Morbi Today
મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ
SHARE
મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ
મોરબી તાલુકાના જુના પીપળી ગામે માનસધામ સોસાયટીના કોમન પ્લોટની સફાઈ મામલે બોલાચાલી ઝઘડો થયો હતો. અને બાદમાં બે મહિલાઓ દ્વારા કુહાડી બતાવીને યુવાનને જાતિ પ્રત્યે અપમાનીત કરી ધમકી આપવામાં આવી હતી. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચમનભાઇ ઉર્ફે કમલેશભાઇ છગનભાઇ ઉર્ફે કાળુભાઇ મકવાણા (ઉ.વ.૩૦) ધંધો પ્રાઇવેટ નોકરી રહે.માનસધામ સોસાયટી શેરી નંબર-૧ મકાન નંબર-૧૪ જુની પીપળી ગામ બસ સ્ટેન્ડની સામે તા.જી.મોરબી મુળ રહે.નાના દહિંસરા તા.માળીયા મિંયાણા જી.મોરબીએ પુજાબા દરબાર રહે.માનસધામ સોસાયટી શેરી નંબર-૧ મકાન નંબર-૧ જુની પીપળી તા.મોરબી તેમજ એક અજાણી મહિલા સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, ફરીયાદી તથા સાહેદો માનસધામ સોસાયટીમાં આવેલ સાર્વજનિક પ્લોટની સાફ-સફાઇ કરવા જતા ત્યાં બાજુમા રહેતા પુજાબાએ ફરીયાદી તથા સોસાયટીમાં રહેતા સાહેદો સાથે બોલાચાલી કરી ગાળો આપી કુહાડી લઈ આવીને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.તેમજ ગેર બંધારણીય ભાષા બોલીને ફરીયાદી ચમનભાઇ તથા સાહેદોને જાહેરમા જ્ઞાતિપ્રત્યે અપમાનિત કર્યા હતા.જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા છે.
માળીયા પોલીસ સ્ટાફ દ્વારા બાતમીને આધારે તાલુકાના ખીરઇ ગામે રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી મળી આવતા ત્યાંથી પતરાના બે બેરલ, ૨૦૦ લીટર ગરમ આથો રૂપિયા ૫૦૦૦, ૧૨૦૦ લીટર ઠંડો આથો કિંમત રૂા.૩૦,૦૦૦ તથા છ જેટલા બચકામાં દેશી દારૂના પાઉચ ૩૦૦ લીટર અને બે કેરબામાં ભરેલ ૪૦ લીટર દેશી દારૂ એમ કુલ ૩૪૦ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૬૮,૦૦૦ આમ કુલ મળીને રૂા.૧૦૩,૦૦૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો.અને રેડ સમયે સ્થળ ઉપરથી મળી આવેલા તાજમહંમદ વલીમહમંદ મોવર મિંયાણા (૩૨) રહે.શાંતિવન સ્કૂલ પાસે વીસીપરા મોરબીની ધરપકડ કરીને પુછપરછ કરતા ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવર રહે.ખીરઇ તાલુકો માળીયા(મિં.), અનવર માલાણી રહે.કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી-૨ અને તૈયબભાઇ માલાણી રહે.શિકારપુર ભચાઉ કચ્છના નામ ખુલતા ચારેય સામે ગુનો નોંધીને બાકીના ત્રણેયને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે માળિયાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અને માળિયા મીંયાણા ખાતે દેશી દારૂનો ધંધો ગૃહ ઉદ્યોગ સમાન છે.જેમાં ખીરઇ, નવાગામ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય અગાઉ જનતા રેડ પણ થઇ હોય તેવું બનેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારી બાઇકને ટ્રકના ચાલકે હડફેટે લેતા બાઈક સવાર પ્રભુભાઈ જગદીશભાઈ ચૌહાણ (૪૦) અને ચીમનભાઈ બાબુભાઈ ચૌહાણ (૪૦) રહે.બંને સામાકાંઠે મોરબી-૨ વાળાઓને ઈજા થઈ હોય બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે ટંકારા ખાતેના જીવાપર ગામે કેશુભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા નાનજીભાઈ ટીડાભાઇ અજનાર નામનો ૨૦ વર્ષનો યુવાન કોઈ કારણસર વાડીએ ઝેરી દવા પી ગયો હોય બેભાન હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી આ બાબતે ટંકારા પોલીસને જાણ કરી હતી.તેમજ માળિયા મીંયાણા ખાતે રહેતા રોશનબેન કાસમભાઇ મોવર નામના ૭૦ વર્ષના વૃદ્ધા ગામમાં પગપાળા જતા હતા ત્યારે સામેના ભાગેથી અજાણ્યા બાઈક ચાલકે તેઓને ટક્કર મારતા ઈજા પામ્યા હોય માળિયા પીએચસી ખાતે અને બાદમાં વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.









