વાંકાનેરમાં ઘરમાંથી રોકડ-દાગીના મળીને 50,300 ના મુદામાલની ચોરી કરનાર આરોપી ઝડપાયો
મોરબી પાલિકામાં ભાજપના શાસકોએ અગાઉ ખોટી રીતે કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોની નાણાકીય રિકવરી કરવા કોંગ્રેસની માંગ
SHARE
મોરબી પાલિકામાં ભાજપના શાસકોએ અગાઉ ખોટી રીતે કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોની નાણાકીય રિકવરી કરવા કોંગ્રેસની માંગ
મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારે બાવને બાવન સભ્યો ભાજપના હતા તેમ છતાં પણ જે કામ જનરલ બોર્ડની બેઠકમાં ઠરાવ કર્યા બાદ કરાવવાના હોય તેવા રોડ રસ્તા,પેવર બ્લોક, ઓફિસ અને ઘરના રિનોવેશનાના કામ આપત્કાલિક્ન ગણીને આ કામ કલમ 45 (ડી) હેઠળ લઈને કરાવવામાં આવ્યા છે જે ખરેખર આ કલમ હેઠળ કરાવી ન શકાય અને તેની માહિતી આરટીઆઇ હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે માંગી હતી જેમાં પાલિકા કચેરી તરફથી જે માહિતી આપવામાં આવેલ છે તેમાં દર્શાવેલ કામોમાંથી મોટાભાગના કામ કલમ 45 (ડી) હેઠળ કરાવી શકાય નહીં તેમ છતાં પણ આવા કામ જે તે સમયની ભાજપની બોડીના સત્તાધીશો અને અધિકારી દ્વારા કરાવવામાં આવ્યા છે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જેથી આ રકમની રિકવરી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા કોંગેસના જિલ્લા પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ મોરબી મહાપાલિકાના કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, પાલિકામાંથી કલમ 45 (ડી) હેઠળ ન આવરી શકાય તેવા કામ ન માત્ર કરાવવામાં આવ્યા છે પરંતુ તેના બિલ પણ તાબડતોબ પાલિકાના સ્વભંડોળમાંથી ચૂકવી આપવામાં આવ્યા છે જેથી નીતિ નિયમોનો ઉલાળીયો કરીને કલમ 45 (ડી) હેઠળ જે પણ કામ ભાજપની બોડી દ્વારા કરાવવામાં આવ્યા છે તેની સંપૂર્ણ રીતે નાણાકીય રિકવરી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો પાલિકા કે જે હાલમાં મહાપાલિકા બની ગયેલ છે તેના અધિકારીઓ દ્વારા આ નાણાકીય રિકવરી કરવા માટે થઈને કોઈ નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આ મુદ્દે સ્થાનિક કોર્ટથી લઈને હાઇકોર્ટ સુધી જવા માટેની તૈયારીઓ કરવામાં આવશે.
સામાન્ય રીતે મોરબી નગરપાલિકા વિસ્તારમાં કોઈપણ જગ્યાએ વિકાસ કામ કરવાના હોય તો તેના માટે થઈને પાલિકાના જનરલ બોર્ડની અંદર ઠરાવ થાય અને તે ઠરાવની અમલીકરણના ભાગરૂપે જે તે વિસ્તારની અંદર રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ, પેવર બ્લોક, વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ ગટર વગેરે જેવા કામ કરાવવાના થતા હોય છે પરંતુ આવા કામ જનરલ બોર્ડનો ઠરાવ નહીં પરંતુ કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવ્યા છે જે પ્રજાના પૈસાનો ગેર વહીવટ કહેવાય તેમ છે આટલું નહીં પરંતુ મોરબી નગરપાલિકાના જે તે સમયના ચીફ ઓફિસરના બંગલાનું રિનોવેશન તથા તેની ઓફિસના રિનોવેશનના લાખો રૂપિયાના બિલ કલમ 45 (ડી) હેઠળ મંજુર કરવામાં આવ્યા છે. જેથી મોરબી પાલિકાના જે તે સમયના સત્તાધિશો દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કલમ 45 (ડી) હેઠળ ખોટી રીતે જે કામ કર્યા છે તે તમામ રૂપિયાની રિકવરી કરવામાં આવે તે જરૂરી છે.