મોરબી-માળીયાના ધારાસભ્યના નિવાસ સ્થાને કાલે ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન
મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખભાઈ પટેલની કરાઇ મોદક તુલા: 451 દાતાઓના સન્માન સાથે ઉમા સંસ્કારધામનું લોકાર્પણ
SHARE
મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખભાઈ પટેલની કરાઇ મોદક તુલા: 451 દાતાઓના સન્માન સાથે ઉમા સંસ્કારધામનું લોકાર્પણ
મોરબીના લજાઈ ગામ પાસે ઉમા સંસ્કારધામ નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ઉમિયા માતાજીનું મંદિર તથા લગ્ન માટેની તમામ વ્યવસ્થાઓને ઉપલબ્ધ કરવામાં આવી છે અને પાટીદાર પરિવારના દીકરા -દીકરીઓના લગ્ન ત્યાં નજીવામાં ખર્ચમાં થઈ શકે તે પ્રકારની આખી વ્યવસ્થા દાતાઓના સહકારથી ઉભી કરવામાં આવી છે જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ત્યારે 451 દાતાઓના સન્માન સાથે વિશેષ સન્માન જયસુખભાઈ પટેલનું કરવામાં આવ્યું હતું જેમાં તેની મોદક તુલા કરવામાં આવી હતી અને તે મોદકનો પ્રસાદ પાટીદાર સમાજના દરેક ઘર સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ગોઠવવામાં આવી છે.
વર્તમાન સમયમાં મોંઘવારીના કારણે લગ્નના ખર્ચ દિવસને દિવસે વધી રહ્યા છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મોરબી માળિયા વિસ્તારની અંદર સમૂહ લગ્ન કરાવવામાં આવે છે તે ઉપરાંત છેલ્લા બે વર્ષથી ઘડિયા લગ્નની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે જોકે સમૂહ લગ્ન અને ઘડિયા લગ્નની બદલે પાટીદાર સમાજના નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને પણ ધામધૂમથી તેના દીકરા અને દીકરાઓના લગ્ન થાય તે માટે પાટીદાર સમાજના દાતાઓના સહકારથી લજાઈ ગામ પાસે ઉમા સંસ્કારધામ નું નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં ઉમિયા માતાજીનું મંદિર તથા વર તથા કન્યા એમ બંને પક્ષોના 100 - 100 વ્યક્તિઓને ત્યાં બોલાવીને ધામધૂમથી લગ્ન કરાવી આપવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે અને આટલું જ નહીં પરંતુ ત્યાં જે દીકરીના લગ્ન કરાવવામાં આવશે તે દીકરી ને પાટીદાર સમાજના દાતાઓના સહકારથી 65,000 નો કરિયાવર પણ આપવા માટેનું અત્યારથી જ આયોજન કરવામાં આવ્યું છે
આજે આ સમગ્ર વ્યવસ્થાનું લોકાર્પણ કરવાનું હતું ત્યારે પાટીદાર સમાજના અગ્રણીઓ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં પાટીદાર સમાજના કોઈપણ કાર્યની અંદર ખુલ્લા હાથે દાન આપતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ભામાશા તરીકે જાણીતા સ્વર્ગસ્થ ઓ.આર. પટેલનું વિશેષ સન્માન મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા કરવાનું હોય તેઓ હયાત ન હોય તેમના મોટા દીકરા પ્રવીણભાઈ ઓધવજીભાઈ પટેલનું સન્માન કરવાનું હતું પરંતુ તેઓની નાદુરસ્ત તબિયતના કારણે તે કાર્યક્રમમાં હાજર ન હોવાથી આ તકે જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલની મોદક તુલના કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને હાલમાં જે 75 કિલો મોદકથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલેખનીય છે કે, જયસુખભાઇ પટેલનો 75 કિલો વજન હોય તેટલો મોટો મોદક બનાવ્યો હતો અને હવે તે મોદકને 75 મણ મોદકની અંદર મિક્સ કરીને પાટીદાર સમાજના જે મોરબી તથા આસપાસના વિસ્તારમાં 60,000 જેટલા પરિવારો રહે છે તે દરેક ઘર સુધી આ મોદકનો પ્રસાદ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેવુ સંસ્થાના પ્રમુખ બેચરભાઇ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઇ ફેફરે અને એ.કે.પટેલે માહિતી આપતા જણાવ્યુ હતુ. અને હાલમાં ઓછા ખર્ચે ધામધૂમથી પાટીદાર સમાજની દીકરી અને દીકરાના લગ્ન થઈ શકે તેવી જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેનો પાટીદાર સમાજના લોકો વધુમાં વધુ લાભ લે તેવી લાગણી સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા દાતાઓએ વ્યક્ત કરી હતી.
સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની આ તમામ સેવાપ્રવૃત્તિઓ માટે ધનરાશી અર્પણ કરતાં 451 જેટલા દાતાઓનું ઉમા સંસ્કાર ધામનો ખેસ પહેરાવી સ્મૃતિ ચિહ્નન અર્પણ કરીને મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉમિયા ધામ ઊંઝાના પ્રમુખ બાબુભાઈ જે.પટેલના અધ્યક્ષ સ્થાન હતું. તે ઉપરાંત મહા મંડલેશ્વર 1008 શિવરામદાસજી, ભાણદેવજી મહારાજ, દામજી ભગત તેમજ સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માજી ધારાસભ્ય લાલતિભાઈ કગથરા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા, કિરીટભાઇ પટેલ અને વિનોદભાઇ ભાડજા તેમજ માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા અને નિલેષભાઈ જેતપરિયા સહિતના ઉદ્યોગકારો તેઓના પરિવાર સાથે હાજર રહ્યા હતા અને આસપાસના ગામોમાંથી લોકો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા.