દિવાળી પહેલા હોળી: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો આજથી પ્રતિ કિલોનો ભાવ 104 રૂપિયા
SHARE
દિવાળી પહેલા હોળી: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો આજથી પ્રતિ કિલોનો ભાવ 104 રૂપિયા
મોરબીના સીરામીક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં 10 રૂપિયા જેટલો વધારો થયો હતો ત્યારબાદ આજે વધુ 3 રૂપિયાનો પ્રોપેન ગેસના પ્રતિ કિલોના ભાવો વધારો કરવામાં આવ્યો છે જેથી પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો ભાવ આજની તારીખે 104 રૂપિયા થઈ ગયો છે અને હજુ આગામી એક અઠવાડિયામાં તોતિંગ ભાવ વધારો આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે દિવાળી પહેલા જ ગેસના ભાવની હોળી થઈ ગઈ હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે
મોરબીના સિરામિક ઉદ્યોગમાં હાલમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસની ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટ બનાવવામાં આવે છે અને માલની પડતર કિંમત નીચી લાવવા માટે થઈને ઉદ્યોગકારો મોટા પ્રમાણમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે જો કે, પ્રોપેન ગેસના ભાવમાં દિવસેને દિવસે વધારો કરવામાં આવે છે જેથી ઉદ્યોગકારોની મુશ્કેલી સતત વધી રહી છે. ઉલેખનીય છે કે, પ્રોપેન ગેસના ભાવમાં છેલ્લા આઠ દિવસમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો જેથી પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો ભાવ 100.95 થઈ ગયો હતો અને તેમાં વધુ એક વખત આજથી પ્રતિ કિલો ગેસના ભાવમાં 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લે એક અઠવાડિયામાં પ્રેપેન ગેસના ભાવમાં પહેલા 7 અને પછી 3 આમ કુલ મળીને 10 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એટલા જ માટે પ્રોપેન ગેસની ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો હતો. આ ભાવ વધારાની સામે સિરામિક ઉદ્યોગકારોને બજારમાંથી તૈયાર માલ ઉપર ભાવ વધારો મળતો નથી ત્યાં વધુ એક વખત પ્રોપેન ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને તા. 1/10/2026 થી પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો ભાવ જે છે તેમાં વધુ 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવતા આજની તારીખે પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો ભાવ 104 રૂપિયા થઈ ગયો છે
વિશ્વકક્ષાના મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં દિવસેને દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે તે જોતાં આ ઉદ્યોગને કેવી રીતે ટકાવો તે પ્રશ્ન ઉદ્યોગકારો સામે ઊભો થયો છે કેમ કે, એક બાજુ બજારમાં મંદી અને મોંઘવારીની અસર જોવા મળે છે જેથી માલની ડિમાન્ડ દિવસેને દિવસે ઘટતી જાય છે અને બીજી બાજુ પ્રોપેન ગેસ સહિતના તમામ રો-મટીરીયલના ભાવમાં વધારા થાય છે જેના કારણે સીરામીક પ્રોડક્ટની પડતર કિંમત ઊંચી જાય છે આમ ઉદ્યોગકારોને પોતાના કારખાના બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી ઉલેખનીય છે કે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યાર પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને લગભગ 57 થી 58 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી પ્રોપેન ગેસ મળતો હતો પરંતુ છેલ્લા મહિનાઓની અંદર સતત ગેસના ભાવમાં વધારો થયો છે જેથી આજની તારીખે પ્રોપેન ગેસ પ્રતિ કિલો 104 રૂપિયાના ભાવથી મળે છે અને હજુ પણ પ્રોપેન ગેસના ભાવમાં તોતિંગ વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે
વધુમાં સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે નેચરલ ગેસના ભાવમાં ગત મહિનામાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું જેથી 77 રૂપિયાના ભાવથી ગેસ મળતો હતો જોકે, ચાલુ મહિને ડિસ્કાઉન્ટ હટાવી દેવામાં આવતા હવે નેચરલ ગેસ પણ 82 રૂપિયા પ્રતિ કયુબીક મીટરના ભાવથી મળે છે અને આ ભાવ પણ ઓક્ટોબર મહિનામાં જે લોકોએ નેચરલ ગેસનો ઉપયોગ કર્યો હોય તેના માટેના છે જોકે, ઓક્ટોબર મહિનામાં ગુજરાત ગેસ કંપની પાસેથી ગેસનો ઉપયોગ કર્યો ન હોય અથવા તો નવા ગ્રાહક તરીકે ગુજરાત ગેસ પાસે આવેલ ગ્રાહકોને નેચરલ ગેસ આજની તારીખે 90 ના ભાવથી સપ્લાય કરવામાં આવે છે આમ ગેસના વધતા ભાવ મોરબીના સિરામિક ઉદ્યોગની મૃત્યુ ઘંટ વગાડશે તેવું દેખાઈ રહ્યું છે.