મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ
મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
SHARE
મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
મોરબી જિલ્લામાં આવેલ ઘુડખડ અભ્યારણ વિસ્તારની અંદર નીલગાયની પજવણી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે વિડીયો વન વિભાગના ધ્યાન ઉપર આવતા તપાસ કરીને માળિયાના એક શખ્સની વન વિભાગની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં નીલગાયનો શિકાર થયો હોવાનું સામે આવતા વન વિભાગમાં ગુનો નોંધીને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પુરા થતા આજે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે
તાજેતરમાં નીલગાયની પજવણી કરતા હોય તે પ્રકારનો એક વિડિયો મોરબી જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વન વિભાગના અધિકારીઓએ તપાસ કરીને હળવદ તાલુકામાં આવતા ઘુડખર અભ્યારણમા ઘાટીલા નજીકના રણમાં નીલગાયની પજવણી કરીને તેનો શિકાર કરવાના ગુનામાં માળિયાના રહેવાસી આરોપી સોકતઅલી તાજમહંમદ જેડા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે વન વિભાગમાં ગુનો નોંધાયો હતો અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા હળવદ રેન્જના ફોરેસ્ટ ઓફિસર ભરતભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, નીલગાયની પજવણી કરનારા આરોપીને પકડવા માટે હળવદ, બજાણા, આડેસર અને ધાંગધ્રા વન વિભાગની જુદી જુદી પાંચ ટીમો બનાવી હતી અને જે કાળા કલરની સ્વીફ્ટ ગાડીથી નીલગાયની પજવણી કરવામાં આવતી હોવાનું વીડિયોમાં જોવા મળતું હતું તે ગાડીને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી તેવામાં આ ગાડીને રણ વિસ્તારમાં કોર્ડન કરી લેવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી તેવામાં આરોપીએ પોતાની ગાડી વન વિભાગના અધિકારીની ગાડીમાં અથડાવી હતી જેથી બંને વાહનોમાં નુકસાન થયું હતું અને ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરીને આરોપી સામે અભ્યારણમાં ગેરકાયદેસર પ્રવેશ, વન્ય પ્રાણીઓની પજવણી, હથિયાર અને શિકાર સહિતની જુદી જુદી કલમ હેઠળનો વન વિભાગમાં ગુનો નોંધાયો હતો અને આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂરા થતા આરોપીને મોરબીની જેલ હવાલે કરેલ છે અને રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી વધુ ત્રણ શખ્સોના નામ સામે આવ્યા છે જેથી કરીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ શખ્સોએ ઘાટીલા રણ વિસ્તારમાં જ નીલગાયનો શિકાર કરીને ત્યાં માસ મટન કાઢ્યું હોવાનું સામે આવ્યું છે









