લીધે 500 નાના અને 100 મધ્યમ એકમોને કલ્પના બહારનું નુકશાન થયેલ છે. તૈયાર માલ 25 ટકાથી વધુ ઓગળી ગયો છે. જેથી નુકશાનનો તાગ મેળવવામાં મહીનાઓ લાગશે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ સીએમને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, સમગ્ર સૌરાષ્ટ્રને એકધારા ત્રણ દિવસથી વરસાદ હતો ત્યારે મોરબી જીલ્લામાં ભારે નુકશાની થયેલ છે. ભારે વરસાદ અને મચ્છુના પાણીના લીધે માળીયા (મિ) તાલુકામાં આવેલ મીઠા ઉદ્યોગને કલ્પના બહારનું નુકશાન થયેલ છે. જેમાં 500 નાના એકમો અને 100 મધ્યમ એકમોમાં તૈયાર મીઠા ઉપરાંત સાગર પાળા તોડી વરસાદી પાણી સોલ્ટ પ્લાન્ટમાં આવી ગયું હતું જેથી કરીને કરોડોનું નુકશાન થયેલ છે.
આ ઉપરાંત હળવદ તાલુકામાં પણ નાના-મોટા અનેક મીઠાના અગર આવેલ છે. જે તમામને ભારે વરસાદના કારણે હદબહારનું નુકશાન થયું હોવાનું સામે આવેલ છે. ખાસ કરીને મચ્છુ-૨ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા મચ્છુના પાણી માળીયા (મિ) પંથકમાં ફરીવળતા મીઠા ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે. માળીયા સોલ્ટ ઈન્ડ. ના મીઠા ઉત્પાદકો પાસેથી સામે આવેલ માહિતી મુજબ અગાઉ આવેલ સુનામી અને તોકતે વાવાઝોડા કરતા પણ ભારે વરસાદ અને મચ્છુ ડેમના પાણીના લીધે આ વર્ષે નુકશાની છે.
મીઠાના કયારામાં કાદવ, કિચડ ભરાય ગયા છે. તેમજ મીઠાની બેડ પણ ધોવાઈ ગઈ છે. હજુ પણ વરસાદ આમને આમ રહેશે તો નુકશાનની કલ્પના કરવી મુશ્કેલ છે. તેમજ મીઠાનું ઉત્પાદન મોડુ થવાની શકયતા છે. દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન માળીયા (મિ) અને કચ્છ જીલ્લામાં થાય છે. ત્યારે વરસાદ પુરની સ્થિતિમાં મીઠાનો કાચો માલ તેમજ તૈયાર માલ ધોવાઈ ગયો છે. તેથી મીઠા ઉદ્યોગને પુન: સ્થાપિત થતાં હજુ ખાસો સમય લાગે તેમ હોય, તેવી સ્થિતિમાં સરકાર આ બાબતે વહેલી તકે નુકશાનીનો સર્વે કરાવી મીઠા ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગે તે પહેલા આ ઉદ્યોગને ઉગારી તે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે સીએમ સમક્ષ કરેલ છે.
