મોરબીના ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, ગુનો નોંધાતા તપાસ શરૂ
મોરબીમાં તનિષ્કના શોરૂમના મેનેજર સહિતના પાંચ કર્મચારીઓ દ્વારા ૧.૫૬ કરોડની ઉચાપત: સ્ટાફે દાગીના જુદીજુદી ફાયનાન્સ પેઢીમાં મૂકીને લીધી ગોલ્ડ લોન ! : ચારની ધરપકડ
SHARE
મોરબીમાં તનિષ્કના શોરૂમના મેનેજર સહિતના પાંચ કર્મચારીઓ દ્વારા ૧.૫૬ કરોડની ઉચાપત: સ્ટાફે દાગીના જુદીજુદી ફાયનાન્સ પેઢીમાં મૂકીને લીધી ગોલ્ડ લોન ! : ચારની ધરપકડ
મોરબીમાં રામચોક પાસે ટાટા કંપનીના સોનાના ઘરેણા માટેની તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો રૂમ આવેલ છે તેમાં કામ કરતાં મેનેજર, બૂટિક સેલ્સ ઓફિસર, બે રિટેલ સેલ્સ ઓફિસર અને એક કારીગરે મળીને સ્ટોકમાં ગોલમાલ કરીને શોરૂમના ભાગીદારો અને કંપનીની જાણ બાહર ત્યાંથી સોનાના દાગીના બહાર લઈ જઈને જુદીજુદી ફાયનાન્સ પેઢીમાંથી ગોલ્ડ લોન લીધી હોવાનું સામે આવ્યું છે..! તેમજ ગ્રાહકોને ખોટી રિસીપ આપેલ છે અને કંપની દ્વારા શોરૂમમાં ઓડીટ કરવામાં આવે ત્યારે આ આરોપીઓ પકડાઈ નહીં તે માટે ઓડિટમાં પણ ગોલમાલ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.જેથી કરીને હાલમાં શોરૂમના એક ભાગીદારે તેના જ મેનેજર સહિતના પાંચ કર્મચારીઓની સામે ૧,૫૬, ૧૪,૦૦૦ ની ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલ ચાર આરોપીઓની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી રવાપર લીલાપર રોડ પ્લેટીનીયમ હાઈટસ બ્લોક નંબર ૩૦૨ માં રહેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયા જાતે પટેલ (૫૪) એ હાલમાં હરીભાઇ જયંતીલાલ ભટી રહે. પંચાસર રોડ શીવ સોસાયટી મોરબી, ધવલ અલ્પેશભાઇ પટની રહે.ગ્રીનચોક પાસે મોરબી, આશીષ ગુણવંતભાઇ રહે.મોરબી, ઇરફાન સાદીકભાઇ વડગામા રહે.વાવડી રોડ રામપાર્ક-૧ સલીમ મસ્જીદ પાસે મોરબી અને ભાવનાબેન પ્રેમજીભાઇ સોલંકી રહે.સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટી મોરબી-૨ ની સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે અને રોનકભાઈ બાલકૃણભાઈ ભાચાણીની ભાગીદારીમાં ટાટા કંપનીના સોનાના ઘરેણા માટેની તનિષ્ક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીનો શો-રૂમ મોરબીમાં રામચોક પાસે આવેલ છે જેમાં મેનેજર તથા તેમા કામ કરતા સ્ટાફને શો રૂમના સોનાના દાગીના વેચવાની જવાબદારી સોપેલ હતી.
આ શો રૂમમા મેનેજર તરીકે હરીભાઇ જયંતીલાલ ભટીની સ્ટોકની જવાબદારી હતી.બુટીક સેલ્સ ઓફીસર તરીકે ધવલ અલ્પેશભાઈ પટની છે તેની સ્ટોક ઇન આઉટ કરવાની જવાબદારી છે.તેમજ રીટેલ સેલ્સ ઓફીસર ઈરફાન સાદીકભાઈ વડગામાં અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી કે જે બંને ગ્રાહકને ઘરેણા બતાવે અને સેલ્સ કરીને બિલ બનાવડાવવાની જવાબદારી તેઓની છે અને શો રૂમમા ઘરેણાનું રીપેરીંગનુ કામ આશીષ ગુણવંતભાઇ કરતાં હતા જો કે, તા ૨/૪/૨૪ ના રોજ આ શો-રૂમમાં મેનેજરની જે જગ્યા ખાલી હતી ત્યાં રાજકોટથી પરીમલભાઈને મેનેજર તરીકે મૂકવામાં આવ્યા હતા અને તેને સ્ટોક ટેલિ કરવા માટે કહ્યું હતું ત્યારે ફરિયાદીના ભાગીદાર ત્યાં આવ્યા હતા ત્યારે સ્ટોરના સ્ટોકની સાથે સીસ્ટમના સ્ટોકના આંકડા મળતા ન હતા જેથી ડીટેઈલમા તપાસતા સી.સી.ટી.વી. ફુટેજમા શોરૂમના ફ્લોર મેનેજર હરીલાલ જયંતીલાલ ભટી એક પ્રોડકટ કે, જે સીસ્ટમમાં ચડાવેલ ન હતી અને તે પ્રોડકટ ફલોર ઉપર ટ્રેમાં શંકાસ્પદ રીતે નજર ચુકવીને રાખતા જોવામાં આવ્યા હતા.
ત્યારબાદ આરોપી ધવલ અલ્પેશભાઇ પટની અને મેનેજર હરીલાલ જયંતીલાલ ભટીને ફરિયાદી અને તેના ભાગીદાર દ્વારા પુછપરછ કરવામાં આવતા તેઓએ ઘણો બધો સ્ટોક કંપની અને માલીકની જાણ બહાર સ્ટોરની બહાર લઈ ગયેલ છે.તેવુ સ્વીકારેલ હતું આ તમામ ગોટાળામાં સ્ટોરના કારીગર તરીકે કામ કરતા આશીષ ગુણવંતભાઇ તથા સ્ટોરના સેલ્સ સ્ટાફ તરીકે નોકરી કરતા ઇરફાન સાદીકભાઈ વડગામાં અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી પણ સામેલ છે.તેવુ સામે આવ્યું હતું.જેથી કરીને કંપનીને જાણ કરી હતી અને ત્યાંથી ઓડિટ આવ્યું હતું અને ઘરેણાની ગણતરીમાં કુલ-૧૦૪ નંગ ઘરેણાં જેની કિંમત ૨,૫૩,૧૧,૦૦૦ થાય છે તે ગાયબ થઈ ગયેલ હતા..! જેમની ઉચાપત સ્ટોરના કર્મચારીઓએ જ કરેલ છે.જેથી તેના વિષે સ્ટોરના મેનેજર હરીલાલ જયંતીલાલ ભટીને પૂછાતા તેણે કહ્યું હતું કે પોતે મુથુટ ફાઈનાન્સ, આઇ.આઇ.એફ.એલ ફાઈનાન્સ તથા ફેડ બેન્કમા ઘરેણા આપેલા છે અને તેની સામે તેની પર્સનલ લોન લીધેલ હતી..! જે તમામ ફાઈનાન્સ કંપનીમાથી ઘરેણાં છોડાવવા રૂા.૨૯,૨૧,૯૯૯ ફરિયાદીએ આપવા પડયા હતા.( ખાતર ઉપર દીવો) તેમજ ઇરફાન વડગામાએ પણ મુથુટ ફાઇનાન્સમા ઘરેણા આપેલા અને તેની સામે તેની પર્સનલ લોન લીધેલ હતી.જે ઘરેણાં છોડાવવા રૂા.૧૩,૭૫,૦૦૦ ફરિયાદી આપેલ હતા..! આમ કુલ મળીને ૩૧ ઘરેણા જેની કિંમત આશરે ૯૮,૧૨,૫૮૨ થાય છે આટલું જ નહીં આ કર્મચારીઓની પ્રાથમિક પુછપરછમાં તેને ઘણા ઘરેણાના રૂપીયા ગ્રાહક પાસેથી લઈને કંપનીમાં જમા કરાવેલ નથી. તેમજ ગ્રાહકોના ગોલ્ડન હાર્વેસ્ટર પ્લાનના પૈસા લઈ પોતે વાપરી નાખેલ છે..! અને અમુક ગ્રાહકોને સોનાના ઘરેણાના ખોટા સર્ટી પણ આપેલ હોવાનુ સામે આવ્યું છે..!
છેલ્લા અમુક સમયના સ્ટોરના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા માલુમ પડયુ કે આ કર્મચારીઓએ ઘરેણા તથા રૂપીયા પોતે જ કંપની અથવા સ્ટોરના માલીકને જાણ કર્યા વગર લઇ ગયેલ હતા અને તેઓએ ઉચાપતની રકમ ભરપાઈ કરી આપશુ તેવું ફરિયાદીને જણાવ્યુ છે અને તા.૪/૪/૨૦૨૪ ના રોજ આ તમામ આરોપીઓએ લેખીતમાં તેમના દ્રારા ઘરેણા તથા રૂપીયાની ઉચાપત કરેલ છે. તેવુ સૌગંધનામાંથી સ્વીકારેલ છે.અત્રે ઉલેખનીય છે કે, કંપની દ્વારા ઓડીટ કરવામાં આવે ત્યારે આ આરોપીઓ પકડાઈ નહીં તેના માટે ઓડિટમાં પણ ગોલમાલ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે અને થર્ડ પાર્ટી ઓડીટ દરમ્યાન સ્ટોકની ગણતરી સમયે થર્ડ પાર્ટી ઓડીટર આંખ આડા કાન કરી રહયા હોય તેવુ સીસીટીવીમાં જોવા મળેલ છે.જેથી કરીને અન્ય થર્ડ પાર્ટી રીંકુ ભાટીયા ઉપર પણ ફરિયાદીએ શંકા કરેલ છે કેમ કે તા.૩/૨/૨૦૨૪ ના રોજ થયેલ થર્ડ પાર્ટી ઓડીટમા સ્ટોકમેળ અને ગણતરી મળી ગયેલ હતી તેવો રીપોર્ટ રીંકુ ભાટીયાએ આપેલ છે અને હિરલ કનોજીયા દ્રારા તા.૨૦/૯/૨૦૨૩ તથા તા.૨૮/૧૨/૨૦૨૨ ના રોજ થયેલ ઓડીટમા સ્ટોકમેળ અને ગણતરી મળી ગયેલ હતી તેવો રીપોર્ટ આપવામા આવેલ છે..! જો કે, સ્ટોકના મેનેજર ધવલ સોનીએ સ્વીકારેલું છે કે છેલ્લા દોઢ-બે વર્ષથી આ સમગ્ર ઉચાપત સ્ટોરમા તે તથા મેનેજર હરીલાલ ભટીની મીઠી નજર હેઠળ ચાલે છે.તેમજ થોડા સમય પહેલા ફરિયાદીના શોરૂમે દિપકભાઈ પરમાર નામના ગ્રાહક આવેલ હતા અને તેને તેઓને કહ્યું હતું મે થોડા સમય પહેલા તેને સોનાનો ચેઇન અને બ્રેસલેટ લીધું હતું તેના રોકડા ૩,૩૦,૦૦૦ મેનેજર હરીલાલ ભટીને આપેલ હતા તો પણ ઓડીટ સમયે તેની પાસેથી દાગીના મંગાવ્યા હતા અને થોડા દિવસમા તમને આ દાગીના પરત આપી દેશુ તેમ કહેલ હતુ.પરંતુ હજુ સુધી દાગીના પરત આપેલ નથી અને તે ગ્રાહકની રીસીપ જોતા શોરૂમની સીસ્ટમમા કયાંક રિસીપ ચડેલ ન હતી અને ડુપ્લીકેટ રીસીપ બનાવેલ હોવાનુ સામે આવ્યું છે..!
આ પાંચેય આરોપી શોરૂમના જવાબદાર કર્મચારી છે અને ગ્રાહકોને ઘરેણા વેચવાની જવાબદારી સોપેલ હતી તેઓ દ્રારા અલગ અલગ સમયે સોનાના ઘરેણા જેમાં સોનાની બુટીનંગ- ૮, સોનાના સેટ નંગ- ૧૧, બેંગ્લસ (બંગડી) નંગ- ૧૮, ચેઇન નંગ- ૧૪, વીંટી નંગ- ૧૫, પેન્ડલ નંગ- ૧ મંગળસૂત્ર નંગ- ર, પેન્ડલના સેટ નંગ- ૩ તથા અધર નંગ- ૧ એમ કુલ સોનાની કુલ ૭૩ નંગ ઘરેણા તથા દિપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા આરોપીઓએ પરત મંગાવી દિપકભાઈને પરત નહી આપી ખોટી રીસીપ બનાવી આપેલ હતી અને આ તમામ ઘરેણાની કુલ કિંમત ૧,૫૬, ૧૪૦૦૦ થાય છે. જે દાગીના આજદીન સુધી તપાસ કરતા મળી આવેલ નથી જેથી શોરૂમ વાળાએ હાલમાં તેના જ મેનેજર સહિતના પાંચ કર્મચારીઓની સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને ચાર આરોપીઓને પકડેલ છે.
હાલમાં આઇપીસી કલમ ૪૦૮, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦(બી) મુજબના ગુન્હાના કામેના આરોપી તરીકે હરીલાલ જેન્તીલાલ ભટ્ટી જાતે વાણંદ ધંધો પ્રા.નોકરી રહે.હાલ ગોકુળધામ સોસાયટી ભગવતી સર્કલ કાળીયા બીડ ભાવનગર મુળ રહે.પંચાસર રોડ શીવમ સોસાયટી મોરબી, ધવલભાઈ અલ્પેશભાઈ પટણી જાતે સોની (૨૮) ધંધો પ્રા.નોકરી રહે.દરબાર ગઢ પાસે નાગનાથ શેરી મોરબી, આશીષભાઈ ગુણવંતભાઈ માંડલીયા જાતે સોની (૩૧) ધંધો પ્રા.નોકરી રહે. શ્રીજી પાર્ક આનંદનગર શનાળા બાયપાસ મોરબી મુળ રહે.ઘુનડા (ખાનપર) તા.ટંકારા જી.મોરબી તથા ઈરફાનભાઈ સાદીકભાઈ વડગામા જાતે ઘાંચી (૨૯) ધંધો પ્રા.નોકરી રહે.રામપાર્ક-૧ વાવડી રોડ સલીમ મસ્જીદની પાસે મોરબી મુળ રહે.કુંભારપરા ચોક પાસે વાંકાનેર જી.મોરબી ની તા.૧૨-૫ ના બપોરેે ૩ વાગ્યે ધોરણસર અટકાયત કરીને રીમાંડ લેવા પોલીસે તજવીજ શરૂ કરેલ છે.