હળવદના દેવીપુર ગામની સીમમાંથી છ ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરનાર ત્રિપુટી પકડાઇ
SHARE
હળવદના દેવીપુર ગામની સીમમાંથી છ ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરનાર ત્રિપુટી પકડાઇ
હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી પાણી ખેંચવા માટે થઈને ત્યાં ઈલેક્ટ્રીક મોટર ખેડૂતો દ્વારા મૂકવામાં આવી હોય છે તેમાંથી છ ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા ખેડૂતની ફરિયાદ લઈને પોલીસે ૬૦,૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં ચોરાઉ મુદ્દામાલ સાથે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાંથી પાણી ખેંચવા માટે થઈને ડીઝલ મશીન તથા ઇલેક્ટ્રીક મોટર ખેડૂતો દ્વારા મુકવામાં આવતી હોય છે તે મશીનરીની અવારનવાર ચોરી થતી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા અંબારામભાઈ પ્રભુભાઈ દલસાણીયા જાતે પટેલ (૫૪)એ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇલેક્ટ્રીક મોટરોની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, દેવીપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પાણી ખેંચવા માટે થઈને ફરિયાદીએ તથા અન્ય ખેડૂતોએ ત્યાં દેવીપુર ગામની સિમથી લઈને કડિયાણા ગામ સુધીના વિસ્તારમાં ઈલેક્ટ્રીક મોટરો મૂકેલ છે જેમાંથી છ ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરવામાં આવતા ૬૦ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થયેલ છે જેથી કરીને ભોગ બનેલા ખેડૂતે નોંધાવેલ ચોરીની ફરિયાદ આધારે આરોપીઓને પકડવા માટે હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી
ત્યારે હળવદની મોરબી ચોકડી પાસેથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી જેમાં ત્રણ શખ્સો બેઠેલા હતા અને તે ઇકો ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી ઈલેક્ટ્રીક મોટરો મળી આવતા ૬૦,૦૦૦ રૂપિયાની કિંમતની છ ઇલેક્ટ્રીક મોટરો તથા એક લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૧/૬૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવતા આ ઈલેક્ટ્રીક મોટરો તેણે હળવદ તાલુકાના દેવીપુર ગામેથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેથી કરીને પોલીસે આરોપી સંતોષભાઈ વેલજીભાઈ રાઠવા જાતે આદિવાસી (૩૦) રહે હાલ દેવીપુર ગામ દેવજીભાઈ જેરામભાઈની વાડીએ મૂળ રહે છોટાઉદેપુર, વિક્રમભાઈ પીમલાભાઈ રાઠવા જાતે આદિવાસી (૨૨) રહે. હાલ લખધીરપુર રોડ મોરબી મૂળ રહે. છોટાઉદેપુર અને બીસન સવલસિંહ કલેશ જાતે ભીલાળા (૨૮) રહે. હાલ લખધીરપુર રોડ મોરબી રહે એમપી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે