મોરબીના વાવડી રોડ ઉપર લૂંટના ઇરાદે યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE
મોરબીના વાવડી રોડ ઉપર લૂંટના ઇરાદે યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબીના ખાનપર ગામે રહેતા યુવાન ઉપર મોરબીના વાવડી રોડ ખાતે વહેલી સવારના સમયે બે-ત્રણ ઈસમો દ્વારા લૂંટના ઇરાદે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસને જાણ થતા પોલીસે રાબેતા મુજબ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગોકુલ ફાર્મ પાસેથી નવઘણભાઈ બાબુભાઈ રગીયા જાતે રબારી (ઉંમર ૨૨) રહે.ખાનપર તા.જી.મોરબી વાળો તા.૧૫-૫ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં પસાર થતો હતો.ત્યારે બે-ત્રણ શખ્સોએ તેને અટકાવ્યો હતો અને છરી બતાવીને તેની પાસે રહેલ રોકડ પૈસા કે જે કંઈ હોય તે આપી દેવા જણાવ્યું હતું અને યુવાનને છરી બતાવવામાં આવી હતી.જોકે યુવાન પાસે કોઈ મોટી રોકડ રકમ ન હોય ગુસ્સે ભરાયેલા ઈસમો દ્વારા નવઘણભાઇ ઉપર છરી વડે છરકા મારી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.જેથી ઇજા પામેલ નવઘણભાઈ રબારીને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી એ ડિવિઝન પોલીસ મથકમાં યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બનાવની નોંધ કરી હતી અને તે દિશામાં આગળની તપાસ ચાલુ હોવાનું જાણવા મળે છે.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી મંદિર નજીક રહેતા જુસબભાઈ હાસમભાઈ ભટ્ટી નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલ અખાડા નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચી હતી. જેથી સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર બાદ પોલીસમાં જાણ કરાયેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ કરી હતી.
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા રોશનબેન મહેબુબભાઇ શાહમદાર નામના ૫૦ વર્ષીય આધેડ મહિલાએ કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે ફિનાઇલ પી લીધું હતું.જેથી સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને તેઓ ભાનમાં હોવાનું જાણવા મળેલ છે.હાલ હોસ્પિટલમાંથી યાદી આવતાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
નવોઢા દવા પી જતા સારવારમાં
જામનગરના જોડિયા તાલુકામાં આવેલા બોળકા ગામે રહીને મજૂરી કામ કરતા પરિવારના રૈનમબેન ફૈજુભાઈ મંગલિયાભાઈ બામણીયા નામની ૧૯ વર્ષીય પરણીતા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગઈ હતી.જેથી તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.તેનો લગ્નગાળો ચાર માસનો હોય બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને બનાવ સંદર્ભે જોડિયા પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.