FIR સામે અસંતોષ !: મોરબીના 602 જમીન કૌભાંડમાં મુખ્ય આરોપીઓને છાવરવાનો સ્થાનિક પોલીસ ઉપર ગંભીર આક્ષેપ, રાજ્ય પોલીસ વડાના વડપણ હેઠળ તપાસની માંગ
SHARE






FIR સામે અસંતોષ !: મોરબીના 602 જમીન કૌભાંડમાં મુખ્ય આરોપીઓને છાવરવાનો સ્થાનિક પોલીસ ઉપર ગંભીર આક્ષેપ, રાજ્ય પોલીસ વડાના વડપણ હેઠળ તપાસની માંગ
મોરબી શહેરમાં કરોડો રૂપિયાની કિંમતી જમીનનું ખોટા મરણના દાખલા, ખોટો વરસાઈ આંબો અને ખોટા આધાર પુરાવા ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા અને એક સરપંચ સામે ફરિયાદ નોંધાયેલ છે જો કે, ખેડૂત દ્વારા જે રજૂઆતો અને લેખિત ફરિયાદ કરવામાં આવેલ હતી તે મુજબની ફરિયાદ લેવામાં આવેલ નથી જેથી કરીને આરોપીઓને છાવરવા, બચાવવા અને ભોગ બનેલા ખેડૂતની ફરીયાદને રફે દફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવો ગંભીર આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ છે. અને હાલમાં જે ફરિયાદ લેવામાં આવેલ છે તેમાં મોરબીના પોલીસ અધિક્ષકની ભૂમિકા સામે પણ સવાલો ફરિયાદીએ ઉઠાવ્યા છે. અને મોરબીના પોલીસ અધિક્ષકના તાબા હેઠળ આ કૌભાંડની તટસ્થ તપાસ થશે તેવો ફરીયાદીને વિશ્વાસ નથી. માટે રાજ્યના પોલીસ વડાના સીધા વડપણ હેઠળ આ જમીન કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ ભોગ બનેલ ખેડુતે કરેલ છે.
મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા મોરબી જિલ્લાના મોરબીના પોલીસ અધિક્ષક અને એ ડિવિઝનના પીઆઇને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. જેની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્ય પોલીસ વડા, સીઆઇડી અને રેન્જ આઇજીને મોકલાવવામાં આવેલ છે અને આ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ફરિયાદીની વડીલોપાર્જિતી જમીન વજેપર ગામના સર્વે નં. 602 માં આવેલ છે અને તેમાં ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે જેના માટે થઈને તેઓ ગત જાન્યુઆરી મહિનાથી સ્થાનિક લેવલેથી લઈને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆતો કરી રહ્યા છે અને ગત શનિવારે તાબડતોબ તેઓની ફરિયાદ લેવામાં આવી હતી જો કે, આ ફરિયાદ તેઓના લખાવ્યા મુજબ અને તેઓની અરજી તેમજ રજુઆતોને ધ્યાને લઈને કરવામાં આવેલ તપાસના રિપોર્ટને ધ્યાને લઈને લેવામાં આવેલ નથી અને ખરા આરોપીઓને છાવરવાનો, બચાવવાનો અને ભોગ બનેલા ખેડૂતની ફરીયાદને રફે દફે કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે તેવો ગંભીર આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ છે.
હાલમાં જે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેઓની વડીલોપાર્જિત જમીન વજેપર ગામના સર્વે નં. 602 માં આવેલ અને તેઓના મરણ ગયેલ પિતાનું ખોટુ પેઢીનામુ, ખોટા મરણના દાખલા બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને ખોટા વારસદાર બનીને કિંમતી ખેતીની જમીન પચાવી પાડવા માટેનો પ્રયાસ કરવામાં આવેલ છે. આ કૌભાંડ માટે પહેલા જ દિવસથી જે જે અરજીઓ કરવામાં આવેલ છે તેમાં મોરબીના પ્રાંત અધિકારી સહિતનાઓની નામ જોગ રજૂઆતો કરવામાં આવી રહી છે. તો પણ ફરિયાદમાં માત્ર અભણ મહિલા અને સરપંચ સિવાય કોઈના નામ લખવામાં આવેલ નથી..! જેથી ફરિયાદીએ ઉચ્ચ કક્ષાએ કરેલી લેખીત રજુઆતમાં સ્થાનીક પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યુ છે કે, મોરબી પોલીસ તંત્ર તરફથી ગુનાના આરોપીઓની સાથે સતત મેળાપીપણુ હોય તે રીતે ફરીયાદ વાળી અરજીના બે માસ સુધી ગુનેગારોને સંપૂર્ણ રીતે બચાવવામાં અને મદદ કરવામાં જ પોલીસ તંત્રને રસ હોય તેવી કામગીરી કરવામાં આવી હતી. જેથી ના છૂટકે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સુધી રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે બાદ પણ મોરબીમાં પોલીસ તંત્ર સતત નિષ્ક્રિય રહેતા નાછૂટકે હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન નં.૩૮૯૧/૨૦૨૫ થી દાખલ કરીને વિવિધ દાદ માંગવામાં આવેલ છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, હાલમાં જે તાબડતોબ ફરિયાદ લેવામાં આવેલ છે. તેમાં આ જમીન કૌભાંડના મુખ્ય સુત્રધાર સહિતની ટોળકી તેમજ જમીન ખરીદનાર સહિતના જેટલા પણ લોકોમાં આમાં સંડોવાયેલ છે. તે તમામને બચાવવા, તેમજ ફરિયાદીએ હાઇકોર્ટમાં કરેલ પીટીશનને નિર્થક કરવા અને જીલ્લા પોલીસ વડાનો લુલો બચાવ ઊભો કરવા માટે રાતો રાત તા.15/3/25 ના રોજ ફરીયાદ લેવામાં આવેલ છે. જો કે, ફરિયાદીએ એવો ગંભીર આક્ષેપ કરેલ છે કે તેઓની અરજીઓ, ફરીયાદ અને રજુઆત મુજબની ફરિયાદ લેવામાં આવેલ નથી અને આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોના નામ ફરિયાદમાં લેવામાં આવેલ નથી. જેથી તેઓની અરજી, ફરિયાદ અને રજૂઆતોને ધ્યાને લઈને હાલમાં કરવામાં આવેલ ફરિયાદમાં જરૂરી સુધારા કરવામાં આવે અને તેની જાણ ફરિયાદીને કરવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં હાઇકોર્ટમાં હાલની ફરિયાદ બાબતે ફરિયાદી દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
વધુમા ભોગ બનેલ ખેડુત દ્રારા કરવામાં આવેલ હાલની લેખીત રજૂઆતમાં લખેલ છે કે, તેઓની અગાઉ કરેલ લેખીત રજુઆત અને ફરીયાદની તપાસ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પહેલા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાને આપવામાં આવી હતી અને તેઓ યોગ્ય રીતે કૌંભાડના મૂળ સુધી તપાસ કરી રહ્યા હતા અને ફરિયાદીની ફરીયાદ મુજબની ફરીયાદ નોંધાઈ તેમ હતી તે પહેલા જ આ તપાસ ગત તા.14/2/25 ના રોજ ડીવાયએસપી ઝાલા પાસેથી લઈને અન્ય અધિકારીને સોંપી દેવામાં આવેલ છે..! (કોઇપણ કારણ દર્શાવ્યા વગર) જેથી આ સમગ્ર કૌભાંડને છાવરવામાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની ભૂમિકા શંકાસ્પદ જણાઇ રહી છે. તેવું ફરિયાદીએ હાલમાં કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે. અને આ જમીન કૌભાંડની તપાસ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના તાબા નીચે તટસ્થ રીતે થશે તેવો ફરીયાદીને વિશ્વાસ નથી. તેથી આ કૌંભાડની તપાસ રાજય પોલીસ વડાના વડપણ હેઠળ કરાવવામાં આવે અને એસએમસી જેવી સ્વતંત્ર તપાસ એજન્સીને આ જમીન કૌભાંડની તપાસ સોંપવામાં આવે તેવી માંગ ભોગ બનેલા ખેડુતે કરેલ છે.

