મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે
પાટીદાર સમાજના તેજસ્વી યુવાનો અને યુવતીઓનું કરાશે સન્માન, 20 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
મોરબી પાટીદાર સમાજના તેજસ્વી યુવાનો અને યુવતીઓની શૈક્ષણિક, વ્યવસાયિક તેમજ વિવિધ ક્ષેત્રોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ઉમા સંસ્કારધામ – મોરબી દ્વારા પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ – 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ – મોરબીના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી યુવાનોનું સન્માન કરવામાં આવશે.
આ એવોર્ડ અંતર્ગત મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં પ્રતિભાઓની પસંદગી કરવામાં આવશે. જેમાં ઉચ્ચ શિક્ષણ, સરકારી નોકરી અને વિશેષ પ્રતિભા સન્માનનો સમાવેશ થાય છે. જેમ ઉચ્ચ શિક્ષણ કેટેગરીમાં MBBS, MD, MS, BDS સહિતની મેડિકલ ડિગ્રી, 85 ટકા કે તેથી વધુ ગુણ સાથે અનુસ્નાતક ડિગ્રી, CA, CS, CMA, Ph.D. તેમજ સંશોધન અને અન્ય વિશિષ્ટ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને આવરી લેવામાં આવશે.
તો સરકારી નોકરીની કેટેગરીમાં UPSC અને GPSC મારફતે નિમણૂક પામેલા, વર્ગ-1 અને વર્ગ-2 અધિકારીઓ, વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, સરકારી બેંકો, પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ, રેલવે તેમજ સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં નિમણૂક મેળવનાર ઉમેદવારોને સ્થાન આપવામાં આવશે. જ્યારે વિશેષ પ્રતિભા સન્માન કેટેગરીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ કે સિદ્ધિ મેળવનાર, રમતગમત તથા અન્ય ક્ષેત્રોમાં રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર અને સંશોધન તથા નવીન શોધ ક્ષેત્રે યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે. આ એવોર્ડ માટે ઉમેદવાર મોરબી જિલ્લાના પાટીદાર સમાજના હોવા જરૂરી છે. નવેમ્બર 2025થી નવેમ્બર 2026 દરમિયાન સંબંધિત ડિગ્રી, સિદ્ધિ અથવા સરકારી નોકરી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ઉમેદવારોએ પોતાની લાયકાત મુજબ ડિગ્રી, માર્કશીટ, પરિણામ, નિમણૂકપત્ર અથવા એવોર્ડ સર્ટિફિકેટ સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આધારકાર્ડ પણ ફરજિયાત રહેશે.
નોંધનીય છે કે આ એવોર્ડ માટે કોઈ નોંધણી ફી રાખવામાં આવી નથી. એક પરિવારના એકથી વધુ લાયક ઉમેદવારો પણ અલગ-અલગ નોંધણી કરાવી શકશે. તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ જ અંતિમ પસંદગી કરવામાં આવશે. પસંદગીની યોગ્યતા અને વધુ વિગતોની ખાતરી માટે કમિટી દ્વારા ઉમેદવારોનો સંપર્ક પણ કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2026 રાખવામાં આવી છે. જ્યારે એવોર્ડ સમારોહનું આયોજન આગામી 24 નવેમ્બર 2026ના રોજ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી ઉમા સંસ્કારધામ – મોરબી ખાતે કરવામાં આવશે. સન્માનિત થનાર ઉમેદવારોએ પોતાના પરિવાર સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. કાર્યક્રમના સમય કરતાં એક કલાક વહેલા પહોંચી ફોર્મ અને પ્રમાણપત્રોની નકલો કમિટીને જમા કરાવી બેઠક માટેનું ટોકન મેળવી લેવાનું રહેશે. આ સમારોહના ફોટોગ્રાફ્સ ઉમા સંસ્કારદર્શન અંકમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. મોરબી જિલ્લાના પાટીદાર સમાજની પ્રતિભાઓને પ્રોત્સાહન અને યોગ્ય મંચ મળે તેવા ઉમદા હેતુથી યોજાનારા આ એવોર્ડ સમારોહમાં પાત્રતા ધરાવતા તમામ યુવાનો અને યુવતીઓને સમયમર્યાદામાં ઓનલાઈન નોંધણી કરાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.