મોરબી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવશે
વધુ એક જમીન કૌભાંડ: મોરબીના શનાળા ગામે બોગસ સોગંદનામાં આધારે વારસદારોને હટાવી દીધા !, FIR ની તૈયારી
SHARE









વધુ એક જમીન કૌભાંડ: મોરબીના શનાળા ગામે બોગસ સોગંદનામાં આધારે વારસદારોને હટાવી દીધા !, FIR ની તૈયારી
મોરબી જિલ્લામાં અધિકારીઓ અને ભેજાબાજની મિલી ભગતના કારણે એક પછી એક જમીન કૌભાંડો થઈ રહ્યા છે હજુ વજેપરના સર્વે નંબરમાં કરવામાં આવેલ જમીન કૌભાંડની તપાસ ચાલી રહી છે તેવામાં વધુ એક જમીન કૌભાંડ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે જેમાં મોરબી નજીકના સનાળા ગામે આવેલ સોનાની લગડી જેવી જમીનનું કૌભાંડ કરાયું છે અને બે સગા ભાઈના મૃત્યુ થયા બાદ તેના વારસદારોને અન્ય ભાઈએ ખોટું સોગંદનામુ તૈયાર કરીને સરકારી ચોપડા ઉપર ન દર્શાવીને કૌભાંડ આચાર્યુ છે અને તેની કાચી નોંધ સરકારી રેકર્ડમાં પડી ગઈ હોય આગામી સમયમાં આ બાબતને લઈને પોલીસ મથક સુધી મામલો પહોંચે અને તલાટી, સાક્ષી તથા મૂળ માલિક સામે ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલ કિંમતી જમીન યનકેન પ્રકારે પચાવી પાડવા માટે કે પડાવી પાડવા લેવા માટે થઈને ભેજાબાજ શખ્સો દ્વારા અધિકારીઓ સાથે મિલીભગત કરીને કૌભાંડ આચારવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબીના વજેપર સર્વે નંબરની અંદર એક કૌભાંડ આચરવામાં આવ્યું છે અને તેની કલેકટર તથા એસપી સુધી લેખિત અને મૌખિક અરજી તેમજ ફરિયાદ કરવામાં આવી છે જેથી આ બાબતને લઈને હાલમાં રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે તેવા સમયે મોરબી તાલુકામાં વધુ એક જમીન કૌભાંડ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે જેમાં મોરબી નજીકના સનાળા ગામે સર્વે નંબર 208 પૈકી 2 ની કરોડો રૂપિયાની જમીનનું કૌભાંડ કરાયું છે અને તેમાં મૂળ માલિક, સાક્ષી તથા તલાટીની શંકાસ્પદ ભૂમિકા હોય આ બાબત હાલમાં ચર્ચાનો વિષય બનેલ છે.
સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે કિંમતી જમીન આવેલ છે તેના મૂળ માલિકના છ સંતાનો હતા જે પૈકીના બે દીકરાના મૃત્યુ થઈ ગયા છે પરંતુ તેમના વારસદારો હયાત છે જોકે જમીનના મૂળ માલિક દ્વારા ખોટું સોગદનામું કરવામાં આવ્યું છે અને તેના મૃત્યુ પામેલા ભાઈઓને સોગદનામાંમાં અપરણીત દર્શાવવામાં આવ્યા છે અને આમ કરીને બે ભાઇઓના અવસાન થયેલ છે તેના કુલ મળીને 11 વારસદારોનો છેદ જમીનના માલિકી હકમાંથી ઉડાવી દેવામાં આવ્યો છે વધુમાં મળતી માહિતી મુજબ જે બે ભાઈઓને સોગંદનામામાં અપરણિત દર્શાવવામાં આવ્યા છે તેમાંથી એક ભાઈના આઠ અને બીજા ભાઈના ત્રણ વારસદાર છે જોકે હાલમાં જે બોગસ સોગંદનામાના આધારે કાચી નોંધ પડાવવામાં આવી છે તેને લઈને હવે કાયદાકીય લડાઈ શરૂ થાય તેવું દેખાઈ રહ્યું છે.
હાલમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, જે જમીનનું આ કૌભાંડ કરવામાં આવ્યું છે તેના મૂળ માલિકની સનાળા ગામ ઉપરાંત અમરેલી ગામના સર્વે નંબરમાં પણ જમીન આવેલી છે અને સનાળા ગામે આવેલ જમીનની જે સરકારી ચોપડે કાચી નોંધ પાડવામાં આવી છે તેમાં જે મૃત્યુ પામેલા બે ભાઈઓના અપરણિત હોવાના સોગંદનામાં રજૂ કરીને આ કૌભાંડ કરવામાં આવ્યું છે તે જ બંને ભાઈઓના વારસદારોના નામ અમરેલી ગામના સર્વે નંબરમાં આવેલ જમીનમાં આજની તારીખે પણ જોવા મળી રહ્યા છે આટલું જ નહીં પરંતુ જે ભેજાબાજ શખ્સએ કિંમતી જમીન તેના જ ભાઈના વારસદારો પાસેથી પડાવી લેવા માટે થઈને આ કાવતરું કર્યું છે તે લોકો આડોશ પાડોશમાં જ રહે છે તેમ છતાં પણ તેમના નામ સનાળા ગામની જમીનમાંથી ખોટું સોગંદનામુ સાચા તરીકે દર્શાવીને હટાવી દેવામાં આવ્યા છે અને આ જમીન સતવારા પરિવારની હોય કુલ મળીને સાડા તેર વીઘા અને બે ગુઠા જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે જેથી મામલતદાર દ્વારા જે કાચી નોંધ કરવામાં આવી છે તેની સામે પ્રાંત અધિકારીમાં અપીલ પણ કરી દેવામાં આવી છે તેની સાથોસાથ આગામી દિવસોમાં આ બાબતને લઈને કૌભાંડ કરનારા મૂળ માલિક, તલાટી તથા સાક્ષીની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ પણ નોંધાઇ તેવી શક્યતાઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક પછી એક જમીન કૌભાંડ મોરબીમાં સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેકટર સહિતના જવાબદાર અધિકારીઓ જમીનની બાબતના જે કોઈ હુકમ કરતા હોય છે ત્યારે પહેલા જરૂરી આધાર પુરાવાઓ ખરેખર ચેક કરે છે કે કેમ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે કારણ કે, વજેપર ગામના સર્વે નંબરની જે જમીનનું કૌભાંડ થયું છે તેમાં પણ અપીલ કરવામાં આવી છે તેવી જ રીતે સનાળા ગામની આ જમીનમાં જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં મૃત્યુ પામેલા બે સગાભાઈના વારસદારો આજની તારીખે પણ હયાત હોવા છતાં નામ સનાળા ગામની જમીનમાંથી હટાવી દેવામાં આવ્યા છે ત્યારે આ કૌભાંડમાં જવાબદાર અધિકારી અને કર્મચારી દ્વારા કયા કારણોસર જે તે વ્યક્તિઓના અપરણિત હોવાના સોગંદનામાં રજૂ થયા છે તે ખરેખર અપરણિત છે કે કેમ તે બાબતની કોઈ ખરાઈ કર્યા વગર જ સ્વીકારી લેવામાં આવેલ છે તે પણ તપાસનો વિષય છે અને આ બાબતે પણ કદાચ કલેકટરને તપાસનો આદેશ કરવો પડે અને પોલીસમાં અરજી કે ફરિયાદ થાય એટલે એસપીને પણ કાયદાકીય કાર્યવાહી કરવી પડે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે.
