ટંકારાના ડેમી-1 ડેમ ઉપર મુકાયેલ 17 ફ્યુઝ ગેટ તૂટી ગયા બાદ એક વર્ષ પણ રીપેર ન કર્યા ?: ખેડૂતોને સિંચાઇના પાણી માટે હેરાન થવું પડે તેવા સંકેત
SHARE









ટંકારાના ડેમી-1 ડેમ ઉપર મુકાયેલ 17 ફ્યુઝ ગેટ તૂટી ગયા બાદ એક વર્ષ પણ રીપેર ન કર્યા ?: ખેડૂતોને સિંચાઇના પાણી માટે હેરાન થવું પડે તેવા સંકેત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ડેમી-1 ડેમ આવેલો છે અને આ ડેમ ઉપર વર્ષો પહેલા ફ્રાન્સની ટેકનોલોજીના ફ્યુઝ ગેટ મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 17 ગેટ એક વર્ષ પહેલા તૂટી ગયા છે તો પણ તેને આજની તારીખે રીપેર કરવામાં આવ્યા નથી જેથી ડેમ તેની ફૂલ સપાટી સુધી ભરાશે નહીં તે નિશ્ચિત છે અને લગભગ 210 એમસીએફટી જેટલો પાણીનો જળ જથ્થો ઓછો ડેમમાં સ્ટોરેજ થશે. જેથી ખેડૂતોને શિયાળુ પાક લેવામાં સિંચાઈનું પાણી મેળવવામાં હાલાકીનો સામનો કરવો પડેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
મોરબી જિલ્લામાં કુલ 10 સ્થાનિક જળાશયો આવેલા છે અને તેમાંથી મચ્છુ-1, મચ્છુ-2, બ્રાહ્મણી-1 અને બ્રાહ્મણી-2 ડેમમાંથી લોકોને પીવા માટે પાણી મળે છે જો કે, તમામ ડેમમાંથી ખેડૂતોને સમયાંતરે સિંચાઈ માટેનું પાણી પણ આપવામાં આવે છે. જો ટંકારા તાલુકાની વાત કરીએ તો ટંકારા તાલુકામાં ડેમી-1, 2 અને 3 તથા બંગાવડી ડેમનો સમાવેશ થાય છે જેમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે જો કે, ડેમી-1 ડેમમાં વર્ષો પહેલા મૂકવામાં આવેલા ફ્રાન્સ ટેકનોલોજીના ફ્યુઝ ગેટમાંથી 17 ગેટ ગત વર્ષે ચોમાસા દરમ્યાન ભારે વરસાદના લીધે તૂટી પડ્યા હતા જેને રીપેર કરવામાં આવ્યા નથી જેથી આ વર્ષે ચોમાસા દરમિયાન આ ડેમ ઓવરફ્લો થાય તો પણ તેની પૂર્ણ સપાટી સુધી ડેમમાં પાણી સંગ્રહિત થશે નહીં જેથી કરીને ખેડૂતોને સિંચાઈના પાણી માટે હાલાકીનો સામનો કરવો પડશે. તેવું દેખાઈ રહ્યું છે. તેમ મિતાણાના ખેડૂત અમરશીભાઈ ગજેરાએ જણાવ્યુ છે.
મિતાણા ગામના મહિલા સરપંચના પતિ મયુરભાઈ દેવડાએ જણાવ્યુ હતું કે, ટંકારાના મીતાણા, હરબટીયાળી, હરીપર, કલ્યાણપર, નાના ખીજડીયા, સરાયા, મોટા ખીજડીયા, નેસડા, હીરાપર, લખધીરગઢ, જબલપુર સહિતના કુલ 13 ગામોમાં ડેમી-1 ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી ખેડૂતોને આપવામાં આવતું હોય છે આ ડેમની કુલ ઊંચાઈ 23 ફૂટની છે. જેમાંથી હાલ ડેમની અંદર 11 ફૂટ પાણી ભરેલું છે. પરંતુ ચોમાસા પછી આ ડેમમાંથી જે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે છે તેને હાલાકીનો સામનો કરવો પડે તે નિશ્ચિત છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, ડેમના જે ફ્યુઝ ગેટ તૂટી ગયા છે તે જગ્યા ઉપર પાણી રોકી શકાય તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી આગામી સમયમાં ડેમ તેની પૂર્ણ સપાટીએ કયારે ભરાશે તે હાલમાં કોઈ કહી શકે તેમ નથી.
મિતાણાના સ્થાનિક આગેવાન વસંતભાઇ સંઘાણીએ જણાવ્યુ હતું કે, ગત વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ થયો હતો અને ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારે આ ડેમ ઉપર મૂકવામાં આવેલા ફ્યુઝ ગેટમાંથી 17 ગેટ પડી ગયા હતા ત્યારબાદ તેને રીપેર કરવામાં આવ્યા નથી. જો આ તૂટી ગયેલા ફ્યુઝ ગેટને રીપેર કરવામાં ન આવે તો ડેમ તેની કુલ જળ સપાટી સુધી ભરાઇ શકે છે પરંતુ તૂટી ગયેલા ગેટને રીપેર કર્યા જ નથી ડેમના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોએ પોતાના ખેતરમાં જે શિયાળુ પાકનું વાવેતર કર્યું હોય તે પાક માટે સિંચાઈનું પાણી મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
ડેમી-1 ના મદદનીશ ઇજનેર એસ.વી.કડીવાર પાસેથી મળતી માહિતી મુજબ આ ડેમ ઉપર કુલ 135 ફ્યૂઝ ગેટ છે જેમાંથી 17 ગેટ વર્ષ 2024 માં આવેલ વરસાદના લીધે તૂટી પડ્યા છે ત્યાર બાદ ફ્યુઝ ગેટ રીપેર કરવામાં આવેલ નથી જો આ ડેમ ઉપર ફ્યૂઝ ગેટ હોય તો ડેમમાં 780 mcft પાણી સમાઈ છે પરંતુ તે ગેટ ન હોવાથી 210 mcft પાણી ઓછું સ્ટોર થશે જેથી આ વર્ષે ડેમમાં માત્ર 570 mcft પાણી સંગ્રહિત થશે. અને આગામી સમયમાં આ ડેમ ઉપરથી ફ્યુઝ ગેટ હટાવીને ત્યાં આરસીસીની વોલ બનાવવા માટેનું આયોજન ચાલી રહ્યું છે અને સરકારમાંથી તેની મંજૂરી મળી ગયા બાદ કામ શરૂ કરવામાં આવશે.
ફ્રાન્સ ટેકનોલોજીના ફ્યૂઝ ગેટથી શું ફાયદો
મોરબી જિલ્લામાં 10 ડેમ આવેલા છે તે પૈકીના બંગાવડી અને ડેમી-1 ડેમ ઉપર ફ્રાન્સ ટેકનોલોજીના ફ્યૂઝ ગેટ વર્ષો પહેલા મૂકવામાં આવ્યા હતા અને ગેટના લેવલ સુધી પાણી ભરાય ત્યાં સુધી પાણી તેમાં સ્ટોર રહે પરંતુ જો ગેટથી ઉપર પાણીનો પ્રવાહ પસાર થાય તો તે ગેટ પડી જાય અને ડેમને નુકશાન ન થાય તે રીતે પાણી નદીમાં વહી જતું હોય છે.
સરકારી કામ ગોકળગતીએ જ થાય
સરકારી કામ ગોકળગતીએ થાય તેવું કહીએ તો તેમાં શંકા ને કોઈ સ્થાન નથી કારણ કે એક વર્ષ પહેલા ડેમી-1 ડેમના ફ્યુઝ ગેટ પૈકીના 17 ગેટ તૂટી ગયા છે અને તે ગેટને રીપેર કરવા માટેની હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આરસીસી વોલ બનાવવા માટેની દરખાસ્ત કરી છે જો કે, સરકારમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા સહિતનું કામ હજુ ચાલી રહ્યું છે ત્યારે વોલ કયારે બનશે અને ડેમ પાછો તેની પૂર્ણ સપાટી સુધી કયારે ભરશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.
