મોરબીમાં યોજાયેલ નિબંધ અને વાર્તા સ્પર્ધામાં વિજેતા બહેનોનું કરાયું સન્માન
મોરબી પાલિકામાં ચેરમેનોની વરણીમાં વિવાદ: સિનિયરોની અવગણના થતાં અનેક સભ્યો નારાજ, પ્રદેશ ભાજપમાં રજૂઆત કરાશે
SHARE
મોરબી પાલિકામાં ચેરમેનોની વરણીમાં વિવાદ: સિનિયરોની અવગણના થતાં અનેક સભ્યો નારાજ, પ્રદેશ ભાજપમાં રજૂઆત કરાશે
મોરબી નગરપાલિકાની ચૂંટણી પૂરી થયા બાદ બાવને બાવન બેઠક ઉપર ભાજપના સભ્યો ચૂંટાયા હતા અને છેલ્લા ઘણા સમયથી પાલિકામાં ચેરમેનોની વરણીને લઈને ચર્ચાઓ ચાલતી હતી અને કોને કયું ખાતું મળશે ? તેને લઇને અનેક અટકળો ચાલી રહી હતી તેવામાં ગત સોમવારે મળેલી જનરલ બોર્ડની બેઠકની અંદર પાલિકાની જુદીજુદી સમિતિઓના ચેરમેન નામ જાહેર કરવામાં આવ્યા છે અને નામ જાહેર કરતની સાથે જ અસંતોષની આગ ભભૂકી ઉઠી છે અને જે રીતે હાલમાં પાલિકાની જુદી-જુદી સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી છે તેને લઇને સ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ તે મુદ્દે કોઈ સંતોષકારક જવાબ ન મળતા આ મુદ્દે પ્રદેશ ભાજપમાં રજૂઆત કરવામાં આવે તેવું જાણવા મળેલ છે અને હાલમાં નગરપાલિકાના એક ચેરમેને પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.
મોરબી નગર પાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચુંટાઇ છે ત્યારે ભાજપના ઉમેદવારોમાં અસંતોષ ન થાય તે માટે નગરપાલિકામાં જે કમિટી હોય છે તેમાં વધારો કરીને ચાલુ વર્ષે નવી આઠ કમિટીઓની રચના કરીને વધારાના સભ્યોને ચેરમેન તરીકેના પદ આપીને તેમાં બેસાડવામાં આવ્યા છે તેમ છતાં પણ હાલમાં જે ચેરમેનોની વરણી કરવામાં આવી છે તેમાં ક્યાંકને ક્યાંક ભાજપના ચુંટાયેલા સભ્યોની સિનિયોરિટીની અવગણના કરવામાં આવી છે જેથી કરીને પાલિકાના સભ્યોમાં અસંતોષ છે અને સ્થાનિક લેવલના આગેવાનોને આ મુદે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ મુદ્દે અહીં સ્થાનિક લેવલેથી કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ મળ્યો નથી જેથી કરીને આગામી દિવસોમાં આ મુદ્દે નારાજ જુથ દ્વારા પ્રદેશ ભાજપમાં રજૂઆત કરવા માટેની કવાયત હાલમાં કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ ગત સોમવારના રોજ મળેલ સામાન્ય સભાની બેઠકમાં મોરબી નગરપાલિકાની જુદી-જુદી ૨૫ કમિટીના ચેરમેનોની વરણી કરવામાં આવી છે જેમાં સિનિયોરીટીનો છેદ ઊડી ગયો હોય તેવો ઘાટ દેખાઈ છે કારણ કે અગાઉ પાલિકામાં ચૂંટાયેલા સભ્યો તેમજ સંગઠનની અંદર જવાબદારી સંભાળનારા આગેવાનોની અવગણના કરીને પાલિકાની અંદર પહેલી વખત ચૂંટાયા હોય તેવા સભ્યોને કમિટીમાં ચેરમેનનું સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે સિનિયર સભ્યોને સાઈડ કરવામાં આવ્યા છે જેથી આ મુદે મોરબી શહેર ભાજપના પ્રમુખ તેમજ મોરબી જિલ્લા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની સિનિયોરિટી ચેરમેન પદ માટે અવગણના કરવામાં આવી છે જોકે, તેઓની અસંતોષની લાગણીને ધ્યાનમાં લીધી ન હોવાથી હાલમાં નારાજ જુથ પ્રદેશના આગેવાનો સુધી તેની લાગણીને વ્યક્ત કરવા માટે મથામણ કરી રહ્યું છે.
મોરબી નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપનાં સભ્યોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે જુદી સમિતિમાં ચેરમેનોની વરણી કરવામાં આવી છે તેમાં ક્યાંકને ક્યાંક સગાવાદ અને વ્હાલા દાવલાની નીતિ અપનાવવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જે સભ્યો સિનિયોરિટી ધરાવે છે તેને જે કમિટીનું કોઈ અસ્તિત્વ જ નથી તેવી કમિટીના ચેરમેન તરીકે બેસાડી દેવામાં આવ્યા છે અને મહત્વપૂર્ણ જગ્યાઓ કહી શકાય કે જ્યાં અનુભવી ચૂંટાયેલા સભ્યોને મૂકવામાં આવે તો મોરબી શહેરના વિકાસમાં યોગદાન આપી શકે તેવા ચૂંટાયેલા સભ્યોને સાઈડ લાઇન કરી દેવામાં આવ્યા છે જેથી કરીને સિનિયર પાલિકાના સભ્યોને અસંતોષ થઇ રહ્યો હોય તેવું હાલમાં બની રહ્યું છે તેવામાં સોમવારે મળેલી બેઠકની અંદર ચેરમેન તરીકે વોર્ડ નંબર-૮ ના ચૂંટાયેલા સભ્ય દિનેશભાઇ કૈલાને રમત-ગમત અને સાંસ્કૃતિક કમિટી આપવામાં આવી હતી જો કે, તેમણે પોતાના ચેરમેન પદ ઉપરથી રાજીનામું ધરી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકામાં હાલમાં જે લોકોને જુદીજુદી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે તે અને જે લોકોને કોઇપણ સમિતિમાં ચેરમેન પદ મળ્યું નથી તે બંનેમાં ક્યાંકને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે જેથી કરીને આ મુદ્દે સ્થાનિક આગેવાનોને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેનો કોઇ નક્કર પરિણામ મળ્યું નથી જેથી કરીને આગામી સમયમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીથી લઈને પ્રદેશ ભાજપના પ્રમુખ સુધી મોરબી નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન બાબતે રજૂઆતો કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને હાલમાં ભાજપના એક જૂથ દ્વારા રજૂઆત કરવા માટેની કવાયત કરવામાં આવે છે અને ક્યાંકને ક્યાંક મોરબી પાલિકાની અંદર કમિટીના ચેરમેન બનાવવામાં સિનિયોરિટી ધરાવતા સભ્યો સાથે અન્યાય થતો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”