મોરબી જીલ્લામાં કોરોનામાં અનાથ થયેલ ૧૨ બાળકોને ૪૮૦૦૦ ની સહાય ચુકવાઇ
SHARE
મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ચુક્વવામાં આવી સહાય: બાળકને ૧૮ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી દર મહિને ૪૦૦૦ ચુકવાશે
કોરોના કાળમાં માતા અને પિતા બંને ગુમાવનાર અનાથ બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા અમલી બનેલ ‘‘મુખ્યમંત્રી બાળ સહાય યોજના’’ અંતર્ગત મોરબી જિલ્લામાં કોરોના કાળમાં અનાથ થયેલા ૧૨ બાળકોને મહિને ૪૦૦૦ રૂપિયાની સહાયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત તા. ૨૨-૦૬-૨૦૨૧ તથા તા. ૨૮-૦૬-૨૦૨૧ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.એફ. પીપલીયાના અધ્યક્ષ સ્થાને સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીની મળેલ બેઠકમાં ૧૨ અનાથ બાળકોની સહાય મંજુર તથા સહાય ચુકવવાનો નિર્ણય લેવાયો હતો.
મહામારી દરમિયાન માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આવા નિરાધાર બાળકોને આર્થિક રીતે મદદ કરવા સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા બાળ સહાય યોજના અમલી બનાવાઈ છે. જેમાં આવા અનાથ બાળકને પ્રતિ માસ સહાય પેટે બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી દરમાસે બાળક દીઠ ૪૦૦૦ મળવા પાત્ર છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત મોરબી જિલ્લાના બાળકોને કોરોનામાં માતા પિતા ગુમાવેલ ૧૨ બાળકોને તા. ૨૯-૦૬-૨૦૨૧ના રોજ સહાય પેટે રૂા. ૪૦૦૦ લાભાર્થી બાળકના ખાતામાં જમા કરી દેવામાં આવેલ છે. આ અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાએ જણાવ્યું કે તા. તા. ૨૨-૦૬-૨૦૨૧ તથા તા. ૨૮-૦૬-૨૦૨૧ના રોજ સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટરકેર એપ્રુવલ કમિટીની બેઠક મળી હતી અને ૧૨ બાળકોને સહાય ચુકવવાની દરખાસ્ત મંજુર કરાઈ હતી. આ બાળકોને ૪૦૦૦ પ્રતિ બાળક લેખે કુલ ૪૮૦૦૦ની સહાય ચુકવવામાં આવેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”