માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક
SHARE
માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક
માળીયા (મી)ના વીર વિદરકા ગામે વર્ષોથી જે જગ્યા ઉપર ગરબી થાય છે તે રામજી મંદિરના ચોકમાં રસ્તા ઉપર આડી દિવાલ કરીને દબાણ કરવામાં આવ્યું છે આ દબાણને દૂર કરવા માટે સોમવારે ડીમોલેશન કરવાનું હતું જો કે, અધિક વિકાસ કમિશનર દ્વારા છેલ્લી ઘડીએ ડિમોલેશનની કામગીરી ઉપર બ્રેક લગાવવામાં આવી છે જેથી બંને પક્ષેના લોકો ડીડીઓ પાસે રજૂઆત કરવા માટે પહોચી ગયા હતા. જો કે, નવરાત્રી ગરબી ચોકમાં થયેલ દબાણ દૂર થશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.
માળીયા (મી) તાલુકાનાં વીર વિદરકા ગામે સોમવારે દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા ડિમોલેશન કરવાનું હતું પરંતુ તંત્ર મશીનરી સાથે ત્યાં પહોચે તે પહેલા ડિમોલેશનની કામગીરી ઉપર છેલ્લી ઘડીએ અધિક વિકાસ કમિશનર દ્વારા બ્રેક લગાવવામાં આવી હતી જેથી ગામના મહિલા સરપંચ તેમજ ચૂંટાયેલા સભ્યો અને ગામના આગેવાનો સહિતના લોકો ડીડીઓને રજૂઆત કરવા માટે મોરબી જિલ્લા પંચાયત કચેરીએ પહોચી ગયા હતા. આ બાબતે બટુકદાન ગઢવીએ જણાવ્યું હતું કે, તેઓના ગામમાં વર્ષોથી જે જગ્યા ઉપર ગરબી થાય છે ત્યાં રામજી મંદિર ચોક પાસે રોડ ઉપર દીવાલ બનાવીને રસ્તો બંધ કરી દેવામાં આવેલ છે અને જે જગ્યા માલીકીની હોવાનું કહેવામા આવે છે તે જગ્યાએ પંચાયત બોડી દ્વારા જુદા જુદા સમયે ઠરાવ કરીને આરસીસી રોડ, પાણી અને ભૂગર્ભની પાઇપલાઇન તેમજ વીજ કંપનીએ વીજપોલ ઊભા કરેલ છે. જેથી ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવા માટે દબાણ કરનારને ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે છતાં પણ દબાણ દૂર કર્યું નથી. આટલું જ નહીં પરંતુ ગ્રામ પંચાયતના તલાટી તથા ટીડીઓ દ્વારા કરવામાં આવેલ તપાસના રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ દબાણ હોવાનું લખવામાં આવ્યું છે તો પણ છેલ્લી ઘડીએ ડિમોલેશન રોકીને ગામની ધાર્મિક લાગણી દુભાઈ તેવી કાર્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી મહિલા સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોએ ડીડીઓને નવરાત્રિ પહેલા ગરબી ચોકનું દબાણ દૂર કરવા માટે રજૂઆત કરી છે.
જ્યારે સામાપક્ષેથી કુલદીપદાન ભરતદાન ગઢવીએ એવી રજૂઆત કરી છે કે, જે જગ્યા ઉપર દબાણની વાત કરવામાં આવે છે તે જગ્યા અમારા વડવાઓને જામ રાવલ તરફથી વર્ષો પહેલા આપવામાં આવી હતી અને આ અમારી કાયદેસરની જગ્યા છે જો કે, પંચાયતને આ જગ્યા જોઈતી હોય તો સંપાદન કરીને લઈ શકે છે પણ અમારી પાસેથી પડાવી શકશે નહીં. અમે કોર્ટમાં મેટર મૂકી છે અને આગામી તા. 13 ના રોજ તેનું હિયરિંગ છે ત્યારે કોર્ટ જે કહેશે તે અમે માન્ય રાખશું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયત દ્વારા દબાણ માટે 3 નોટિસ આપવામાં આવે, તલાટિ અને ટીડીઓના રિપોર્ટમાં દબાણનો ઉલ્લેખ છે તો પણ જેને દબાણની નોટિસો આપવામાં આવી હોય તે પાર્ટી દ્વારા કોર્ટ મેટર બાબતે અધિક વિકાસ કમિશનરમાં રજૂઆત કરવામાં આવે તો ગ્રામ પંચાયતને સાંભળ્યા વગર અધિક વિકાસ કમિશનર દ્વારા હાલ કોર્ટ માટે હોવાથી ડિમોલેશન ઉપર બ્રેક લગાવી દેવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે ? આવા અનેક સવાલો હાલમાં ઉઠી રહ્યા છે.









