માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત
મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
SHARE
મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
મોરબી મહાપાલિકા અને રોટરી ક્લબ દ્વારા શેરી રમતોને જીવંત રાખવાના હેતુથી આજે “ફન સ્ટ્રીટ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના આવ્યા હતા અને આજના મોબાઈલ યુગમાં વિસરાતી જતી શેરી રમતો રમીને ખૂબ મજા કરી હતી ત્યારે કમિશનર સહિતના અધિકારીઓએ પણ બાળકની સાથે બાળક બનીને જુદીજુદી શેરી રમતો રમવાની મજા માણી હતી.
સોશ્યલ મીડિયાના સતત વધતાં આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા આજે રવિવારે મોરબીના કેસર બાગ પાસે આવેલ એલ.ઇ.કોલેજ રોડ ઉપર ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ અને બાળકોથી લઈને સિનિયર સીટીઝન સુધીના લોકો આવ્યા હતા અને મોબાઈલ તેમજ ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે ત્યારે બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે તેને મોબાઇલથી બહાર કાઢીને મેદાનમાં લઈ જવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડા ફેરવવા જેવી રમતો રમીને ધમાલ મસ્તી કરતાં હતા તે હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી હતી. ત્યારે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ તેમજ સિનિયર સીટીઝન સહિતના હાજર રહેલ લોકો અને બાળકોએ જુદીજુદી રમત રમીને ખૂબ મજા કરી હતી. આ તકે કમિશનર સ્વપ્નિલ ખરે લીંબુ ચમચીની રમતમાં બાળકો સહિતનાઓની સાથે રમ્યા હતા. અને વધુમાં કમિશનરે જણાવ્યુ હતું કે, ફન સ્ટ્રીટ હવે તેઓની કાયમી ઇવેંટ છે અને દર મહિનાના છેલ્લા રવિવારે મોરબીના કોઈપણ એક વિસ્તારમાં તેનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાપલિકાના અધિકારીઓએ તેમજ રોટરી ક્લબના પ્રેસિડન્ટ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.