મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં
મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો
SHARE
મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો
મોરબીના પેપરમીલ ઉદ્યોગમાં ઇંધણ તરીકે કોલસાનો ઉપયોગ થતો હોય છે જોકે, કોલસા અને વેસ્ટ પેપરના ભાવમાં વધારો થયો છે જેથી તૈયાર માલની પડતર કિંમત ઊંચી જવાના કારણે હાલમાં એક્સપોર્ટનું માર્કેટ ઠપ્પ થઈ ગયું છે અને લોકલ માર્કેટમાં ડિમાન્ડ નથી જેથી ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યાર પછીથી મોરબીના મોટાભાગના ઉદ્યોગોને અસર થઈ હતી ત્યારે પેપર મિલ ઉદ્યોગ વેસ્ટ પેપર ન મળવાના લીધે બંધ કરવો પડ્યો હતો જોકે, ધીમે ધીમે પેપર ઉદ્યોગની ગાડી પાટે ચડી છે તો પણ મોરબીની 70 થી વધુ પેપરમીલમાંથી 52 જેટલી પેપરમીલો આજની તારીખે ધમધમી રહી છે જોકે પેપરમીલમાં ઉત્પાદન માટે થઈને ઈંધણ તરીકે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસાના ભાવમાં અચાનક વધારો થયો છે જેથી કરીને ઉદ્યોગકારોની મુશ્કેલી વધી ગઈ છે.
મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનામાં જીએમડીસીનો કોલસો તે લોકોને 3800 રૂપિયાના ભાવથી મળતો હતો જે હાલમાં 4500 રૂપિયાના ભાવથી મળે છે જ્યારે ઇન્ડોનેશિયા કોલ 8000 રૂપિયા ભાવથી મળતો હતો તે આજની તારીખે 10,000 ના ભાવથી મળી રહ્યો છે તેમજ પેપરમીલ ઉદ્યોગમાં એક્સપોર્ટ વેસ્ટ પેપરનો ઉપયોગ થાય છે તેનો ભાવ ગત માર્ચ મહિનામાં પ્રતિ ટનનો ભાવ 160 ડોલર હતો જે આજે 200 ડોલર છે જેથી માલની પડતર કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં ધમધમતી પેપર મિલોમાં પ્રતિદિન 5500 ટન જેટલા પેપરનું ઉત્પાદન થાય છે અને તેના ઉત્પાદન માટે થઈને 2700 ટન જેટલા કોલસાની દૈનિક જરૂરિયાત રહે છે જોકે છેલ્લા મહિનાઓમાં કોલસાના ભાવ તથા વેસ્ટ પેપરના ભાવમાં વધારો થયો હોવાના કારણે ગત માર્ચ મહિનામાં 28 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી પેપર તૈયાર થતો હતો તેનો આજની તારીખે 34 રૂપિયા ભાવ થઈ ગયો છે.
હાલમાં તૈયાર માલની ડિમાન્ડ ઘટી ગઈ છે. આજની તારીખે તૈયાર માલની પડતર કિંમત વધતા એક્સપોર્ટ માર્કેટમાં મોરબીના ઉદ્યોગકારો ટકી શકતા નથી જેથી મોટાભાગનું એક્સપોર્ટ બંધ થઈ ગયું છે અને લોકલ ડિમાન્ડ નથી જેથી ઉદ્યોગકારોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે એક બાજુ માર્કેટ નથી અને બીજી બાજુ રોમટીરિયલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબીના ઉદ્યોગકારોને માર્કેટમાં કઈ રીતે ટકવું તે તેઓને પણ સમજાતું નથી.