મોરબી જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી ખેડૂતનું દેવું માફ કરવાનો ઠરાવ કરવા કોંગ્રેસની બઘડાટી: દુર્લભજીભાઈ દેથરિયાની ભૂતપભાઇ ગોધણીને ટકોર-એક વધ્યા છો હવે તમે પણ આવી જાઓ
SHARE
મોરબી જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી ખેડૂતનું દેવું માફ કરવાનો ઠરાવ કરવા કોંગ્રેસની બઘડાટી: દુર્લભજીભાઈ દેથરિયાની ભૂતપભાઇ ગોધણીને ટકોર-એક વધ્યા છો હવે તમે પણ આવી જાઓ
મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ ભારે વરસાદ થયો છે જેથી કરીને મોરબી જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતનું દેવું માફ કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરીને જિલ્લા પંચાયતનો ઠરાવ સરકારમાં મોકલાવવા બાબતે કોંગ્રેસનાં વિપક્ષના નેતાએ હોબાળો કર્યો હતો.
મોરબીના શોભેશ્વર રોડે આવેલ જિલ્લા પંચાયત કચેરીમાં આજે સામાન્ય સભાની બેઠકનું જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભા બેઠકમાં સુરેન્દ્રનગરના સાંસદ અને મોરબી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ચંદુભાઈ સિહોરા તેમજ ટંકારા બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ ડીડીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા આ સામાન્ય સભાની બેઠકમાં જિલ્લા પંચાયતના 24 પૈકીનાં 17 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.
ખાસ કરીને પ્રશ્નોતરીમાં વિપક્ષના નેતા ભૂપતભાઇ ગોધાણીના પ્રશ્નો સૌથી વધુ હતા જેમાં ચાલુ વર્ષે ચોમાસામાં ખૂબ ભારે વરસાદ મોરબી જિલ્લામાં થયો હતો જેથી ખેડૂતોના ખેતરોની અંદર વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહ્યા હતા જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને નુકશાન થયું છે ત્યારે મોરબી જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા માટેનો ઠરાવ કરીને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય દ્વારા કરવામાં આવી હતી. જો કે, એક દિવસ પહેલા ભાજપના ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા સરકારમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેથી ભાજપના ધારાસભ્ય અને ભાજપના ચૂંટાયેલા સભ્યે ઠરાવ કરવાની વાતમાં સહમત થયા ન હતા જેથી વિપક્ષના નેતા દ્વારા સામાન્ય સભામાં આ મુદે હોબાળો કરવામાં આવેલ હતો અને થોડીવાર માટે સભામાં વાતાવરણ તંગ બન્યું હતું.
આ ઉપરાંત સામાન્ય સભાની બેઠકમાં જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર જે પવનચક્કી નાખવામાં આવતી હોય છે તેમાં ગૌચરની જમીન ઉપર કે પંચાયતની જમીન ઉપર પવનચક્કીના ટાવર ઉભા કરવામાં આવ્યા હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ડીડીઓએ કોંગ્રેસના સભ્યને ખાતરી આપી હતી. તેમજ આંગણવાડી માટે જે પ્રશ્ન પુછવામાં આવેલ હતો તેના જવાબમાં એવી ચોકાવનારી માહિતી સામે આવી હતી કે, જીલ્લામાં 761 આંગણવાડી છે જેમાંથી 61 આંગણવાડી બેસવા લાયક નથી, 165 આંગણવાડી ભાડાના મકાનમાં છે અને 105 આંગણવાડી બનાવવા માટે થઈને સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે તેમજ 21 આંગણવાડીમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. ખાસ કરીને રેતી રોયલ્ટી અને સ્વભંડોળમાંથી જે જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર વિકાસ કામો દરેક ચૂંટાયેલા સભ્યોના વિસ્તારમાં કરવાના હોય છે તેમાં દરેક સભ્યોને સરખા ભાગે રકમ આપવામાં આવે તેવી લાગણી વિપક્ષના નેતાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વ્યક્ત કરી હતી.
એક વધ્યા છો હવે તમે પણ આવી જાઓ: દુર્લભજીભાઈ દેથરિયા
મોરબી જિલ્લા પંચાયતમાં મળેલ સભામાં સૌથી વધુ પ્રશ્નો ભૂપતભાઈ ગોધાણી દ્વારા પુછવામાં આવ્યા હતા અને તેના જવાબમાં તેઓને ઘણી પ્રશ્નતરી કરી હતી ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ હળવા મૂડમાં એવું કહ્યું હતું કે, “તમે બહુ બોલો છો તમે એક વધ્યા છો માટે તમે પણ અમારી સાથે આવી જાઓ એટ્લે સાથે બેસીને વિકાસના કામ કરીશું તેવું કહ્યું હતું. જો કે, ભૂપતભાઇએ તેના પ્રશ્નોનાં જવાબમાંથી પ્રશ્નો કર્યા હતા ત્યારે ત્યારે ધારાસભ્યએ એવું પણ કહ્યું હતું કે, “તમે નાચા નારીનું આંગણું વાકું તેવું તેમ કરી રહ્યા છો. અમારી સારી કામગીરીમાં સહકાર આપો તો વિકાસના કામ ઝડપથી થશે”