ટંકારા પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની રજૂઆતોની શાસકોએ કરી અવગણના
SHARE
ટંકારા પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની રજૂઆતોની શાસકોએ કરી અવગણના
ટંકારા નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા લોકોના પ્રશ્નોને લઈને રજૂઆતો કરવામાં આવી હતી જેની પ્રમુખે અવગણના કરી હતી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે.
ટંકારા નગરપાલિકા ખાતે યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા નગરના વિવિધ પ્રશ્નો અને પ્રજાને લગતા મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિપક્ષના નેતા ગોપાલભાઈ હઠાભાઈ દ્વારા નગરના હિતને લગતા પ્રશ્નો રજૂ કરી તેનો યોગ્ય જવાબ અને નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને સત્તાધારી પક્ષ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સાંભળવામાં આવી ન હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે અને આ સામાન્ય સભાની કાર્યવાહી ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. લોકશાહીમાં વિપક્ષનો અવાજ સાંભળવો અને નગરના પ્રશ્નો પર ચર્ચા કરવીએ ચૂંટાયેલી સંસ્થાની જવાબદારી છે. સામાન્ય સભા માત્ર ઔપચારિકતા પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ચર્ચાનું યોગ્ય મંચ બનવું જોઈએ. તેવું કોંગ્રેસનાં એગવાને જણાવ્યુ છે અને કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતો રહેશે અને ટંકારા શહેરના નાગરિકોના હિત માટે પોતાની લડત ચાલુ રાખશે તેવું પાલિકના કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોએ જણાવ્યુ છે.