મોરબી સેશન્સ કોર્ટે આપેલ શરતી જામીનની શરતનો ભંગ કરનારા આરોપીની હળવદ પોલીસે કરી ધરપકડ
મોરબીમાં પરણીતા પુત્રી સાથે ગુમ, પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ
SHARE






મોરબીમાં પરણીતા પુત્રી સાથે ગુમ, પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ
મૂળ મોરબી અને હાલ રાજકોટ રહેતા પરિવારના પરિણીતા પોતાની ૧૧ વર્ષની દીકરી સાથે છેલ્લા દોઢ મહિનાથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયા હોય પરીવાર દ્રારા ઘરમેળે તપાસ કરવામાં આવી હતી છતાં માતા-પુત્રીનો પતો ન લગતા અંતે તેઓના પતિ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા અને હાલ રાજકોટ કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાછળ આવેલ ક્રિષ્ના ચોક ખાતે રહેતા અમિતભાઈ કાનજીભાઈ કાવર પટેલ (ઉમર ૪૪) નામના યુવાને પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેર કર્યું હતું કે, ગત તા.૨૩-૧-૨૫ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓના પત્ની નયનાબેન અમિતભાઈ કાવર (૩૨) તેઓની ૧૧ વર્ષની દીકરી ફાલ્ગુની અમિતભાઈ કાવરને સાથે લઈને ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક ગુમ થઈ ગયેલ છે.ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ બંને માતા-પુત્રીનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી કરીને હાલ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે આ બાબતે જાણ કરવામાં આવેલ છે.હાલ તાલુકા પોલીસ મથક ખાતે માતા પુત્રી ગુમ થયા અંગેની ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ બીટ વિસ્તારના જમાદાર જે.પી.પટેલ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
સારવાર દરમિયાન મોત
મોરબી તાલુકાના પંચાસર (શિવનગર) ગામના વતની રવજીભાઈ ત્રિભોવનભાઈ સવસાણી નામના ૪૨ વર્ષના યુવાનને ગત તા.૩-૩ ના રોજ સાંજના આઠેક વાગ્યે તબિયત લથડી જતા શહેરની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન રવજીભાઈ સવસાણીનું મોત નિપજયુ હતું.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
ભડિયાદ ગામે મારામારી
મોરબીના સામાકાંઠે આવેલ ભડિયાદ વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં મેહુલ ભરતભાઈ અંધોદરિયા (૩૧) રહે. ભડિયાદ અને સામેના પક્ષેથી રવિ રમેશભાઈ દેગામા (૧૯) અને મુકેશ નરભેરામભાઈ દેગામા (૩૭) રહે.બંને મકનસર ને ઈજાઓ થઈ હતી. જેથી કરીને ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના કૃષ્ણનગર ગામે રહેતા ભરતભાઈ કાનજીભાઈ લોખિલ નામના ૩૪ વર્ષના યુવાનને હરીપર (કેરાળા) ગામના પાટીયા નજીક કોઈ કારણોસર બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવની હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.
જાંબુડીયા મારામારી
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે રહેતા કાળીબેન લખાભાઇ સલાટ નામના ૨૦ વર્ષીય મહિલાને જાંબુડીયા નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી.જેથી તેણીને સારવાર માટે સિવિલે ખસેડાતા સ્ટાફના બી.જી.દેત્રોજા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેમ તાલુકા પોલીસ સુત્રો દ્વારા જણાવાયેલ છે.
વાહન અકસ્માત
મોરબીના માળિયા હાઇવે ટીંબડી ખાતે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની રોહિતભાઈ રમેશભાઈ નામનો ૧૮ વર્ષનો યુવાન બાઈક લઈને ટીંબડીથી બેલા તરફ જતો હતો.ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર મનીષ કાંટા પાસે રાતના દસેક વાગ્યે રોડ સાઈડ પડેલ આઇવા ડમ્પર સાથે તેનું બાઇક અથડાયું હતું.જેથી કરીને તેને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી


