મોરબીના રંગપર નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર આઇસર ટેન્કરના ચાલકની ધરપકડ
SHARE
મોરબીના રંગપર નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર આઇસર ટેન્કરના ચાલકની ધરપકડ
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીક આઇસર ટેન્કરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જો કે, અકસ્માત સર્જીને આઇસર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને નાસી ગયો હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયાના રહેવાસી અને હાલમાં મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા દિનેશભાઈ ઉર્ફે દેવજીભાઈ ધીરુભાઈ પરમાર (૨૫) નામના યુવાને આઇસર ટેન્કર નંબર જીજે ૩૬ ટી ૬૭૧૩ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનો ભાઈ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ લાર્સન સિરામિક સામેથી પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એ ૨૮૩૮ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇસરના ચાલકે તેના બાઈકને હડફેટ લીધું હતું જેથી ફરિયાદીના ભાઈ મનોજભાઈ ઉર્ફે મયુરભાઈ ધીરુભાઈ પરમાર (૨૪)ને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને આ યુવાનને માથા તથા પગના ભાગે ગંભીર ઇજા હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જોકે, અકસ્માત સર્જીને આઇસર ટેન્કરનો ચાલક સ્થળ ઉપર જ પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈ દિનેશભાઈ ઉર્ફે દેવજીભાઈ પરમાર દ્વારા ટેન્કર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટેન્કર ચાલકની સામે ગુનો નોંધીને આરોપી દીપકભાઈ ભુરજીભાઈ રાવત જાતે આદિવાસી (૩૧) રહે. હાલ બેલા ગામની સીમમાં રોમેસ્ટ કારખાનાના લેબર ક્વાર્ટર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ઝીકીયારી ગામના રહેવાસી શારદાબેન સવજીભાઈ (ઉમર ૬૦) ને ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રે મધુરમ હોસ્પિટલે ખસેડાયા હતા જાણવા મળતી વિગતો મુજબ તેઓ બાઈકના પાછળના ભાગે બેસીને ગામમાંથી જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત થવાથી તમને સારવાર માટે મોરબી લવાયા હતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી આ સંદર્ભે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમોલા સીરામીકમાં રહેતા અને મજુરીકામ કરતા રાધેશ્યામ પાંડે (ઉમર ૨૫) નામના યુવાનને ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.









