મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા માટીના કોડિયાઓના પેકેટનું કરાયું વિતરણ
મોરબીના ૭૫ વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધ અરજદારે કલેક્ટર પાસે ન્યાય નહિ તો ઈચ્છામૃત્યુ માટે કરી અરજી !
SHARE
મોરબીના ૭૫ વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધ અરજદારે કલેક્ટર પાસે ન્યાય નહિ તો ઈચ્છામૃત્યુ માટે કરી અરજી !
મોરબી તાલુકાનાં પીપળી ગામે સ્ટોન ક્રશરના હેતુ માટે આપવામાં આવેલ જમીનની આગળના ભાગમાં વર્ષ ૧૯૮૬માં નવું ગામતળ મંજૂર કરવામાં આવેલ છે ત્યારથી વિવાદ ચાલી રહ્યો છે જો કે, તંત્ર દ્વારા વૃદ્ધ અરજદારની અરજીને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય કરવામાં આવતો નથી જેથી હાલમાં વૃદ્ધે અરજી કરીને કલેક્ટર પાસે ન્યાય આપવામાં આવે અથવા તો સહ પરિવાર ઈચ્છામૃત્યુ માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબીના રોહીદાસપરામાં રહેતા અરજદાર રવજીભાઈ મેઘજીભાઈ ચૌહાણના પિતાના નામે મોરબી તાલુકાનાં પીપળી ગામે સર્વે નંબર ૩૦૪/૧ પૈકીની જમીન રાજકોટના કલેકટરના હુકમથી તા.૨૬/૦૬/૧૯૬૮ થી છે અને સ્ટોન ક્રશરના હેતુ માટે કબજા કિંમત વસૂલ કરી જમીન ફાળવેલ છે જે જમીન ઉપર પોતાનું તથા પોતાના પરિવારનું છેલ્લા ૫૮ વર્ષથી ગુજરાન ચલાવે છે. અને મોરબીના નાયબ કલેક્ટરના તા.૧૬/૦૬/૧૯૮૬ ના હુકમથી ટીંબડી ગામના સર્વે નંબર ૯૪/૨ ની જમીનમાં નવું ગામતળ મંજૂર કરવામાં આવેલ છે જે ગામતળ જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી, પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટર તથા ટીંબડી ગામના પૂર્વ સરપંચ દ્વારા અરજદારને કલેક્ટર રાજકોટ તરફથી ફાળવેલ જમીનના આગળના ભાગમાં તેમજ પીપળી ગામના સર્વે નંબર ૩૦૪/૧ પૈકીની આજુબાજુની ખરાબાની જમીનમાં જાણી જોઈને ગેરકાયદેસર ગામતળ બેસાડેલ છે.
જેના લીધે અરજદારને છેલ્લા ૩૫ વર્ષથી વધુ સમયથી હેરાનગતિ ઉભી થયેલ છે. અને સવાલવાળી જમીનની ચાર વખત સરકારી માપણી સીટ પણ થઈ ગયેલ છે. અને સરકારી માપણીમાં ટીંબડી ગામનું નવું ગામતળ ગેરકાયદેસર બેસેલ હોવાનું સ્પષ્ટ થઈ ગયેલ છે જેથી અરજદારે તંત્રને આ વિવાદિત ગામતળનો નિકાલ કરવા અઢળક અરજીઓ કરી છે તો પણ તંત્ર દ્વારા અરજદારને આજ દિવસ સુધી હકારાત્મક નિર્ણય કરવામાં આવેલ નથી. અને અરજદારની રજૂઆત છે કે ટીંબડી ગામનું નવું ગામતળ તેની મૂળ જગ્યાએ ખસેડવા અન્યથા ગામતળ પૈકીના હરરાજી વાળા વિવાદિત પ્લોટને શિફ્ટિંગ કરવાની રજૂઆત કરેલ છે.
આ બાબતે હાલમાં જ મોરબી નાયબ કલેકટર દ્વારા પીપળી-ટીંબડી ગામના વિવાદ બાબતે એક વિવાદિત હુકમ કર્યો છે જે હુકમમાં હરરાજી વાળા વિવાદિત પ્લોટને શિફ્ટિંગ કરવા કે કેમ? તે બાબતે પંચાયત પાસે અહેવાલ મંગાવેલ છે આવા વિવાદિત નિર્ણયથી અરજદારને ન્યાય મળવાની આશા ન હોય, જેથી તા.૩૦/૧૦/૨૬ ના રોજ કલેકટરમ ડીડીઓ, પ્રાંત અધિકારી અને ટીડીઓને લેખિતમાં રજૂઆત કરીને વૃદ્ધે ન્યાય આપવામાં આવે અથવા તો સહ પરિવાર ઈચ્છામૃત્યુ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે.