મોરબીમાં સળગાવી નાખેલ લારીમાં ધક્કો મારીને નાખી દઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ચાર શખ્સોની હત્યાના ગુનામાં ધરપકડ
SHARE






મોરબીમાં સળગાવી નાખેલ લારીમાં ધક્કો મારીને નાખી દઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ચાર શખ્સોની હત્યાના ગુનામાં ધરપકડ
મોરબીના રામકૃષ્ણનગરમાં ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પાંચ શખ્સો વૃદ્ધાના ઘરે આવ્યા હતા અને તેના દીકરાને પેટના ભાગે મુકા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ તેના બીજા દીકરાનું બાઈક સ્લીપ થતા તેને સારવાર માટે લઈ ગયા હતા ત્યાં આવીને બોલાચાલી કરીને ગાળો આપી હતી. તેમજ વૃદ્ધના ઘર પાસે પડેલ તેની ચપ્પલની લારીને સળગાવી નાખી હતી જેમાં વૃદ્ધાના પતિને ધક્કો મારીને નાખી દીધા હતા જેથી તે દાઝી જતાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો અને હત્યાના આ ગુનામાં મોરબી બી ડિવિઝન પોલીસે હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગર જે-૬ માં રહેતા ગૌરીબેન મનુભાઈ ડુંગરા જાતે કોળી (૬૦) નામના વૃદ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને વેલાભાઇ રાવળ, જયુભા દરબાર અને અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, તેના દીકરા નવઘણ સાથે વેલાભાઇ અને જયુભાને ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેથી તે બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં તેમના દીકરા નવઘણને પેટના ભાગે મુકા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીનો બીજો દીકરો કાળુ મનુભાઇ ડુંગરી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા તેને ઇજા થયેલ હોવાથી સારવાર માટે લઈને ગયા હતા ત્યારે જઈને આરોપીઓએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફરિયાદીને કહ્યું હતું કે “તારા ઘરે જઈને જોઈ લેજે” જેથી વૃદ્ધાએ ઘરે જઈને જોતાં તેના ઘર પાસે રાખવામા આવેલ ચપ્પલ્ની લારીને આગ ચાંપી દીધી હતી અને તેના પતિ મનુભાઈ ખોડાભાઈ ડુંગરા જાતે કોળી (૫૫)ને તે સળગતી લારીમાં ધક્કો મારીને નાખી દીધા હતા જેથી કરીને હાથે અને પગે તે દાઝી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન મનુભાઇ ડુંગરાનું મોત નીપજયું હતુ જેથી કરીને મારા મારીની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને હાલમાં હત્યાના આ ગુનામાં કુલ મળીને ચાર આરોપીને પકડવામાં આવેલ છે જેમાં શનીભાઇ ઉર્ફે વેલાભાઇ રમેશભાઈ લાલુકીયા જાતે રાવળદેવ રહે. રામકૃષ્ણનગર મોરબી, જયદેવસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા (૩૫)રહે. ભડિયાદ મોરબી, વિમલભાઇ નટૂભાઇ કામળીયા જાતે રાવળદેવ (૨૭) અને સંદીપભાઇ રાજેશભાઈ બોડા જાતે રાવળદેવ (૨૦) રહે. બંને રામકો વિલેજ ઘૂટું તાલુકો મોરબી વાળાનો સમાવેશ થાય છે અને અગાઉ શનિભાઈ તેમજ જયદેવસિંહને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમાંથી શનિભાઈને જેલ હવાલે કરેલ છે જો કે, જયદેવસિંહના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને બાકીના બે આરોપીને પોલીસ દ્વારા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે


