મોરબીના યુવાન સાથે શેર બજારમાં રોકાણના નામે 86.25 લાખની ઠગાઇના ગુનામાં મહેસાણા જિલ્લાના 3 શખ્સની ધરપકડ
SHARE
મોરબીના યુવાન સાથે શેર બજારમાં રોકાણના નામે 86.25 લાખની ઠગાઇના ગુનામાં મહેસાણા જિલ્લાના 3 શખ્સની ધરપકડ
મોરબીની ઉમાટાઉનશીપમાં રહેતા યુવાને શેર બજારમાં રોકાણ કરીને વધુ નફો કરાવી દેવાની ચાર શખ્સો દ્વારા લાલચ આપવામાં આવી હતી અને નાની રકમનું રોકાણ કરાવીને તેમાં વધુ નફો કરાવ્યો હતો ત્યાર બાદ મોટી રકમનું રોકાણ કરાવવા માટે આંગડિયા પેઢી મારફતે તથા યુપીઆઈ અને બેંક ટ્રાન્જેક્શનથી 86,25,950 રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને યુવાન સાથે ઠગાઈ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ઠગાઇ કરીને મેળવેલ રકમની 100 ટકા રિકવરી કરવામાં આવેલ છે. અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે.
મોરબીની ઉમા ટાઉનશિપમાં આવેલ ગુંજન હોમ્સમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઇ વરમોરા (45) એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે રોહિતકુમાર, લલિતભાઈ, સાગર પટેલ અને નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના દીકરાને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો ચારેય આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી ત્યાર બાદ આરોપી રોહિતભાઈ, લલિતભાઈ અને સાગર પટેલે માધવભાઈ શેઠના એજન્ટ બની ફરિયાદીના દીકરાને ફોન કરી શરૂઆતમાં નાની નાની રકમનું સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવીને રૂપિયા 9400 નો નફો કરાવ્યો હતો અને ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરવા ફરિયાદીના દીકરા પાસેથી અલગ અલગ યુપીઆઈ અને બેંક ટ્રાન્જેક્શન મારફતે 4,87,350 તથા આંગડિયા પેઢી મારફતે આરોપી નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના શખ્સને હિંમતનગર ખાતે પીએમ આંગડિયામાં 81,48,000 આમ કુલ મળીને 86,25,950 ની રકમ ચારેય આરોપીઓ દ્વારા મેળવી લેવામાં આવી હતી અને ત્યારબાદ ફરિયાદીના દીકરા સાથે ઠગાઈ કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સાયબર ક્રાઈમનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. અને હાલમાં 3 આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે.
મોરબીના એસપી મુકેશ પટેલની ગુનાના ડિટેકશન બાબતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, ડીવાયએસપી વિરલ દલવાડીના માર્ગદર્શન હેઠળ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટીમે ઠગાઇના આ ગુનામાં આરોપી નિતીન બળદેવભાઈ રબારી (25) રહે. કમાલપુર જિલ્લો મહેસાણા, ભલાભાઈ લાલાભાઈ રબારી (49) રહે. કમાલપુર જિલ્લો મહેસાણા અને કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોર (25) રહે. હિરાપુરા (નળુ) જિલ્લો મહેસાણા વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ દ્વારા શેર બજારમાંથી વધુ નફો કરી આપવાનું કહીને ફરિયાદી પાસેથી 86,25,950 રૂપિયા મેળવી લેવામાં આવેલ હતા અને જો કે, ફરિયાદી ઠગાઈની ફરિયાદ કરતાં 25,25,950 રૂપિયા જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં ફ્રીઝ થઈ ગયા હતા અને પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા 61 લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે આમ ગુનાના ડિટેકશન સાથે પોલીસે 100 ટકા રકમની રિકવરી પણ કરેલ છે. હવે આરોપીઓના રિમાન્ડ લેવા માટે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.









