મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ
SHARE








મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ
મોરબીમાં વજેપર ગામ સર્વે નંબર ૬૦૨ વાળી જમીનમાં કૌભાંડ કરવામાં આવ્યું હતુ અને ખોટા મરણના દાખલા, ખોટો વારસાઈ આંબો, ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને જમીન પચાવી પાડવા માટેનો માસ્ટર પ્લાન બનાવેલ હતો જો કે, જમીનના મૂળ મલીકને તેની સમયસર જાણ થઈ ગયેલ હતી જેથી વૃદ્ધની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી રદ કરવા માટે કલેકટરમાં અપીલ કરેલ હતી જેમાં ખોટા આધાર પુરાવા ઊભા કરીને જમીનની લે વેંચ કરનારા દેખાતા ન હતા જેથી કલેકટર દ્વારા જમીનના મૂળ માલિકના આધાર પુરાવાઓને ધ્યાને લઇને પ્રાંત અધિકારી દ્વારા મંજુર કરવામાં આવેલ વારસાઇ એન્ટ્રી રદ કરવામાં આવેલ છે જેથી આ કૌભાંડમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા શખ્સોના પગ નીચેથી હાલમાં જમીન સરકી ગયેલ છે.
મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમએ શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સામે માર્ચ મહિનાની તા. ૧૫ ના રોજ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જમીન કૌભાંડની ફરિયાદ નોંધાવેલ હતી જેની તપાસ હાલમાં મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા કરી રહ્યા છે અને આરોપીઓ વિરૂધ્ધના મજબુત પુરાવાઓ એકત્રીત કરવાની દિશામાં તપાસ ચાલી રહી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. તેવામાં મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા શખ્સોના પગ નીચેથી જમીન સરકી જાય તેવા સમાચાર હાલમાં કલેકટર કચેરીમાંથી સામે આવ્યા છે જેથી અત્યાર સુધી આ કૌભાંડમાં ભીનું સંકેલવા અને કૌભાંડીઓને છાવરવા માટે જે લોકો દોડધામ કરતા હતા તે પણ હવે પોતાના હાથ આ જમીન કૌભાંડમાંથી ખંખેરવા લાગ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, કોર્ટમાં આરોપી સાગર ફૂલતરિયાએ અગાઉ આગોતરા જમીન માટેની જે અરજી કરવામાં આવી હતી તેમાં સરકારી વકીલે તેની દલીલમાં કહ્યું હતું કે, “વ્હાઇટ કોલર ક્રાઇમ કરેલ છે” જેથી આ કૌભાંડમાં આગામી દિવસોમાં ઘણી ચોકાવનારી માહિતી સામે આવશે તેમા શંકાને કોઇ સ્થાન નથી જો કે, આ જમીન કૌભાંડમાં જિલ્લાના મોટા નેતાની તેમજ અધિકારી અને કર્મચારીઓની પહેલાથી જ શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચા ચાલી રહી છે અને યેનકેન પ્રકારે આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ ન થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ જમીનના મૂળ માલિક સાચા છે અને તેઓની વડીલોપાર્જિત જમીનને બારોબાર વેંચી નાખવા માટે જે કૌભાંડ કરવામાં આવ્યું છે જેથી તેમાં સંડોવાયેલા આરોપીઓને હવે બચવુ મુશકેલ થઇ ગયુ છે. કેમ કે, કલેકટર દ્વારા આ કૌંભાંડમાં સંડોવાયેલા સહુ કોઇને આંચકો લાગે તેવો હુકમ કરવામાં આવ્યો છે
અત્રે ઉલેખનીય છે કે, અગાઉ જીલ્લાના ત્રણ ધારાસભ્યોની હાજરીમાં કલેક્ટરને ન્યાય માટે ભોગ બનેલ સતવારા પરિવારના લોકો રજૂઆત કરેલ હતી અને ત્યાર બાદ કલેક્ટરની ખાતરી પછી ભોગ બનેલ ફરિયાદી વૃદ્ધે પોતાનું ૧૭ શખસોના નામ સાથેનું વિશેષ નિવેદન પોલીસને આપેલ છે. તેવા સમયે ભોગ બનેલા પરિવારને ન્યાય ન મળે અને કૌભાંડીઓને સમર્થન મળે તેના માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા આટલુ જ નહી શામ, દામ દંડ ભેદની પણ નિતી અપનાવવામાં આવી હતી તથા એક મોટા નેતાએ ધારાસભ્યને આ કેસમાંથી હટી જવા માટે આડકતરી રીતે કહ્યુ હતુ. જો કે, ભોગ બનેલા વૃધ્ધ દ્વારા કલેક્ટરમાં કરવામાં આવેલ અપીલ કેસમાં બોગસ આધાર પુરાવા આધારે વારસદાર બનેલ મહિલા કે પછી મહિલા પાસેથી જમીન લેનાર બેમાંથી એક પણ અપીલની મુદતમાં ક્યારેય હાજર રહેતા ન હતા જેથી કલેક્ટર દ્વારા અગાઉ પ્રાંત અધિકારી સુશીલ પરમારએ મહિલા શાંતાબેનને વારસદાર બનાવવા માટે થઈને જે હુકમ કર્યો હતો તે હુકમને કલેકટર કે.બી. ઝવેરી દ્વારા રદ કરવામાં આવેલ છે એટલે કે વૃદ્ધની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે કૌભાંડ થયું હતું તે વાતને કલેકટરના આ હુકમથી સમર્થન મળ્યું છે. જેથી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે આગામી દિવસોમાં ગાળીયો વધુ મજબૂત બને તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે.

