માળીયા (મી)ના બોડકી અને હળવદના ધનાળા ગામે દારૂની રેડ: 2600 લિટર આથો કબ્જે, બે આરોપી પકડાયા
મોરબીમાં જમીન માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ, બે સામે નામ જોગ ફરિયાદ: એકની ધરપકડ
SHARE
મોરબીમાં જમીન માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને વેચી નાખવાનું કૌભાંડ, બે સામે નામ જોગ ફરિયાદ: એકની ધરપકડ
મોરબીના વજેપર વિસ્તારમાં અગાઉ થયેલા જમીન કૌભાંડમાં જમીનના મૂળ માલિકનો પરિવાર હજુ ન્યાય ઝંખી રહ્યો છે તેવામાં વજેપર વિસ્તારમાંથી વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે જેમાં જમીનના મૂળ માલિકના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવીને જમીનના ખોટા ખાતેદાર બનીને વેચી નાખવાનું કૌભાંડ કર્યું હતું જે અંગેની સમયસર જમીનના મૂળ માલિકના પરિવારજનોને જાણ થઈ જતા તેના દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પૂર્વઆયોજિત કાવતરું રચીને ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને ખરા તરીકે ઉપયોગ કરીને વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરનારાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જે પૈકી પોલીસે હાલમાં એક આરોપીને પકડીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ રાફડાની વાડીમાં રહેતા બાબુભાઈ તળશીભાઇ ચાવડા (40) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમિતભાઈ મોહનભાઈ પરમાર રહે. નવા બસ સ્ટેશન પાછળ રાધા પાર્ક મોરબી તથા દર્શિત પ્રવીણભાઈ મેવાડા રહે. લાયન્સનગર મોરબી અને તપાસમાં જેના નામ ખૂલે તે તમામની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વજેપર સર્વે નંબર 767 પૈકી 2 માં ફરિયાદીની વડીલો પાર્જિત માલિકીની જમીન આવેલ છે.જે જમીનને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરીને મિલનભાઈ પ્રકાશભાઈ ફુલતરીયાને વેચવા માટેનું કૌભાંડ કર્યું હતું અને ફરિયાદીના પિતાના નામના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવીને સાહેદ મિલનભાઈ ફુલતરીયાને ખોટા ખાતેદાર તરીકે ઓળખ આપીને આરોપી અમિતભાઈ પરમારે તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાનું ખોટું નામ ધારણ કરીને તેનો સંપર્ક કર્યો હતો અને ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈ આંબો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી તથા સાહેદની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે નામ જોગ તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં આ જમીન કૌભાંડમાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આરોપી અમિતભાઈ મોહનભાઈ પરમાર હાલ રહે.નવા બસ સ્ટેશન પાછળ રાધા પાર્ક-૨ મોરબી મૂળ રહે.પંચેશ્વરી ચોક કપતીયાણા જી.પોરબંદર ની ધરપકડ કરવામાં આવી છે.અને તેના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે.