મોરબીમાં પહેલગામ હુમલાના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો: આતંકવાદના વિરોધમાં રેલી-પૂતળા દહન કરાયું
SHARE








મોરબીમાં પહેલગામ હુમલાના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો: આતંકવાદના વિરોધમાં રેલી-પૂતળા દહન કરાયું
જમ્મુના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીના વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજે મોરબીના વિવિધ વેપારી મંડળો દ્વારા પોતાની દુકાનો બંધ રાખવામા આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપરથી વિહિપ અને બજરંગદળની આગેવાનીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યાર બાદ મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આતંકવાદીઓની સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી.
મોરબીમાં ચેમ્બર ઓફ કોમર્સ, મોરબી ખાદ્ય તેલ વેપારી એસો, ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો, મોરબી પ્લાસ્ટીક એસો, મોરબી ફટાકડા એસો, મોરબી કાપડ મહાજન એન્ડ રેડીમેઇડ ગાર્મેન્ટ,મોરબી કરીયાણા મર્ચન્ટ એસો સહિતના વિવિધ વેપારી એસોસિયેશન જમ્મુના પહેલગામમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું અને જે રીતે દેશવાસીઓમાં આતંકી હુમલાને લઈને આક્રોશ છે તેવો જ આક્રોશ મોરબીના વેપારીઓ સહિતના લોકોમાં જોવા મળી રહ્યો છે એટલા જ માટે આજે વેપારીઓએ સ્વયંભૂ પોતાની દુકાનોને બંધ રાખી હતી અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળની આગેવાની હેઠળ આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા, હિરેનભાઇ પારેખ, મહેશભાઇ સિંધવ, નિર્મલભાઈ જારીયા, અનોપસિંહ જાડેજા, વિહિપના જિલ્લા અધ્યક્ષ જીલેશભાઇ કાલરિયા, કમલેશભાઈ બોરિચા સહિતના વેપારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મોરબીના નેહરુ ગેઇટ ચોકમાં રેલીને પુરી કરવામાં આવી હતી અને ત્યાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખીએ છે કે, જમ્મુના પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો ત્યાં હુમલો કરવા માટે આવેલ આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓનો ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી હતી જેથી કરીને મોરબીના હિન્દુ વેપારીઓમાં ભારોભાર આક્રોશની લાગણી જોવા મળી રહી છે એટ્લે જ તો વેપારીઓની દુકાનોની બહારના ભાગમાં વિહિપ અને બજરંગદળ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને અને તેમાં લખ્યું છે કે, “ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે” આમ જો લોકોને તેનો ધર્મ પૂછીને ગોળી મરવામાં આવતી હોય તો સનાતની હિન્દુઓને પણ હવે મોરબી સહિત દેશભરમાં જાગવાનો સમય પાકી ગયો છે ત્યારે માત્ર હિન્દુઓની દુકાનોએથી જ માલ સામાનની ખરીદી કરવામાં આવશે તેવી શપથ પણ લોકોએ મોરબીમાં લીધેલ હતી.
પાકિસ્તાનના રાષ્ટ્ર ધ્વજને મોરબીવાસીઓ કચડશે
મોરબી સહિત દેશમાં આતંકવાદની સામે આક્રોશ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય અજયભાઇ લોરીયા દ્વારા મોરબીના શનાળા રોડે અને નગર દરવાજા ચોકમાં રસ્તા ઉપર પાકિસ્તાનના રાષ્ટ્ર ધ્વજને બનાવવામાં આવેલ છે અને ત્યાં રસ્તા ઉપરથી આવતા જતાં લોકો અને વાહન ચાલકો પાકિસ્તાનના રાષ્ટ્ર ધ્વજને કચડી નાખે તેવી ભાવના સાથે જમીન ઉપર પાકિસ્તાનના રાષ્ટ્ર ધ્વજ બનાવવામાં આવેલ છે.

