વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો
SHARE






વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે બાઈકને લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ એક જ પરિવારના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જે પૈકીનાં છ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું જેથી કરીને રોષે ભરાયેલ લોકોએ ગઇકાલે જામસર ચોકડી પાસે ચક્કાજામ કર્યો હતો ત્યાર બાદ આ બનાવમાં મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના નાગલપર ગામે રહેતા કુંવરજીભાઈ જીલાભાઇ રાતોજા (31) સોમવારે સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના પત્ની જાનાબેન (30), દીકરી અર્ચના (13) અને દીકરા સુરેશ (6) ને બાઈક ઉપર બેસાડીને માટેલથી જામસર ચોકડી બાજુ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખોડિયાર માતાના મંદિર પાસે રોડ ઉપર કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવવામાં કુંવરજીભાઈ તથા તેના પત્ની અને બંને સંતાનોને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન સુરેશ કુંવરજીભાઈ રાતોજા (6) નામના બાળકનું મોત નીપજ્યું હતું અને આ બનાવમાં ઇજા પામેલ જાનાબેન રાજકોટ અને અર્ચના અમદાવાદ ખાતે ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હાલમાં આ બનાવ સંદર્ભે પોલીસે મૃતક બાળકના પિતા કુંવરજીભાઇ જીલાભાઇ રાતોજાની ફરિયાદ લઈને અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વધુમાં મળી રહેલ મ્હિતી મુજબ કુંવરજીભાઇ જીલાભાઇ રાતોજા ઢુવા પાસે આવેલ એસબીઆઇ બેન્કે તેમના સંતાનોને મળતી શિષ્યવૃતિના કામ માટે ગયા હતા અને ત્યાંથી કામ પૂરું કરીને તેઓ બાઇક ઉપર તેના પરિવાર સાથે ઘરે જતાં હતા ત્યારે રસ્તામાં આ જીવલેણ અકસ્માતનો બનાવ બનેલ હતો. અત્રે ઉલેખનીય છે કે, અકસ્માતના આ જીવલેણ બનાવના લીધે ગઇકાલે વાંકાનેરની જામસર ચોકડી પાસેથી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર માતેલા સાંઢની જેમ ડમ્પર ચાલકો તેના વાહનો લઈને નીકળે છે તેના વિરોધમાં આગેવાનોને સાથે રાખીને રોષે ભરાયેલા લોકો દ્વારા જામસર ચોકડીએ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને ડમ્પર સહિતના ભારે વાહનનો ત્યાંથી નીકળતા હતા તેને રોકી દેવામાં આવ્યા હતા. જેથી કરીને વાંકાનેર પોલીસ ત્યાં દોડી ગયેલ હતી અને ત્યાર બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

